Dhaka, તા.18
ભારતના લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ બાંગ્લાદેશના નવનિયુક્ત વડાપ્રધાન તારિક રહેમાન સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વતી લખાયેલો ખાસ અભિનંદન પત્ર તેમને રૂબરૂ સોંપ્યો હતો. ઓમ બિરલા બાંગ્લાદેશમાં નવી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા હતા.
પીએમ મોદીએ તેમના પત્રમાં તારિક રહેમાનને કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવતા બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધોનો ઉલ્લેખ કર્યો હતો. ઓમ બિરલાએ આ મુલાકાત દરમિયાન તારિક રહેમાનને સત્તાવાર રીતે ભારતની મુલાકાતે આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધો આગામી સમયમાં વધુ સુદ્રઢ બનશે.
આ બેઠક દરમિયાન બંને નેતાઓએ દ્વિપક્ષીય હિતના વિવિધ મુદ્દાઓ, પ્રાદેશિક સુરક્ષા અને આર્થિક સહયોગ અંગે ચર્ચા કરી હતી. ઓમ બિરલાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે નવી સરકાર હેઠળ બાંગ્લાદેશ પ્રગતિના પંથે આગળ વધશે.
દક્ષિણ એશિયામાં શાંતિ અને સ્થિરતા જળવાઈ રહેશે. ભારતે હંમેશા બાંગ્લાદેશના વિકાસમાં વિશ્વાસુ ભાગીદાર તરીકે ભૂમિકા ભજવી છે, જે આ મુલાકાતથી ફરી સાબિત થયું છે.

