શિવમહાપુરાણની વિદ્યેશ્વરસંહિતામાં કહ્યું છે કે જે શ્રવણ-મનન અને કિર્તન આ ત્રણ સાધનોના અનુષ્ઠાનમાં સમર્થ નથી તેમને ભગવાન શંકરના લિંગ તથા મૂર્તિની સ્થાપના કરીને નિત્ય તેમની પૂજા કરીને સંસાર સાગરથી પાર ઉતરી શકે છે.એકમાત્ર ભગવાન શિવ બ્રહ્મરૂપ હોવાના કારણે નિષ્કલ નિર્ગુણ નિરાકાર કહેવાય છે.શિવ નિષ્કલ નિર્ગુણ નિરાકાર હોવાથી તેમની પૂજાના માટે આધારભૂત લિંગ જ શિવના સ્વરૂપનું પ્રતિક છે.સકલ અને અકલ એટલે કે સમસ્ત અંગ-આકાર સહિત સાકાર અને અંગ-આકારથી સર્વથા રહિત નિરાકાર રૂપ હોવાથી તે બ્રહ્મ શબ્દથી કહેવાતા પરમાત્મા છે એટલે તમામ લોકો લિંગ (નિરાકાર) અને મૂર્તિ(સાકાર) બંન્નેમાં હંમેશાં ભગવાન શિવની પૂજા કરે છે.શિવથી ભિન્ન જે દેવતાઓ છે તે સાક્ષાત બ્રહ્મ નથી એટલે ક્યાંય તેમના માટે નિરાકાર લિંગ ઉપલબ્ધ હોતું નથી એટલે કે તે સગુણ જીવ હોવાના કારણે ફક્ત મૂર્તિના રૂપમાં જ તેમની પૂજા કરવામાં આવે છે.
આ ગોપનીય વિષય છે અને લિંગ સાક્ષાત બ્રહ્મનું પ્રતિક છે.આ નિરાકાર શિવ બ્રહ્મનું વર્ણન કરતાં શ્રીમદ ભગવદગીતા(૧૧/૨૦)માં કહ્યું છે કે આ સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચેનું સંપૂર્ણ આકાશ તથા તમામ દિશાઓ એકમાત્ર આપનાથી જ પરીપૂર્ણ છે.ભગવાન શિવ બ્રહ્મસ્વરૂપ અને નિષ્કલ (નિરાકાર) છે એટલા માટે તેમની પૂજામાં નિષ્કલ લિંગનો ઉપયોગ થાય છે-તમામ વેદોનો આ મત છે.આમ શિવ નિરાકાર અને સાકાર બંન્ને છે.ભગવાન શંકર નિષ્કલ-નિરાકાર હોવા છતાં તમામ કલાઓથી યુક્ત છે એટલે તેમની સાકારરૂપમાં પ્રતિમાપૂજા પણ લોકસંમત છે.હવે લિંગના પ્રાગટ્યનું રહસ્ય બતાવતો પ્રસંગ જોઇએ.
એકવાર બ્રહ્માંડમાં ભ્રમણ કરતા કરતા બ્રહ્માજી ભગવાન વિષ્ણુના ધામમાં ગયા.તે સમયે શેષશાયી ભગવાન વિષ્ણુ પોતાની પરાશક્તિ લક્ષ્મીજી તથા અન્ય પાર્ષદોથી ઘેરાઇને શયન કરી રહ્યા હતા.તે સમયે બ્રહ્મવેત્તાઓમાં શ્રેષ્ઠ ભગવાન બ્રહ્માજી પોતાની ઇચ્છાથી આવે છે અને પરમ સુંદર કમલનેત્ર વિષ્ણુને પુછે છે કે તમે કોન છો? મને આવેલો જોઇને પણ ઉદ્ધત પુરૂષની જેમ કેમ સૂઇ રહ્યા છો? જે પુરૂષ પોતાનાથી શ્રેષ્ઠ ગુરૂજનોને આવેલા જોઇને પણ ઉદ્ધતની જેમ આચરણ કરે છે તે મૂર્ખ ગુરૂદ્રોહીના માટે પ્રાયશ્ચિતનું વિધાન કરવામાં આવ્યું છે.
બ્રહ્માજીના આવા વચનો સાંભળીને ક્રોધિત થવા છતાં બહારથી શાંત વ્યવહાર કરતાં ભગવાન વિષ્ણુ કહે છે કે આવો..તમારૂં કલ્યાણ થાય,તમારૂં સ્વાગત છે.આસન ગ્રહણ કરો.તમારા મુખમંડલથી વ્યગ્રતા પ્રદર્શિત થઇ રહી છે અને તમારા નેત્ર વિપરીતભાવ સૂચિત કરે છે,ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે હે વિષ્ણુ ! કાળના પ્રભાવથી તમોને ઘણું અભિમાન આવી ગયું છે.હું જગતનો પિતામહ અને તમારો રક્ષક છું.સમગ્ર જગત મારામાં સ્થિત છે,તમે ફક્ત ચોરની જેમ બીજાની સંપત્તિને વ્યર્થ પોતાની માનો છો.તમે મારા નાભિ કમળમાંથી ઉત્પન્ન થયા છો,તમે મારા પૂત્ર છો તેમ છતાં વ્યર્થ વાતો કરો છો.તે સમયે અજન્મા બ્રહ્મા અને ભગવાન વિષ્ણુ મોહવશ તમે નહી પરંતુ હું શ્રેષ્ઠ છું,હું સ્વામી છું એમ બોલતાં બોલતાં પરસ્પર એક બીજાને મારવાની ઇચ્છાથી યુદ્ધ કરવા માટે તૈયાર થયા.
હંસ અને ગરૂડ ઉપર આરૂઢ થઇને બંન્ને વીર બ્રહ્મા અને વિષ્ણુ યુદ્ધ કરવા લાગ્યા ત્યારે તેમના ગણો પણ પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા.બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે ચાલતા યુદ્ધને જોવા માટે તમામ દેવતાઓ પોત પોતાના વિમાન લઇને આવ્યા.યુદ્ધનો અંત આવવાના કોઈ સંકેત ન જોઈને દેવતાઓ ખૂબ જ ચિંતિત થઈ ચંદ્રશેખર ભગવાન મહેશ્વર જ્યાં વિરાજમાન છે તે શિવસ્થાન કૈલાશ શિખર પર જાય છે.ત્યાં દેવતાઓએ સભાની વચ્ચે સ્થિત મંડપમાં દેવી પાર્વતીજીની સાથે રત્નજડીત આસન ઉપર વિરાજમાન દેવશ્રેષ્ઠ ભગવાન શિવના દર્શન કરી દૂરથી તેમને દંડવત્ પ્રણામ કરી અને હકીકતથી વાકેફ કરે છે.દેવ શિરોમણી મહાદેવે દેવતાઓને આનંદિત કરતાં અર્થગંભીર-મંગલમય અને સુમધુર વચનો કહેતાં કહ્યું કે આપ સર્વે કુશળ તો છો ને? મારા અનુશાસનમાં જગત તથા દેવશ્રેષ્ઠ પોતપોતાના કાર્યો તો કરે છે ને? હે દેવતાઓ ! બ્રહ્માજી અને વિષ્ણુ વચ્ચે ચાલતા યુદ્ધનું વૃતાંત તો મને પહેલેથી જ જ્ઞાત છે.ભગવાન શિવે બંનેને શાંત કરવા માટે યુદ્ધસ્થલી ઉપર જવા પોતાના સેંકડો ગણોને સભામાં હાજર થવા હુકમ કર્યો.
ઉમાપતિ પૂત્રો અને ગણો સહિત પ્રસ્થાન કર્યું પાછળ દેવરાજ ઇન્દ્ર સહિત તમામ દેવતાઓ ચાલે છે.પશુપતિ ભગવાન શિવ ભગવતી ઉમાની સાથે સેનાસહિત બ્રહ્મા અને વિષ્ણુ જ્યાં યુદ્ધ કરી રહ્યા હતા તે યુદ્ધભૂમિમાં આવી પહોંચે છે.તે બંન્નેનું યુદ્ધ જોઇને શિવજી છુપાઇને આકાશમાં સ્થિત થઇ જાય છે.ભગવાન શિવે જોયું કે બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુ તેમના ઘાતક શસ્ત્રો જેવા કે બ્રહ્માસ્ત્ર અને નારાયણસ્ત્રનો ઉપયોગ કરી રહ્યા છે જેની જ્વાળાઓથી ત્રણે લોક સળગવા લાગ્યા.નિરાકાર ભગવાન શિવ આ અકાલ પ્રલયને રોકવા અને બંન્નેનું અભિમાન દૂર કરવા ત્રિગુણાતીત પરમેશ્વરે તેમની ભયંકર વિશાળ ‘અગ્નિસ્તંભ’ના રૂપમાં પ્રગટ થયા.સમગ્ર સંસારને નષ્ટ કરવાને સક્ષમ બ્રહ્માસ્ત્ર અને નારાયણસ્ત્ર બંન્ને દિવ્યાસ્ત્ર પોતાના તેજસહિત તે મહાન અગ્નિસ્તંભના પ્રગટ થતાં જ તત્ક્ષણ શાંત થઇ ગયાં.દિવ્યાસ્ત્રોને શાંત કરનાર આ આશ્ચર્યકારી અગ્નિસ્તંભને જોઇને તમામ પરસ્પર કહેવા લાગ્યા કે આ અદભૂત આકારવાળો સ્તંભ શું છે?
બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુ અગ્નિનાસ્તંભને જોઈને ખૂબ જ આશ્ચર્યચકિત થયા અને વિચારવા લાગ્યા કે આ દિવ્ય અગ્નિસ્તંભ કેવી રીતે પ્રગટ થયો? ચાલો તેની ઉંચાઇ-ઉંડાઇ અને તેના મૂળ સુધી જઇ તેની તપાસ કરીએ.આવો નિશ્ચય કરીને બંન્ને અભિમાની વીર તેની પરીક્ષા કરવા તૈયાર થાય છે.ભગવાન વિષ્ણુએ સૂકરનું રૂપ ધારણ કરી અગ્નિસ્તંભનું મૂળ શોધવા જાય છે અને બ્રહ્માજી હંસનું રૂપ ધારણ કરી તેનો અંત શોધવા જાય છે.પાતાળલોક સુધી જવા છતાં ભગવાન વિષ્ણુને અગ્નિ સમાન તેજસ્વી સ્તંભનો આધાર જોવા મળતો નથી તેથી તેઓ હારી-થાકીને સૂકરાકૃતિ વિષ્ણુ રણભૂમિમાં પરત આવી જાય છે.
આકાશમાર્ગથી જતાં બ્રહ્માજીને રસ્તામાં અદભૂત કેતકી(કેવડો)ના ફુલને નીચે પડતું જુવે છે.અનેક વર્ષોથી નીચે તરફ આવી રહેલ હોવા છતાં કેતકીનું ફુલ તાજું અને અતિ સુગંધયુક્ત હતું.બ્રહ્મા અને વિષ્ણુના આ વિગ્રહપૂર્ણ કૃત્યને જોઇને પરમેશ્વર ર્હંસી પડે છે જેના કંપનથી તેમનું મસ્તક હાલ્યું અને આ શ્રેષ્ઠ કેતકીનું પુષ્પ તે બંન્નેની ઉપર કૃપા કરવા નીચે પડે છે.બ્રહ્માજીએ તેને પુછ્યું કે હે પુષ્પરાજ ! તમોને કોને ધારણ કરી રાખ્યું હતું? અને તમે કેમ નીચે પડી રહ્યા છો? ત્યારે કેતકીએ જવાબ આપ્યો કે આ પુરાતન અને અપ્રમેય સ્તંભની વચ્ચેથી હું સૃષ્ટિની શરૂઆતથી એટલે કે ઘણા સમયથી નીચે તરફ પડી રહી છું તેમ છતાં આ અગ્નિસ્તંભની ઉત્પત્તિ કે આદિને જોઇ શકી નથી એટલે આપ પણ આ અગ્નિસ્તંભનો અંત જોવાની આશા છોડી દો.બ્રહ્માજીએ કહ્યું કે હું હંસનું રૂપ લઇને તેના અંતને જોવા માટે અહી આવ્યો છું. હવે હે મિત્ર ! મારૂં એક મનવાંચ્છિત કામ તારે કરવું પડશે.મારી સાથે આવીને તારે વિષ્ણુને એટલું કહેવાનું છે કે બ્રહ્માજીએ આ અગ્નિસ્તંભના છેડાને જોઇ લીધો છે અને હું વાતની સાક્ષી છું. કેતકીએ હા પાડી અને બ્રહ્માજીને વારંવાર પ્રણામ કરીને કહ્યું કે આપત્તિકાળમાં ખોટું બોલવામાં દોષ નથી-આવી શાસ્ત્રમાં આજ્ઞા છે.
અગ્નિસ્તંભનો અંત ના મળતાં રણભૂમિમાં અતિ પરીશ્રમથી થાકીને અને ઉદાસ વિષ્ણુને જોઇને બ્રહ્માજી પ્રસન્ન થાય છે અને ભગવાન વિષ્ણુને કહે છે કે હે હરિ ! મેં આ અગ્નિસ્તંભના અગ્રભાગને જોયો છે અને તેની સાક્ષી આ કેતકીનું ફુલ છે,તે સમયે કેતકી ભગવાન વિષ્ણુ સામે જુઠું બોલે છે કે બ્રહ્માજીની વાત સાચી છે.ભગવાન વિષ્ણુએ આ વાતને સત્ય માનીને બ્રહ્માજીને શ્રેષ્ઠ માનીને તેમને પ્રણામ કરે છે અને બ્રહ્માજીનું ષોડશોપચાર પૂજન કરે છે.તે સમયે કપટી બ્રહ્માને દંડિત કરવા માટે તે પ્રજ્વલ્લિત સ્તંભ લિંગમાંથી મહેશ્વર પ્રગટ થાય છે.પરમેશ્વરને પ્રગટ થયેલા જાણીને ભગવાન વિષ્ણુ ઉભા થઇ કાંપતા હાથોથી તેમના પગ પકડી કહે છે કે હે કરૂણાકર ! આદિ અને અંત રહિત આપ પરમેશ્વરના વિશે મેં મોહબુદ્ધિથી ઘણો વિચાર કર્યો પરંતુ કામનાઓથી ઉત્પન્ન એ વિચાર સફળ ના થયો એટલે આપ અમારી ઉપર પ્રસન્ન થાઓ,અમારા પાપોનો નાશ કરો અને અમોને ક્ષમા કરો,આ બધું આપની લીલાથી જ થયું છે.
ત્યારે મહેશ્વરે કહ્યું કે હે વત્સ હું તમારી ઉપર પ્રસન્ન છું કારણ કે શ્રેષ્ઠતાની કામના હોવા છતાં તમે સત્યવચનનું પાલન કર્યું છે એટલે લોકોમાં તમે મારા સમાન પ્રતિષ્ઠા અને સત્કાર પ્રાપ્ત કરશો.હવે આપની પૃથક મૂર્તિ બનાવીને પુણ્યક્ષેત્રોમાં પ્રતિષ્ઠિત કરવામાં આવશે અને તેનું ઉત્સવપૂર્વક પૂજન થશે.
ત્યારબાદ મહાદેવ શિવજીએ બ્રહ્માના અભિમાનને દૂર કરવાની ઇચ્છાથી પોતાની ભૃકુટીના મધ્યેથી ભૈરવ નામનો એક અદભૂત પુરૂષ ઉત્પન્ન કર્યો અને આજ્ઞા આપી કે આ જે બ્રહ્મા છે તે સૃષ્ટિના આદિ દેવતા છે તેમનો વધ કરી દો.તે સમયે ભૈરવે બ્રહ્માના વાળ પકડી અસત્ય બોલનાર તેમના પાંચમા મસ્તકને કાપી નાખ્યું.તે સમયે ભગવાન વિષ્ણુએ બ્રહ્માજીની રક્ષા કરવા માટે ભગવાન શિવના ચરણોમાં હાથ જોડીને પ્રાર્થના કરી કે હે ઇશ્વર ! આપે જ પહેલાં બ્રહ્માજીને પંચાનનરૂપ પ્રદાન કર્યું હતું એટલે તે આપના અનુગ્રહ કરવા યોગ્ય છે,તેમનો અપરાધ ક્ષમા કરો અને તેમની ઉપર પ્રસન્ન થાઓ.ભગવાન અચ્યુતની પ્રાર્થનાથી શિવજીએ પ્રસન્ન થઇ ભૈરવને રોક્યો અને બ્રહ્માજીને શ્રાપ આપ્યો કે તમે શ્રેષ્ઠતા મેળવવાના ચક્કરમાં શઠેશત્વને પ્રાપ્ત થયા છો એટલે સંસારમાં તમારો સત્કાર નહી થાય તથા તમારા મંદિર કે પૂજનોત્સવ નહી થાય.
ભગવાન શિવે કહ્યું કે અનુશાસનનો ભય નહી રહેવાથી આખો સંસાર નષ્ટ થઇ જશે એટલે તમે દંડ આપવા યોગ્યને દંડ આપો અને આ સંસારની વ્યવસ્થા ચલાવો.અન્ય એક વરદાન આપું છું કે અગ્નિહોત્ર વગેરે વૈતાનિક અને ગુહ્ય યજ્ઞોમાં આપ શ્રેષ્ઠ રહેશો.સર્વાગપૂર્ણ અને પુષ્કલ દક્ષિણાવાળા યજ્ઞ તમારા વિના નિષ્ફળ થશે.ભગવાન શિવે ખોટી સાક્ષી પુરનાર કેતકીને શ્રાપ આપ્યો કે હે શઠ કેતકી ! તૂં દુષ્ટ છે, અહીથી દૂર ચાલી જા.મારી પૂજામાં તારૂં પુષ્પ નહી ચઢે.ત્યારે કેતકીએ કહ્યું કે આપની આજ્ઞાથી તો મારૂં જીવન જ નિષ્ફળ થશે.હે તાત ! મારો અપરાધ ક્ષમા કરી મારો જન્મ સફળ કરો.જાણે-અજાણે થયેલ પાપ આપના સ્મરણમાત્રથી નષ્ટ થાય છે તો પછી આપના પ્રભાવશાળી સાક્ષાત દર્શન કરનાર દોષી કેવી રીતે રહે? કેતકીની સ્તુતિથી પ્રસન્ન થઇ સદાશિવે કહ્યું કે હું સત્ય વક્તા છું એટલે મારી પૂજામાં તારૂં સ્થાન નહી રહે પરંતુ મારૂં પોતાનું સ્વરૂપ વિષ્ણુ વગેરે દેવગણ તને ધારણ કરશે અને મંડપ વગેરેના બહાને તૂં મારી ઉપર ઉપસ્થિત રહીશ.
પછી શિવજીએ કહ્યું કે હું જ આદિ-મધ્ય અને અંત છું.હું જ બ્રહ્માંડનું કારણ-ઉત્પત્તિકર્તા અને માલિક છું.તમે બંને મારામાંથી ઉત્પન્ન થયા છો.બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુએ મળીને જ્યોતિર્લિંગની પૂજા કરી. જગતનું કલ્યાણ કરવાની ઇચ્છાથી આ અગ્નિસ્તંભથી નિરાકાર પરમેશ્વર શિવે પોતાના લિંગ-ચિહ્નના કારણે લિંગનો આર્વિભાવ કર્યો.તે સમયથી લોકમાં પરમેશ્વર શિવના નિર્ગુણ લિંગ (નિષ્કલ અંગ-આકૃતિથી રહિત નિરાકાર સ્વરૂપનું પ્રતિક) અને સગુણ મૂર્તિ (સાકારરૂપનું પ્રતિક)ની પૂજા પ્રચલિત થઇ.
આલેખનઃ
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)