(૨૦) ઋષિઓએ હનુમાનજીને શ્રાપ આપ્યો હતો..
હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં અનેક વરદાન અને શ્રાપોનું વર્ણન જોવા મળે છે.આ શ્રાપ અને વરદાનોની પાછળ કોઇને કોઇ વાર્તા અને કારણ હોય છે.આ શ્રાપ અને વરદાનોની પાછળ ભવિષ્યમાં ઘટનાર ઘટના કારણભૂત હોય છે.નિરાકાર પ્રભુ પરમાત્માને સંતપ્રેમ આકાર આપે છે.નિર્ગુણ-નિરાકાર પરમાત્મા સંતો-ભક્તો માટે સગુણ-સાકાર બને છે,પરમાત્મા ધરતી ઉપર નિરાકારમાંથી સાકાર થાય છે.
બાળક હનુમાન ઘણા જ ચંચળ અને નટખટ હતા.એક તો પ્રલયંકર ભગવાન શિવના અવતાર,બીજું વાનરજાતિના બાળક અને દેવતાઓ દ્વારા તેમને અમોઘ વરદાનો મળેલ હતા.તેમની ચપળતાથી તેમના માતા-પિતા પ્રસન્ન થતા હતા.મૃગોને પુંછડી પકડીને ચારે બાજુ ઘુમાવવા,હાથીને પકડીને પોતાની શક્તિનો પરચો બતાવવો-આ તેમની નિત્ય ક્રિડા હતી.ક્યારેક તેઓ વિશાળ વૃક્ષોને થડમાંથી પકડી હલાવતા, પર્વતોનું કોઇ શિખર બાકી નહોતું કે જ્યાં તેઓ છલાંગ મારીને ગયા ના હોય.વનના પ્રાણીઓ તેમનાથી ગભરાતાં હતાં પરંતુ અંદરથી તેમને પ્રેમ કરતાં હતાં,તે તમામ પ્રાણીઓના મિત્ર અને રક્ષક હતા.કોઇ બળવાન કોઇ નિર્બળને પરેશાન કરે તે હનુમાનજી સહન કરી શકતા નહોતા.તે એક વૃક્ષની ટોચ ઉપરથી બીજા વૃક્ષની ટોચ ઉપર કૂદીને યોજનો દૂર જતા રહેતા હતા.
વરદાનથી મળેલ શક્તિઓથી સંપન્ન હનુમાનજી ક્યારેક તપસ્વી ઋષિઓના આશ્રમમાં જતા અને કંઇકને કંઇક ચપળતા કરી બેસતા જેનાથી ઋષિ-મુનિઓને તકલીફ પડતી હતી.એક ઋષિનું આસન બીજા ઋષિ પાસે મુકી આવતા,કોઇક ઋષિનું મૃગચર્મ ઓઢીને વૃક્ષો ઉપર કૂદકા મારતા હતા અને મૃગચર્મને વૃક્ષ ઉપર જ લટકાવી દેતા હતા.કોઇનું પાણી ભરેલું કમંડલ ઢોળી દેતા તો કોઇનું કમંડલ ભાંગી નાખતા કે પાણીના પ્રવાહમાં નાખી દેતા,ક્યારેક જપ કરતા ઋષિના ખોળામાં જઇને બેસી જતા.અહિંસાપરાયણ મુનિ ધ્યાનસ્થ બની જપ કરતા હોય ત્યારે હનુમાનજી તેમની દાઢી ખેંચીને ભાગતા,કોઇની પાઠ કરવાની પોથી તો કોઇનું કૌપીન ફાડીને ફેંકી દેતા હતા.મહાબલી પવનકુમાર મહાત્માઓના યજ્ઞોપયોગી પાત્રોને પણ તોડી નાખતા હતા.બ્રહ્માદિ દેવતાઓઓએ હનુમાનજીને આપેલ વરદાનોને જાણતા હોવાથી ઋષિગણ વિવશ હોવાથી ચૂપ રહેતા આમ હોવા છતાં તેઓને ઘણી તકલીફ પડતી હતી.
ધીરે ધીરે હનુમાનજીની ઉંમર વિદ્યાભ્યાસ યોગ્ય થઇ તેમ છતાં તેમની ચંચળતા ઓછી ના થઇ, તેમનાં માતા-પિતા પણ ઘણી ચિંતા કરે છે,તેમને પોતાના પ્રાણ પ્રિય લાલને અનેક પ્રકારે સમજાવવાના અનેક પ્રયત્નો કર્યા પરંતુ હનુમાનજીની ચંચળતામાં કોઇ ફર્ક ના પડ્યો.છેલ્લે હનુમાનજીના પિતા વાનરરાજ કેશરી અને માતા અંજના ઋષિમુનિઓ પાસે આવે છે,તે સમયે ઋષિઓએ પોતાના દુઃખની વાતો તેમને કહી સંભળાવી ત્યારે માતા અંજના અને કેશરીએ ઋષિઓને વિનમ્રતાપૂર્વક કહ્યું કે તપોધનો ! અમોને આ બાળક હનુમાન ઘણા વર્ષો પછી તપસ્યાના પ્રભાવથી પ્રાપ્ત થયો છે.આપ અમારી ઉપર દયા કરી અમારા બાળક ઉપર અનુગ્રહ કરો,એવી કૃપા કરો કે તે વિદ્યા પ્રાપ્ત કરી લે.આપ ઋષિ-મુનિઓની કરૂણાથી તેના સ્વભાવમાં અવશ્ય પરિવર્તન આવશે.
ઋષિઓએ વિચાર્યું કે હનુમાનજીને પોતાની અમિત શક્તિ અને પરાક્રમનું અભિમાન છે,જો તે પોતાનું બળ ભૂલી જાય તો તેનું યથાર્થ હિત થઇ શકે તેમ છે.કેટલાક વયોવૃદ્ધ સમર્થ ઋષિઓ એ પણ જાણતા હતા કે આ બાળક દેવતાઓનું હિત કરનાર છે.તે ભગવાન શ્રીરામના અનન્ય ભક્ત થવાના છે અને ભગવાનના ભક્તના માટે બળનું અભિમાન યોગ્ય નથી,આમ વિચારી ભૃગુ તથા અંગિરા વંશમાં ઉત્પન્ન થયેલા ઋષિઓએ હનુમાનજીને શ્રાપ આપ્યો કે હે વાનરવીર ! તમે જે બળ પામીને અમોને તકલીફ આપી રહ્યા છો તે બળ અમારા શ્રાપથી મોહિત થઇને લાંબા સમય સુધી ભૂલી જશો,તમોને પોતાના બળની ખબર જ નહી પડે.જ્યારે કોઇ તમોને તમારી કીર્તિનું સ્મરણ કરાવશે ત્યારે તમારૂં બળ પુનઃ પ્રાપ્ત કરી શકશો. તપસ્વી મુનિઓના આવા શ્રાપથી પવનકુમારનું તેજ ઓછું થઇ ગયું અને અત્યંત સૌમ્ય સ્વભાવના બની ગયા અને આશ્રમમાં અન્ય કપિ-કિશોરોની જેમ શાંતભાવથી વિચરણ કરવા લાગ્યા.તેમના મૃદુલ વ્યવહારથી ઋષિ-મુનિઓ પણ પ્રસન્ન રહેવા લાગ્યા.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)