(૨૯) રાજાચંદ્રસેનને માતા પાર્વતીજીએ શ્રાપ આપ્યો હતો.
હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં અનેક વરદાન અને શ્રાપોનું વર્ણન જોવા મળે છે.આ શ્રાપ અને વરદાનોની પાછળ કોઇને કોઇ વાર્તા અને કારણ હોય છે.આ શ્રાપ અછળ ભવિષ્યમાં ઘટનાર ઘટના કારણભૂત હોય છે.નિરાકાર પ્રભુ પરમાત્માને સંતપ્રેમ આકાર આપે છે.નિર્ગુણ-નિરાકાર પરમાત્મા સંતો-ભક્તો માટે સગુણ-સાકાર બને છે,પરમાત્મા ધરતી ઉપર નિરાકારમાંથી સાકાર થાય છે.
શૂરસેન દેશમાં ચક્રવર્તિ સમ્રાટ ચિત્રકેતૂ મહારાજ રાજ્ય કરતા હતા.તેમને અનેક રાણીઓ હતી આમ હોવા છતાં તેઓ સ્વયં સંતાન ઉત્પન્ન કરવામાં સમર્થ હોવા છતાં તેમણે તે રાણીઓ પૈકીની કોઇના પણ ગર્ભથી કોઇ સંતાન ના થયું.મહારાજ ચંદ્રકેતૂને કોઇ વાતની કમી નહોતી.તે સર્વગુણ સંપન્ન હતા.તેઓ સમગ્ર પૃથ્વીના ચક્રવર્તિ સમ્રાટ હોવા છતાં પત્નીઓ નિઃસંતાન હોવાથી તેમને ભારે ચિંતા રહેતી હતી.એક દિવસ શ્રાપ અને વરદાન આપવામાં સમર્થ ઋષિ અંગિરા રાજા ચંદ્રકેતૂના મહેલમાં પધારે છે.રાજાએ આદરપૂર્વક પૂજા કરી અને તેમના ચરણોમાં શાંતભાવે જમીન ઉપર બેસી જાય છે.અંગિરા ઋષિ રાજાના કુશળક્ષેમ પુછે છે.જેનું મન વશમાં હોય છે તેનાં તમામ વશમાં રહે છે,આમ હોવા છતાં હે રાજન ! તમે પોતે સંતુષ્ટ નથી.તમારી કોઇ કામના અધુરી રહી છે.તમારા ચહેરા ઉપર ચિંતાના ચિન્હ દેખાય છે.
ઋષિ અંગિરાના પુછવાથી ચિત્રકેતૂ રાજાએ વિનયપૂર્વક કહ્યું કે મને પૃથ્વીનું સામ્રાજ્ય,ઐશ્વર્ય અને સંપત્તિઓ મળેલ છે પરંતુ મારે સંતાન ન હોવાથી આ સુખભોગોથી જરાય શાંતિ મળતી નથી.હું આ કારણથી દુઃખી છું. હવે તમે અમોને સંતાન પ્રાપ્તિ થાય તેવું કંઇક કરો.જ્યારે રાજા ચંદ્રકેતૂ આ પ્રાર્થના કરી ત્યારે સર્વસમર્થ અને પરમકૃપાળુ બ્રહ્માજીના પૂત્ર ભગવાન અંગિરાએ ત્વષ્ટા દેવતાને કહી યોગ્ય ચરૂં બનાવડાવ્યો.રાજા ચંદ્રકેતૂની રાણીઓમાં સૌથી મોટા અને સદગુણશાળી મહારાણી કૃતધૃતિને યજ્ઞનો અવશેષ પ્રસાદ આપ્યો અને રાજા ચંદ્રકેતૂને કહ્યું કે તમારી આ પત્નીના ગર્ભથી એક પૂત્ર થશે જે તમોને હર્ષ અને શોક બંન્ને આપશે.આમ કહીને અંગિરા ઋષિ ચાલ્યા ગયા.યજ્ઞનો જે અવશેષ પ્રસાદ આરોગવાથી મહારાણી કૃતધૃતિએ ગર્ભ ધારણ કર્યો અને યોગ્ય સમયે પૂત્રને જન્મ આપ્યો,જેના સમાચાર જાણીને શૂરસેન દેશની પ્રજા આનંદિત થઇ.રાજાએ પૂત્રના જાતકર્મ સંસ્કાર કરાવ્યા,બ્રાહ્મણોને દાન આપ્યું.ઘણા વર્ષો પછી જન્મેલ પૂત્રમાં રાજાનું સ્નેહબંધન દ્રઢ થવા લાગ્યું.માતા કૃતધૃતિએ પણ પોતાના પૂત્ર ઉપર મોહના કારણે ઘણો જ પ્રેમ હતો પરંતુ તેમની શોક્ય રાણીઓના મનમાં પોતાની અધુરી પૂત્ર કામનાથી ઇર્ષ્યા થવા લાગી.રાજા ચિત્રકેતૂનો બાળકની માતા કૃતધૃતિ ઉપર જેટલો પ્રેમ હતો તેટલો બીજી રાણીઓ ઉપર પ્રેમ રહ્યો નથી.એક તો બીજી રાણીઓને સંતાન ન હોવાથી દુઃખી અને બીજી બાજુ રાજા ચિત્રકેતૂ દ્વેષના કારણે રાણીઓની બુદ્ધિ નષ્ટ થઇ.તેમના ચિત્તમાં ક્રૂરતા વ્યાપી તેથી તેમને દ્વેષપૂર્વક નાનકડા રાજકુમારને ઝેર આપ્યું.આ જાણીને રાણી કૃતધૃતિ ધરતી પડી અને હૈયાફાટ રૂદન કરવા લાગી.રાજા ચંદ્રકેતૂને જ્યારે ખબર પડી કે તેમના પૂત્રનું મૃત્યુ થયું છે ત્યારે અત્યંત સ્નેહના કારણે શોકના આવેગથી તેમની આંખો આગળ અંધકાર છવાઇ ગયો અને બંન્ને પતિ-પત્ની અનેક પ્રકારે વિલાપ કરવા લાગ્યાં.મહારાણી ટિટોળીની જેમ ઉંચા સાદે રૂદન કરી વિધાતાને કહે છે કે સાચે જ તૂં મહામૂર્ખ છે કે તૂં પોતાની સૃષ્ટિને પ્રતિકૂળ કામ કરે છે.ભારે નવાઇની વાત એ છે કે ઘરડાં-બુઢ્ઢાં જીવતાં રહે અને બાળકો મૃત્યુ પામે ! આખું નગર શોકથી બેહોશ જેવું થઇ ગયું.
મહર્ષિ અંગિરા અને દેવર્ષિ નારદજીએ જોયું કે રાજા ચિત્રકેતૂ પૂત્રના શોકના કારણે ચેતનાહીન થઇ રહ્યા છે, તેમને સમજાવનાર પણ કોઇ નથી ત્યારે તે બંન્ને ત્યાં આવી પહોચી ચિત્રકેતૂ રાજાને ઉપદેશ આપતાં કહે છે કે રાજન ! જેના માટે તમે આટલો શોક કરી રહ્યા છો તે આ જન્મમાં અને તેના પહેલાંના જન્મોમાં તમારો કોણ હતો? તેના તમે કોણ હતા? અને આવનારા જન્મોમાં પણ તેની સાથે તમારો શું સબંધ હશે? જેમ જળના વેગના લીધે રેતીના કણ એકબીજા સાથે જોડાય છે તેવી રીતે સમયના પ્રવાહમાં પ્રાણીઓનું મળવું અને છુટા પડવું બનતું જ રહે છે.રાજન ! અમે-તમે અને આપણી સાથે આ જગતમાં જેટલાં પણ પ્રાણીઓ વિદ્યમાન છે તે બધાં પોતાના જન્મ પહેલાં ન હતા અને મૃત્યુ પછી નહી હોય,એનાથી સિદ્ધ થાય છે કે આ સમયે પણ તેમનું અસ્તિત્વ નથી કારણ કે સત્ય વસ્તુ તો હરહંમેશાં એક સરખી જ હોય છે.ભગવાન જ તમામ પ્રાણીઓના અધિપતિ છે,એમનામાં જન્મ-મૃત્યુ વગેરે વિકારો બિલ્કુલ નથી.તેમને ઇચ્છા કે અપેક્ષા નથી.તેઓ આપોઆપ જ પરતંત્ર પ્રાણીઓની સૃષ્ટિ રચે છે અને તેમના થકી જ અન્ય પ્રાણીઓની રચના, તેમનું પાલન અને તેમનો સંહાર કરે છે.જેમ એક બીજમાંથી બીજું બીજ ઉત્પન્ન થાય છે તેવી રીતે પિતાના દેહ વડે માતાના દેહમાંથી પૂત્રનો દેહ ઉત્પન્ન થાય છે,જેવી રીતે માટીના ઘડામાં ઘડો ફુટી જાય તો પણ તેનો મૂળ પદાર્થ માટી શાશ્વત રહે છે,આકાર જ નષ્ટ થાય છે તે જ પ્રમાણે જીવ જે દેહી છે તે શાશ્વત છે અને શરીર નાશવાન છે.દેહ અને દેહીનું આ વિભાજન પણ આનાદિ છે અને તે અવિદ્યાના કારણે કલ્પિત છે.રાજા ચંદ્રકેતૂ કહે છે કે હું વિષયભોગોમાં ફસાયેલો મૂઢબુદ્ધિ છું અને અજ્ઞાનના ઘોર અંધકારમાં ડૂબી રહ્યો છું.આપ જ્ઞાનના દિપક વડે મને પ્રકાશિત કરો.
મહર્ષિ અંગિરાએ કહ્યું કે રાજન ! જ્યારે તમે પૂત્ર માટે કામના કરી હતી ત્યારે મેં જ તમોને પૂત્ર આપ્યો હતો.ભગવાનનો અને બ્રહ્મજ્ઞાનીઓનો ભક્ત હોય તેને કોઇપણ અવસ્થામાં શોક કરવો જોઇએ નહી. સંસારમાં જેને મારાં કહીએ છીએ તે બધાં જ અનિત્ય છે.જીવાત્માનું આ શરીર કે જે પાંચ મહાભૂતો(પૃથ્વી પાણી અગ્નિ વાયુ અને આકાશ) પાંચ જ્ઞાનેન્દ્રિયો(આંખ,કાન,નાક,જીભ અને ત્વચા)પાંચ કર્મેન્દ્રિયો (હાથ, પગ,વાણી,ગુદા અને ઉપસ્થ)નો સંઘાત છે તે જીવને વિવિધ પ્રકારના ક્લેશ અને સંતાપ આપનારૂં કહેવાય છે તેથી તમે વિષયોમાં ભટકતા પોતાના મનને રોકીને શાંત કરો,સ્વસ્થ કરો તથા આ દ્વેતની ભ્રાંતિમાં નિત્યત્વની બુદ્ધિ ત્યજીને પરમશાંતિ સ્વરૂપ પરમાત્મામાં સ્થિત થઇ જાઓ.દેવર્ષિ નારદે કહ્યું કે રાજન ! તમે મારી પાસેથી એકાગ્રચિત્ત થઇને આ મંત્ર ઉપનિષદનું શ્રવણ કરો.આને ધારણ કરવાથી સાત રાત્રિમાં તમોને ભગવાન શ્રીસંકર્ષણનું દર્શન થશે.દ્વેતની ભ્રાંતિ દૂર થશે,પરમપદને પ્રાપ્ત કરી લેશો.
દેવર્ષિ નારદે મૃત રાજકુમારના જીવાત્માને શોક વિહ્વળ સ્વજનોની સામે પ્રત્યક્ષ બોલાવીને કહ્યું કે હે જીવાત્મા ! તારૂં કલ્યાણ થાઓ.જો તારા માતાપિતા કે સગાંસબંધીઓ તારા વિયોગથી અત્યંત શોક વિહ્વળ થઇ રહ્યાં છે તેથી તૂં પોતાના શરીરમાં પાછો આવી જા અને બાકીનું આયુષ્ય પોતાના સગાસબંધીઓની સાથે પસાર કર અને રાજ્યશાસન કર.ત્યારે જીવાત્મા કહે છે કે હે દેવર્ષિ ! હું પોતાના કર્મોનુસાર દેવ, મનુષ્ય,પશુ-પક્ષી વગેરે યોનિઓમાં કોણ જાણે કેટલાયે જન્મોથી ભટકી રહ્યો છું,એ પૈકીના ક્યા જન્મમાં આ લોકો મારા માતા-પિતા થયાં? જુદા જુદા જન્મોમાં બધાં જ એકબીજાના ભાઇભાંડુ,શત્રુ-મિત્ર,મધ્યસ્થી, ઉદાસીન અને દ્વેષી થતાં રહે છે.જીવ નિત્ય અને નિરહંકાર છે.તે ગર્ભમાં આવીને જ્યાં સુધી જે શરીરમાં રહે છે ત્યાં સુધી જ શરીરને તે પોતાનું સમજે છે.આ જીવ નિત્ય,અવિનાશી,સૂક્ષ્મ,જન્મ-મરણથી રહિત,સર્વનો આશ્રય અને સ્વયં પ્રકાશ છે.આ જીવમાં સ્વરૂપથી જન્મ-મૃત્યુ વગેરે કશું જ નથી અને તેમછતાં પણ તે ઇશ્વરરૂપ હોવાના કારણે પોતાની માયાના ગુણોથી જ સ્વયં પોતાને વિશ્વના રૂપમાં પ્રગટ કરી દે છે.આ આત્માને કોઇ પ્રિય કે અપ્રિય નથી,કોઇ પારકું કે પોતાનું નથી.આત્મા કાર્યકારણનો સાક્ષી અને સ્વતંત્ર છે તેથી એ શરીર વગેરેના ગુણદોષ કે કર્મફળને ગ્રહણ કરતો નથી,હંમેશાં ઉદાસીનભાવે સ્થિત રહે છે.તે જીવાત્મા આ પ્રમાણે કહીને ચાલ્યો ગયો.તેનાં સગાંસબંધીઓ તેની વાત સાંભળીને અત્યંત વિસ્મય પામ્યાં. તેમનું સ્નેહબંધન કપાઇ ગયું અને તેમનો તેના મરવાનો શોક પણ જતો રહ્યો,એ પછી સાગાંવ્હાલાંએ બાળકનું શબ લઇ અંતિમ સંસ્કાર કર્યા.
એક દિવસ ભગવાને આપેલ તેજોમય વિમાન પર સવાર થઇને રાજા ચિત્રકેતૂ ક્યાંક જઇ રહ્યા હતા.તે સમયે તેમને જોયું કે ભગવાન શિવ મોટા-મોટા મુનિઓની સભામાં સિદ્ધો-ચારણોની વચ્ચે બેઠા હતા અને સાથે જ ભગવતી પાર્વતીજીને પોતાના ખોળામાં બેસાડીને એક હાથે તેમને આલિંગન કરેલ છે.આ જોઇને ચિત્રકેતૂ વિમાન પર આરૂઢ થઇને જ તેમની પાસે જઇ પહોચ્યા અને ભગવતી પાર્વતીજીને સંભળાવીને જોરથી ર્હંસીને કહેવા લાગ્યો કે શું આ જ સમસ્ત જગતના ધર્માચાર્ય અને ગુરૂદેવ છે? શું આ સમસ્ત પ્રાણીઓમાં શ્રેષ્ઠ છે? આમના હાલ જુઓ.ભરી સભામાં પોતાની પત્ની સાથે ચોંટીને બેઠા છે ! જટાધારી ઘણા મોટા તપસ્વી અને બ્રહ્મવાદીઓના સભાપતિ હોવા છતાં પણ આ સાધારણ મનુષ્યની જેમ નિર્લજ્જપણે પત્નીને ખોળામાં લઇને બેઠા છે !
ભગવાન શિવની બુદ્ધિ અગાધ છે,તેઓ ચિત્રકેતૂના આ કટાક્ષવચનો સાંભળીને ર્હંસી પડ્યા પણ કશું બોલ્યા નહી.ચિત્રકેતૂને ભગવાન શિવના પ્રભાવની ખબર નહોતી એટલે તેમના વિશે ઘણુંબધું ખરૂં-ખોટું અશોભનીય બોલી રહ્યા હતા.ચિત્રકેતૂને એ વાતનો ઘમંડ થઇ ગયો હતો કે હું જીતેન્દ્રિય છું.માતા પાર્વતીજી એ તેમની ઘૃષ્ટતા જોઇને ક્રોધપૂર્વક કહ્યું કે બ્રહ્મા વગેરે મોટા-મોટા મહાપુરૂષો જેમના ચરણકમળોનું ધ્યાન ધરતા રહે છે તે જગતગુરૂ ભગવાન શિવનો આ અધમ ક્ષત્રિય રાજાએ તિરસ્કાર કર્યો છે તેની આ ઘૃષ્ટતા દંડને પાત્ર છે,આને પોતાના મોટાપણાનો ઘમંડ છે.આ મૂર્ખ ભગવાન શ્રીહરિના ચરણકમળોમાં રહેવાને લાયક નથી માટે હે દુર્બુદ્ધિ ! તૂં પાપમય અસુરયોનિમાં જા.એમ થવાથી તૂં ફરી ક્યારેય કોઇ મહાપુરૂષનો અપરાધ નહી કરે.માતા પાર્વતીજીએ જ્યારે ચિત્રકેતૂને આ પ્રમાણે શ્રાપ આપ્યો ત્યારે તે વિમાન પરથી ઉતરી માથું નમાવી માતા પાર્વતીજીને પ્રસન્ન કરવા લાગ્યો કે હે માતા ! હું તમારા શ્રાપનો સ્વીકાર કરૂં છું. આ જીવ અજ્ઞાનના લીધે મોહિત થાય છે અને સંસારના ચકરાવામાં ભટકતો રહે છે,સુખ-દુઃખ ભોગવતો રહે છે આપ મને ક્ષમા કરો.
આ જ વિદ્યાધર ચિત્રકેતૂ દાનવયોનિનો આશ્રય લઇને ત્વષ્ટાના દક્ષિણાગ્નિમાંથી પ્રગટ થયા હતા. જ્યાં તેમનું નામ વૃત્તાસુર હતું અને ત્યાં પણ તેઓ ભગવાનના સ્વરૂપના જ્ઞાન અને ભક્તિથી પરીપૂર્ણ રહ્યા હતા.અંતે મહર્ષિ દધીચિના હાડકામાંથી બનેલ વજ્રથી ઇન્દ્રના હાથે તેમનું મૃત્યુ થાય છે જે કથા સર્વ વિદિત છે.
આલેખનઃ
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)