ઉત્તરપ્રદેશના શખ્સની શોધખોળ; ૧૮.૪૬૭ કિ.ગ્રા. ગાંજો, મોબાઈલ, રોકડ બે ટ્રોલી બેગ સહિત ૯.૪૧ લાખનો મુદ્દામાલ જપ્ત
Rajkot,તા.07
રાજકોટ રેલવે પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પશ્ચિમ રેલવે, રાજકોટની ટીમે રાજકોટ રેલવે સ્ટેશન પરથી આંતરરાજ્ય ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં લાખો રૂપિયાની કિંમતના માદક પદાર્થ સાથે એક આરોપીને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો છે. જ્યારે અન્ય એક આરોપી ફરાર થઈ જવામાં સફળ રહ્યો છે.
એલ.સી.બી. અને એસ.ઓ.જી. પશ્ચિમ રેલવે, રાજકોટની ટીમ રાજકોટ રેલવે સ્ટેશન પર આંતર રાજ્ય ટ્રેનો ઉપર વોચ રાખી રહી હતી. તે દરમિયાન એ.એસ.આઈ રામજીભાઈ અને અન્ય પોલીસ કર્મીઓને સંયુક્ત રીતે ખાનગી બાતમી મળી હતી કે બે શખ્સો શંકાસ્પદ અને વજનદાર ટ્રોલી બેગો સાથે ફરી રહ્યા છે. આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે રાજકોટ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-૧ પર વાંકાનેર તરફના છેડા પાસે વોચ ગોઠવીને તપાસ કરતા બે ટ્રોલી બેગમાંથી માદક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી એન.ડી.પી.એસ. એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આ કેસમાં છત્તીસગઢના સુરજપુર જિલ્લાના ભયાથાન તાલુકાના ફુસમુસી ગામના રહેવાસી કર્મવીર તુલશીદાસ પાટીલને ઝડપી પાડયો છે. જ્યારે ઉત્તરપ્રદેશના બાંદા જિલ્લાના તેદુરા ગામનો ૨૫ વર્ષીય આરોપી હર્ષસિંહ લલકસિંહ નાસી છૂટ્યો છે જેની શોધખોળ ચાલુ છે. પોલીસે આરોપી પાસેથી કુલ રૂ. ૯,૪૧,૧૫૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મુદ્દામાલમાં મુખ્યત્વે ૧૮ કિલો ૪૬૭ ગ્રામ ગાંજો કિંમત રૂ. ૯,૨૩,૩૫૦, એક ઓપ્પો મોબાઈલ ફોન કિંમત રૂ. ૧૫,૦૦૦, રોકડ રકમ રૂ. ૧૮૦૦ અને બે ટ્રોલી બેગ કિંમત રૂ. ૧૦૦૦નો સમાવેશ થાય છે.

