Rajkot,તા.07
પડધરી તાલુકાના દહિસરડા ગામમાં એક અત્યંત કાળજું કંપાવનારી ઘટના બની હતી. શનિવારે (5 સપ્ટેમ્બર) બપોરના સમયે ગામના પાટવાળા હનુમાન મંદિર પાછળ આવેલા ચેકડેમમાં ન્હાવા પડેલા 4 માસૂમ બાળકો ડૂબી ગયા હતા. જોકે ત્રણ બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા જ્યારે ચોથા બાળકની શોધખોળના 8 કલાક બાદ ફાયરની ટીમને તેનો મૃતદેહ મળી આવ્યો હતો બીજી બાજુ રવિવારે નાના એવા દહિસરડા ગામમાં એકીસાથે ત્રણ બાળમિત્રોની સ્મશાન યાત્રા નીકળતા ગામ હિબકે ચડ્યું હતું.
મળતી માહિતી મુજબ, દહિસરડા ગામમાં એક જ શેરીમાં રહેતા અને સ્કૂલમાં સાથે ભણતા ત્રણ મિત્રો દરરોજ સાથે જ રમતા હતા. જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે જામનગરના ધ્રોલ તાલુકાના ધ્રાંગડા ગામથી 12 વર્ષીય વંશિત વિજયભાઈ ખંભાયતા તેના મામાના ઘરે દહિસરડા આવ્યો હતો. શનિવારે બપોરે 3 થી 4 વાગ્યાની આસપાસ આ ચારેય બાળકો ચેકડેમમાં ન્હાવા માટે ગયા હતા. ઊંડા પાણીનો અંદાજ ન રહેતા એક પછી એક ચારેય બાળકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને ડૂબી જવાથી તેમના મોત થયા હતા.
બાળકો મોડે સુધી ઘરે ન આવતા પરિવારજનો અને ગ્રામજનોએ શોધખોળ શરૂ કરી હતી. ચેકડેમ પાસે બાળકોના કપડાં અને ચપ્પલ પડેલા જોવા મળતાં ગ્રામજનોએ પાણીમાં તપાસ કરી હતી. જેમાં શરૂઆતમાં બે બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા. ઘટનાની ગંભીરતાને જોતા તાત્કાલિક રાજકોટ મહાનગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બાકીના બાળકોની શોધખોળ હાથ ધરી હતી. ભારે જહેમત બાદ ત્રીજો મૃતદેહ મળ્યો હતો. સળંગ 8 કલાકની મહેનત બાદ ચોથા બાળકનો મૃતદેહ પણ પાણીમાંથી મળી આવ્યો હતો. જે બાળકો ગઈકાલ સુધી સાથે ભણતા અને રમતા હતા, તેમનું એકસાથે મોત થતાં દહિસરડા ગામમાં સન્નાટો છવાઈ ગયો છે. ગામમાં ત્રણેય મિત્રોની એકસાથે અંતિમયાત્રા નીકળી ત્યારે પરિવારોનું હૈયાફાટ રુદન જોઈને આખું ગામ રડી પડ્યું હતું. જ્યારે મૃતક ભાણેજ 12 વર્ષીય વંશિત ખંભાયતાના અંતિમ સંસ્કાર તેના વતન ધ્રાંગડા (તા. ધ્રોલ) ખાતે કરવામાં આવ્યા હતા.

