New Delhi,તા.24
દેશના કાર બજારમાં અગ્રેસર મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડે 2025-26 દરમિયાન 23.4 લાખ યુનિટનું વિક્રમી ઉત્પાદન નોંધાવ્યું છે. કંપનીએ જણાવ્યું હતું કે સિયામના આંકડા મુજબ એક જ વર્ષમાં આટલું ઉત્પાદન કરનાર તે દેશની એકમાત્ર ઓટોમોબાઈલ કંપની બની છે.
કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે સુઝુકી મોટર કોર્પોરેશનની વૈશ્વિક ફેસિલિટીઓમાં પણ ભારતીય યુનિટે આ ઐતિહાસિક ઉત્પાદન વોલ્યૂમ હાંસલ કર્યો છે, જે મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવે છે.
હાલમાં મારુતિ સુઝુકી પાસે ભારતમાં ચાર મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી છે, જેમાં હરિયાણાના ગુરુગ્રામ, માનેસર અને ખારખોડા તેમજ ગુજરાતના હાંસલપુર પ્લાન્ટનો સમાવેશ થાય છે. આ તમામ પ્લાન્ટની કુલ વાર્ષિક ઉત્પાદન ક્ષમતા આશરે 24 લાખ યુનિટ છે.
કંપનીએ વિસ્તરણ યોજનાના ભાગરૂપે માર્ચ 2026માં ગુજરાતના સાણંદ નજીક ખોરજ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પોતાની પાંચમી ફેસિલિટી માટે જમીન નિશ્ચિત કરી છે. આ નવી ફેસિલિટી કાર્યરત બન્યા બાદ તેની ઉત્પાદન ક્ષમતા 10 લાખ યુનિટ સુધી પહોંચશે.
હાલમાં કંપની કુલ 17 મોડલ અને આશરે 650 વેરાયન્ટ્સનું ઉત્પાદન કરે છે. કંપનીના જણાવ્યા મુજબ, છેલ્લા ચાર દાયકાથી વધુ સમયથી દેશમાં મજબૂત ઓટોમોબાઈલ ઈકોસિસ્ટમ ઊભી કરવામાં આવી છે, જેના પરિણામે આ પ્રકારની વિક્રમી સિદ્ધિ શક્ય બની છે.
સાથે જ, જીએસટીમાં થયેલા તાજેતરના સુધારાઓને કારણે ઓટો સેક્ટરને પણ નોંધપાત્ર પ્રોત્સાહન મળ્યું છે.

