New Delhi તા.20
વજન ઘટાડવામાં અને ડાયાબીટીસની સારવારમાં કારગત સેમાગ્લુટાઈડ પર પેટન્ટ આજે 20 માર્ચે ખતમ થઈ રહી છે. જેના કારણે હવે તેના જેનેરિક વર્ઝન બજારમાં આવવાથી તેની કિંમત 50થી60 ટકા સુધી ઘટી શકે છે. જેના માટે 50થી વધુ ભારતીય કંપનીઓ પોત-પોતાની બ્રાન્ડ લોન્ચ કરવાની તૈયારીમાં છે, કેટલીક કંપનીઓ તો એપ્રિલમાં જ જેનેરિક વર્ઝન લોન્ચ કરી શકે છે.
હાલ તેના પ્રારંભીક ડોઝની કિંમત લગભગ 11 હજાર રૂપિયા મહિનાની છે, તે ઘટીને ત્રણ થી પાંચ હજાર રૂપિયા સુધી આવી શકે છે. આગળ વધીને કિંમત દોઢથી બે હજાર પણ થઈ શકે છે તેનો મિડલ અને લોઅર કલાસના લોકો પણ ઉપયોગ કરી શકશે.
ગંગારામ હોસ્પિટલના લેપોસ્કોપિક હોસ્પિટલ અને ઓબેસિટી સર્જરી વિભાગના વાઈસ ચેરમેન ડો. તરુણ મિતલે જણાવ્યું છે કે દેશમાં સ્થુળતા ગંભીર સમસ્યા છે, આ દવાના સસ્તા થવાથી લોકો તેનો ઉપયોગ કરી શકશે.
આનાથી માત્ર વજન જ ઓછુ નથી થતું, બલકે વજનના કારણે થતી અનેક બીમારીઓથી રાહત મળશે. આ દવાથી 10થી15 કિલો સુધી વજન ઓછું થાય છે. પરંતુ આખી જિંદગી લેવી પડે છે.
પીએમ જનઔષધી યોજનાના પુર્વ સલાહકાર અને મેડિટ્રીના સીઈઓ નવીન જૈને જણાવ્યું હતું કે દવા કંપની નોવો નાર્ડિસ્ક પાસે સેમાગ્લુટાઈડના પેટન્ટ હતા, જે આજે ખતમ થયા છે. આ કંપની પ્રીમીયમ રેટ પર દવા વેચતી હતી. પેટન્ટ ખતમ થતા જ 50થી વધુ કંપની આ દવાની જેનેટિક બ્રાન્ડ બજારમાં ઉતારશે.
ડાયાબીટીસ એકસપર્ટ ડો. એ.કે.ઝિંગને જણાવ્યું હતું કે કિંમત ઘટવાથી તેનો ઉપયોગ વધી શકે છે. ખાસ કરીને ડોકટરની સલાહ વિના દવાનો ઉપયોગ ખતરો છે એથી સ્વાસ્થ્ય જોખમ, સાઈડ ઈફેકટ વધી શકે છે. આ દવા કેવળ ડોકટરની ચિઠ્ઠી પરથી જ મળવી જોઈએ.

