Narmada , તા.24
નર્મદા જિલ્લામાં ચોમાસાની શરૂઆતમાં જ એક અનોખો અને ચોંકાવનારો વરસાદી માહોલ જોવા મળ્યો છે. જિલ્લાના સાગબારા અને સેલંબા પંથકમાં મધ્યરાત્રિથી શરૂ થયેલા ધોધમાર વરસાદે કલાકના ગણતરીના સમયમાં જ સમગ્ર વિસ્તારને જળબંબોળ કરી દીધો છે.
ચોમાસાના આ પ્રથમ ભારે વરસાદમાં જ સાગબારા અને સેલંબાના ચારેકોર પાણી જ પાણી થઈ ગયું છે અને નીચાણવાળા વિસ્તારો પૂરની ઝપેટમાં આવી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ગઈકાલથી અત્યાર સુધી નર્મદાના સાગબારામાં સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
રાત્રિના સમયે ખાબકેલા આ અણધાર્યા આક્રમક વરસાદને કારણે સ્થાનિક નદી-નાળાઓમાં ઘોડાપૂર આવ્યા છે. નદીઓ ઓવરફ્લો થવાના કારણે પૂરના પાણી રસ્તાઓ પર ફરી વળ્યા છે, જેને પગલે વહીવટી તંત્ર અને સ્થાનિક લોકો દોડતા થઈ ગયા છે.
આ પૂરની સ્થિતિની સૌથી ગંભીર અસર વાહનવ્યવહાર પર પડી છે, જેમાં સેલંબાથી નવાપાડા થઈને મહારાષ્ટ્ર તરફ જતો મુખ્ય રસ્તો પાણી ભરાઈ જવાના કારણે સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. આંતરરાજ્ય કનેક્ટિવિટી ધરાવતો આ માર્ગ બંધ થતાં હાઈવેની બંને બાજુએ વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ છે.
નર્મદા જિલ્લામાં કુદરતનો એક અદભુત કરિશ્મા પણ જોવા મળ્યો છે. એક તરફ જ્યાં સાગબારા તાલુકામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, ત્યાં બીજી તરફ જિલ્લાના બાકીના 4 તાલુકાઓ-નાંદોદ, તિલકવાડા, ગડેશ્વર, ડેડીયાપાડામાં વરસાદનું એક છાંટું પણ પડ્યું નથી! આ પાંચેય તાલુકાઓ અત્યારે બિલકુલ કોરાધાકોર છે.
રાજ્યમાં નોંધાયેલા તાજેતરના વરસાદી આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે, જેમાં ખાસ કરીને વલસાડ જિલ્લો મોખરે રહ્યો છે. વલસાડના ઉમરગામ તાલુકામાં સૌથી વધુ 4.33 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે કપરાડામાં 1.46 ઇંચ અને વાપીમાં 1.42 ઇંચ વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત, ડાંગ જિલ્લાના આહવા-ડાંગમાં 3.07 ઇંચ અને તાપીના ઉકાઈમાં 1.1 ઇંચ જેટલો નોંધપાત્ર વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લાઓ જેવા કે સુરત (માંડવી, અરેઠ, માંગરોળ, ઉમરપાડા) અને નવસારી (ચીખલી, ગણદેવી, નવસારી, જલાલપોર) ના વિવિધ તાલુકાઓમાં પણ હળવાથી મધ્યમ ઝાપટાં સ્વરૂપે સતત વરસાદી માહોલ જળવાઈ રહ્યો છે.

