પૈસા મેળવ્યા બાદ એરીસ ઓવરસીઝના સંચાલકોએ લાંબો સમય સુધી વિઝા પ્રક્રિયા લટકાવી રાખી હતી
Mehsana, તા.૧૮
વિસનગર અને ઊંઝા તાલુકાના વિદેશ જવા ઇચ્છુક યુવાનોને વર્ક પરમિટ અને પી.આર. વિઝા અપાવવાના બહાને રૂ.૯,૯૫,૦૦૦ની ઠગાઈ આચરવાના કિસ્સામાં વિસનગર શહેર પોલીસ સ્ટેશનમાં મુંબઈની એક જાણીતી એજન્સીના બે સંચાલકો સામે ગુનો નોંધાયો છે.વિસનગરના આકાશચંદ્ર બાબુલાલ પટેલ અને ભરતસિંહ ઉદાજી રાજપૂત શહેરના મેટ્રો મોલમાં કોસ્મોસ ઓવરસીઝ નામની વિઝા કન્સલ્ટિંગ પેઢી ચલાવે છે.
વર્ષ ૨૦૨૪માં મુંબઈના મલાડ વેસ્ટમાં આવેલી ‘એરીસ ઓવરસીઝ’ કંપનીના પ્રતિનિધિઓ દેવ ગોહિલ અને અયાનખાને વિસનગર આ ઓફિસે આવી પોતાની કંપનીનો વિઝા સક્સેસ રેશિયો ૧૦૦% હોવાનો દાવો કરી આકર્ષક કેટલોગ દર્શાવ્યા હતા. તેમની વાતોમાં આવી ગયેલા આકાશચંદ્ર અને ભરતસિંહે મુંબઈમાં તેમની ઓફિસની મુલાકાત લીધા બાદ પોતાના ચાર ગ્રાહકો ઊંઝા તાલુકાના કહોડાના હિતેશકુમાર રાજપૂત, હાર્દિકકુમાર રાજપૂત અને દિલીપસિંહ રાજપૂત તેમજ વિસનગર કાંસા એનએના હાર્દિક પટેલના લક્ઝમબર્ગ અને કેનેડાના વર્ક વિઝાની પ્રક્રિયા માટે ફાઈલો સોંપી હતી.
જેની કાર્યવાહી પેટે અલગ-અલગ તારીખે ઇ્ય્જી અને દ્ગઈહ્લ્ના માધ્યમથી કુલ રૂ.૯,૯૫,૦૦૦ તેમને ચૂકવ્યા હતા. પૈસા મેળવ્યા બાદ એરીસ ઓવરસીઝના સંચાલકોએ લાંબો સમય સુધી વિઝા પ્રક્રિયા લટકાવી રાખી હતી. આકાશચંદ્રએ દબાણ કરતાં છેલ્લી ઘડીએ લક્ઝમબર્ગના બદલે ઓસ્ટ્રિયાના ઓફર લેટરની ઝેરોક્ષ નકલો આપવામાં આવી હતી. જો કે, ઓસ્ટ્રિયન એમ્બેસી દ્વારા આ દસ્તાવેજો નકલી હોવાનું જણાવી વિઝા રિજેક્ટ કરવામાં આવતાં તેમને ચૂકવેલી રકમ પરત માંગી હતી. ત્રણ મહિનામાં નાણાં ચૂકવી દેવાની ખાતરી આપ્યા બાદ આજદિન સુધી રકમ પરત ન કરી છેતરપિંડી આચરી હતી. આખરે કંટાળીને આકાશચંદ્રએ એરીસ ઓવરસીઝ કંપનીના ઓનર જીગર મનોહર મોરે અને સંચાલક ડીમ્પલ દક્ષિણી (બંને રહે. મુંબઈ, મહારાષ્ટ્ર) સામે વિસનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

