New Delhi,તા.10
કેન્દ્રમાં ભાજપની નરેન્દ્ર મોદી સરકારને ૧૧ વર્ષ પૂર્ણ થઇ ગયા છે. જેને પગલે ભાજપ અધ્યક્ષ જે. પી. નડ્ડાએ કેન્દ્ર સરકારની સિદ્ધીઓને વર્ણવી હતી. દિલ્હીમાં પક્ષના હેડ ક્વાર્ટર પર આયોજિત પ્રેસ કોન્ફરંસમાં નડ્ડાએ મોદી સરકારની ૧૧ વર્ષની સિદ્ધીઓ ગણાવી હતી. સાથે તેના વખાણ પણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની રાજકીય સંસ્કૃતિને બદલીને એક નવા યુગની શરૂઆત કરી છે. નડ્ડાએ કહ્યું હતું કે મોદી સરકારે માત્ર ગરીબી હટાવોનો નારો નથી આપ્યો તેને ખરેખર હટાવીને દેખાડયું છે.
નડ્ડાએ કહ્યું હતું કે આ નવા રાજકીય યુગમાં તૃષ્ટિકરણનું સ્થાન જવાબદારી, પારદર્શિતા અને વિકાસે લીધુ છે. વર્તમાન સરકાર મજબૂત નિર્ણયો લેનારી અને આર્થિક અનુશાસન લાવનારી સરકાર છે. ૧૧ વર્ષ પહેલા દેશ તૃષ્ટિકરણનું રાજકારણ જોઇ રહ્યું હતું, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વએ તેમાં ફેરફાર કર્યા અને રિપોર્ટ કાર્ડનું રાજકારણ શરૂ કર્યું. મોદી સરકારે ન્યૂ નોર્મલ અને ન્યૂ વ્યવસ્થા (ઓર્ડર) સ્થાપિત કર્યું છે. આ એક એવી સરકાર છે કે જે ભવિષ્યને જોઇને ચાલે છે. અગાઉની સરકારો ભ્રષ્ટાચારમાં ડુબેલી રહી અને તૃષ્ટિકરણમાં વિશ્વાસ રાખતી હતી.
ભાજપ અધ્યક્ષે દાવો કર્યો હતો કે આજે ભારતનો આમ નાગરિક માનવા લાગ્યો છે કે મોદી હૈ તો મુમકિન હૈ (મોદી છે તો શક્ય છે), સરકારની ત્રણ મુખ્ય સિદ્ધીઓ વિકાસ, આવિષ્કાર અને ઇનોવેશન પર ભાર મુકતા નડ્ડાએ કહ્યું હતું કે વર્તમાન સરકારની નીતિઓમાં પરફોર્મ, રિફોર્મ અને ટ્રાન્સફોર્મનો મંત્ર જોવા મળે છે. આ સરકારે સૌનો સાથ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસના સિદ્ધાંતને અપનાવ્યો છે. કેન્દ્ર સરકાર ઐતિહાસિક નિર્ણયો જેમ કે આર્ટિકલ ૩૭૦, ટ્રિપલ તલાકને યાદ કર્યા હતા, નડ્ડાએ કહ્યું હતું કે દેશ માની ચુક્યો હતો કે આર્ટિકલ ૩૭૦ હટાવવી શક્ય નથી પરંતુ મોદી સરકારે તે કરી બતાવ્યું, લોકસભામાં ટર્નઆઉટ ૫૮.૪૬ ટકા રહ્યું, જમ્મુ કાશ્મીર વિધાનસભામાં પણ ટર્નઆઉટ ૬૩ ટકા રહ્યું. આ બદલાવ મોદી સરકારના મજબૂત નિર્ણયોને કારણે જોવા મળ્યો છે.
નડ્ડાએ કેન્દ્રની મોદી સરકારની અન્ય સિદ્ધીઓનું વર્ણન કરતા કહ્યું હતું કે સીએએ, નોટબંધી, મહિલા અનામત, બજેટ સુરક્ષા જેવા નિર્ણય લીધા, ટૂંક સમયમાં ભારત વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઇ રહી છે, એફડીઆઇમાં પણ વૃદ્ધિ થઇ, ટેક્સ કલેક્શનમાં ૨૩૮ ટકાનો વધારો થયો. તમામ વિરોધી સંજોગો છતા ભારતની અર્થવ્યવસ્થા મજબૂત રહી અને આગળ વધતી રહી. અમે એસસી, એસટી, ઓબીસી સહિત સમાજના તમામ વર્ગોની ચિંતા કરી છે. અમે ગરીબી હટાવોનો નારો લઇને નથી ચાલતા પરંતુ અમે ગરીબી હટાવીને દેખાડયું છે, દેશમાં ૨૫ કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે. અત્યંત ગરીબીમાં પણ ૮૦ ટકાનો ઘટાડો થયો.