Morbi, તા.૧૮
મોરબીમાં રહેતા વેપારી યુવાનને ડરાવી ધમકાવી ૫.૪૬ લાખની રોકડ અને આઈફોન તેમજ બુલેટ અને આઈફોન સહીત કુલ રૂ ૮.૫૬ લાખની મત્તા પડાવી લીધી હોય જે બનાવ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ ચલાવી હતી અને ત્રણ આરોપીને ઝડપી લઈને વધુ તપાસ ચલાવી છે
મોરબીના દલવાડી સર્કલ પાસે રહેતા દેવકુમાર ચેતનભાઈ સોરીયાએ ગત તા. ૨૯ ઓક્ટોબરના રોજ સીટી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે આરોપી વિશાલ વેલાભાઇ રબારી રહે-શકત શનાળા ગામ વાળા સાથે કોઈપણ જાતની રૂપિયાની લેતી દેતી થયેલ ન હોય તેમ છતાં દેવકુમાર પાસેથી અલગ અલગ સમયે સમયે કટકે કટકે કુલ રૂપિયા ૫,૪૬,૦૦૦ તેમજ દેવકુમારનો આઈફોન ૧૫ પ્રો મોબાઈલ ફોન કીમત રૂ.૬૦,૦૦૦ વાળો તથા દેવકુમારનું કલાસિક ૩૫૦ બુલેટ કાળા તથા લાલ કલરનું રૂ.૨,૫૦,૦૦૦ બળજબરી પૂર્વક પડાવી લીધા હતા
તેમજ કારમાં બેસાડી વીરપર અને મીતાણા સહિતના સ્થળે લઇ જઈને માર મારી ધમકી આપી હતી જે બનાવ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ ચલાવી હતી જેમાં આરોપીઓ વિશાલ રબારી, સઈદ અકરમ કાદરી અને સિદ્ધરાજસિંહ જાડેજા રહે મોરબી વાળાને ઝડપી લીધા હતા જે આરોપીઓ પાસેથી રોકડ રૂ ૪.૮૬ લાખ, આઈફોન અને બુલેટ કબજે લઈને ત્રણેય આરોપીને જેલહવાલે કરવામાં આવ્યા છે
અગાઉ ઝઘડો થતા માર માર્યો હતો અને ડરતો હોવાનો લાભ ઉઠાવ્યો
ફરિયાદી દેવ સોરીયા અને આરોપી વિશાલ રબારી બંને મિત્ર હોવાથી પરિચિત હતા અગાઉ વિશાલ રબારીએ ઝઘડો કરી દેવને માર માર્યો હતો અને દેવ ડરી ગયો હતો જેથી ડરતો હોવાનો લાભ ઉઠાવી રોકડ અને બુલેટ તેમજ આઈફોન પડાવ્યા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે