London,તા.15
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી આગામી મેચ પહેલાં ક્રિકેટના મેદાનમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેણે સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા જગાવી છે. બર્મિંગહામ ખાતે યોજાયેલા ભારતીય ટીમના સત્તાવાર પ્રેક્ટિસ સેશન દરમિયાન હેડ કોચ ગૌતમ ગંભીર અને દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી એ એકબીજા સાથે વાત કરવાનું કે સંપર્ક કરવાનું સંપૂર્ણપણે ટાળ્યું હતું. નેટ્સમાં બંને વચ્ચે જોવા મળેલી આ દૂરી કેમેરામાં કેદ થતાં જ ક્રિકેટ જગતમાં નવો વિવાદ શરૂ થઈ ગયો છે.
બર્મિંગહામ ગ્રાઉન્ડ પરથી સામે આવેલા અહેવાલો અને વીડિયો અનુસાર, વિરાટ કોહલી જ્યારે નેટ્સમાં લાંબા સમય સુધી બેટિંગની પ્રેક્ટિસ કરી રહ્યો હતો, ત્યારે હેડ કોચ ગૌતમ ગંભીર ત્યાં જ હાજર હોવા છતાં બંને વચ્ચે કોઈ પણ પ્રકારની વાતચીત થઈ નહોતી. સામાન્ય રીતે હેડ કોચ બેટ્સમેનોને તેમની ટેકનિક અંગે સલાહ આપતા જોવા મળે છે, પરંતુ ગંભીર અન્ય ખેલાડીઓ પર ધ્યાન કેન્દ્રિત કરતો જોવા મળ્યો હતો. પ્રેક્ટિસ પૂરી કરીને વિરાટ જ્યારે નેટ્સની બહાર આવ્યો, ત્યારે પણ બંને એકબીજાને નજરઅંદાજ કરીને આગળ વધી ગયા હતા.
ગૌતમ ગંભીર અને વિરાટ કોહલી વચ્ચે IPLના દિવસોથી જ સંબંધોમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે. મેદાન પર બંને વચ્ચે થયેલી ઉગ્ર દલીલો ફેન્સ હજુ સુધી ભૂલ્યા નથી. જોકે, ગંભીર જ્યારે ટીમ ઇન્ડિયાનો હેડ કોચ બન્યો ત્યારે એવું માનવામાં આવતું હતું કે બંનેએ જૂના મતભેદો ભૂલીને નવી શરૂઆત કરી દીધી છે. પરંતુ ઇંગ્લેન્ડ પ્રવાસ જેવા મહત્ત્વના સ્ટેજ પર બર્મિંગહામ સેટઅપમાં જોવા મળેલી આ ઘટના દર્શાવે છે કે કદાચ પડદા પાછળ બધું બરાબર નથી. સોશિયલ મીડિયા પર ફેન્સ આ બાબતને લઈને અલગ-અલગ તર્ક લગાવી રહ્યા છે અને તેને એક મોટો વિવાદ ગણાવી રહ્યા છે.
ઇંગ્લેન્ડ સામેની સીરિઝ ભારત માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં હેડ કોચ અને ટીમના સૌથી સીનિયર બેટ્સમેન વચ્ચેનો આવો કોલ્ડ-વોર મેદાન પર ટીમના પ્રદર્શનને અસર કરી શકે છે તેવી ચિંતા ક્રિકેટ વિવેચકો વ્યક્ત કરી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં મેનેજમેન્ટ અથવા આ બંને ખેલાડીઓ તરફથી આ અંગે કોઈ ખુલાસો કરવામાં આવે છે કે નહીં.

