આ આત્મા છેદી શકાતો નથી,બાળી શકાતો નથી,ભીંજવી શકાતો નથી અને તેને સુકવી પણ શકાતો નથી કેમકે આ આત્મા નિત્ય બધામાં પરીપૂર્ણ,અચળ,સ્થિર સ્વભાવવાળો સનાતન છે.શસ્ત્રો આત્માનું છેદન કરી શકતો નથી..આત્મા અદાહ્ય છે કારણ કે બળવા યોગ્ય નથી.આત્મા ભીંજવા યોગ્ય નથી એટલે કે તેનામાં ભીંજાવાની પાત્રતા જ નથી.આત્મા અશોષ્ય છે.વાયુથી એનું શોષણ થાય એવી વસ્તુ નથી.આત્મા નિત્યનિરંતર રહેવાવાળો છે.તે કોઇ કાળમાં ન હતો અને કોઇ કાળમાં નહી રહે-એવી વાત નથી.આત્મા સર્વકાળમાં જેમ છે તેમ જ રહે છે.તેનામાં આવવા-જવાની ક્રિયા નથી.તે સ્થિર સ્વભાવવાળો છે.તે અચળ અને સ્થાણું એટલે બાવળના ઠુંઠા જેવો સ્થિર અચલ છે.તે સનાતન,અનાદિ અને સદાયથી છે.સનાતન એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ શાશ્વત કે સમયહીન થાય છે.જે ત્રણે કાળમાં સત્ય છે તે સનાતન,તેનો ઉપયોગ ઘણીવાર હિન્દુ ધર્મમાં અમુક સિદ્ધાંતો,ફિલસૂફી અથવા આધ્યાત્મિક વિચારોના કાલાતીત અથવા શાશ્વત સ્વભાવનું વર્ણન કરવાના સંદર્ભમાં થાય છે.
આ પાંચ વિશેષણોનું તાત્પર્ય એ છે કે શરીર સંસારની સાથે તાદાત્મય હોવા છતાં પણ અને શરીર-શરીરીભાવનો ભિન્ન-ભિન્ન અનુભવ નહિ હોવા છતાં પણ આત્મા નિત્ય-નિરંતર એકરસ અને એકરૂપ રહે છે.આત્મા પોતે દેહગત નથી પરંતુ સર્વગત છે-આવો અનુભવ થવો એ જ જીવનમુક્તિ છે.જેમ શરીર સંસારમાં છે એમ આપણે શરીરમાં બેઠેલા નથી.શરીર સાથે આપણું એકત્વ ક્યારેય થયું જ નથી,છે જ નહી, થવાનું પણ નથી,થઇ શકતું જ નથી.શરીર આપણાથી બહુ દૂર છે પરંતુ કામના-મમતા અને તાદાત્મયના લીધે આપણને શરીર સાથે એકતા પ્રતિત થાય છે.વાસ્તવમાં શરીરી(આત્મા)ને શરીરની જરૂરત છે જ નહી,શરીર વિના પણ શરીરી મોજથી રહે છે.નાશવાન ૫દાર્થોની ઇચ્છા જ કામના છે.શરીર વગેરે પદાર્થોને પોતાના માનવા એ મમતા છે.હું શરીર છું એવું માનવું એ તાદાત્મય છે.
ભગવાન આગળ ગીતા(૨/૨૫)માં કહે છે કે
અવ્યક્તોઽયમચિન્ત્યોઽયમવિકાર્યોઽયમુચ્યતે
તસ્માદેવં વિદિત્વૈનં નાનુશોચિતુમર્હસિ
આત્મા પ્રત્યક્ષ દેખાતો નથી,ચિંતનનો વિષય નથી અને વિકારરહિત કહેવાય છે તેથી આ આત્માને આ પ્રમાણે જાણીને પણ તૂં શોક કરવાને યોગ્ય નથી.જો આ આત્માને તૂં સદા જન્મ લેનાર તથા સદા મૃત્યુ પામનાર માનતો હોય તો પણ તારે આવી રીતે શોક કરવો ના જોઇએ.
જેવી રીતે શરીર-સંસાર સ્થૂળરૂપે દેખવામાં આવે છે તેવી રીતે આત્મા સ્થૂળરૂપે દેખવામાં આવવા વાળો નથી કેમકે એ સ્થૂળ દ્રષ્ટિથી રહિત છે.મન-બુદ્ધિ વગેરે ચિંતનનો વિષય છે પરંતુ આત્મા ચિંતનનો વિષય નથી.આત્મા વિકાર રહિત છે.પ્રકૃતિમાં વિકૃત્તિ થાય છે પરંતુ આત્મામાં કોઇપણ જાતની વિકૃતિ થતી નથી.જો આત્માને નિર્વિકાર નહી માનીને વિકારી માની લેવામાં આવે કે જે સિદ્ધાંતની વિરૂદ્ધ છે તો પણ શોક થઇ શકતો નથી આ વાત સમજાવતાં ભગવાન(૨/૨૬) કહે છે કે..
અથ ચૈનં નિત્યજાતં નિત્યં વા મન્યસે મૃતમ્
તથાપિ ત્વં મહાબાહો નૈવં શોચિતુમર્હસિ..
આ આત્માને તૂં સદા જન્મ લેનાર તથા મૃત્યુ પામનાર માનતો હોય તો પણ તારે આવી રીતે શોક ના કરવો જોઇએ.સિદ્ધાંત અને સાચી વાત એ છે કે આત્મા કોઇપણ કાળમાં જન્મવા-મરવાવાળો નથી તો પણ જો તૂં સિદ્ધાંતથી વિરૂદ્ધ વાત માની લે કે આત્મા જન્મવા-મરવાવાળો છે તો પણ શોક ના થવો જોઇએ કારણ કે જે જન્મશે તે મરશે અને જે મરશે તે જન્મશે-આ નિયમને કોઇ ટાળી શકવાનું નથી.
જો બીજને પૃથ્વીમાં વાવી દેવામાં આવે તો તે ઉગીને અંકુર આપી દે છે અને તે જ અંકુર ક્રમશઃ વધીને વૃક્ષરૂપ થઇ જાય છે.આમાં સુક્ષ્મ દ્રષ્ટિએ જોવામાં આવે કે શું તે બીજ એક ક્ષણ પણ એકરૂપ રહ્યું? પૃથ્વીમાં તે પ્રથમ પોતાનું કઠન રૂપ ત્યજીને કોમળરૂપ બની ગયું પછી કોમળરૂપ વૃક્ષરૂપ બની ગયું અને અંતે આયુષ્ય સમાપ્ત થતાં તે સુકાઇ ગયું.એણે પહેલાંના રૂપને છોડ્યું તે એનું મરવું થયું અને બીજા રૂપને ધારણ કર્યું-આ તેનો જન્મ થયો.બીજની જેમ જ આ શરીર છે.છે.બહુ જ સુક્ષ્મરૂપથી વિર્યનું જંતુ રજની સાથે ભળ્યું.તે વધતું વધતું બાળકના રૂપમાં બની ગયું અને પછી જન્મ્યું,જન્મ પછી તે વૃદ્ધિ પામ્યું પછી ઘટ્યું અને અંતે મરણ પામ્યું.આ રીતે શરીર એક ક્ષણ પણ એકરૂપે ના રહેતાં બદલાતું રહ્યું એટલે કે પ્રતિક્ષણે જન્મતું-મરતું રહ્યું.ભગવાન કહે છે કે જો તૂં શરીરની જેમ આત્માને પણ નિત્ય જન્મવા-મરવાવાળો માની લે તો પણ આ શોકનો વિષય નથી બનતો.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)