પર્વાધિરાજ પર્યુષણ પર્વનો આજે છઠ્ઠો દિવસ છે. ઠેર ઠેર તપ તથા ધર્મ આરાધના ધર્મ સ્થાનકોમાં ચાલી રહી છે. એકાસણું, બિયાસણુ, અઠ્ઠમ, અઠ્ઠાઇ, નવાઇ, સોળ ભથ્થુ, માસક્ષમણ સહિતની તપશ્ચર્યાઓ થઇ રહી છે. જિનાલયોમાં ભવ્યાતિભવ્ય પરમાત્માની આંગી થઇ રહી છે તેમજ રાત્રે ભક્તિ ભાવનાના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.
સમસ્ત જૈન સમાજ ધર્મભકિતમાં ઓળધોળ બન્યો છે. પર્યુષણ પર્વ અંતિમ ચરણમાં પ્રવેશી ચુકયુ છે. ગઇકાલે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનું કલ્પસૂત્રના વ્યાખ્યાન દરમ્યાન વીર પ્રભુનું જન્મ વાચન તથા ચૌદ સ્વપ્નાની ઉછામણી કરાઇ હતી. લાખો મણ ઘી બોલાયું હતું અનેક સંઘોમાં સ્વામિવાત્સલ્ય સંઘ જમણના આયોજનો થયા હતા.
અનેક જગ્યાએ વરસાદ હોવા છતાં વીર પ્રભુના જન્મવાચન તથા ચૌદ સ્વપ્નાની ઉછામણીમાં ભાવિકોનો ઉત્સાહ અનન્ય જોવા મળ્યો હતો. રાજકોટમાં ગઇકાલે વીર પ્રભુના જન્મવાચન દિવસે જાગનાથ દેરાસર (મહાવીર સ્વામી જિનાલય), પ્લોટ જિનાલય (મુળ નાયકરૂપે વીર પ્રભુ બિરાજે છે) તથા ત્રીજી તસ્વીર વિમલનાથ જિનાલયમાં પરમાત્માની ભવ્યાતિત આંગી રચવામાં આવી હતી.
જાગનાથ જિનાલયમાં શ્રી મહાવીર સ્વામીની હીરા મોતી માણેકની અલૌકિક આંગી રચવામાં આવી હતી જેના દર્શનાર્થે ભકતોની ભીડ જોવા મળી હતી. પ્લોટ દેરાસરે ભવ્યતિત આંગી રચાઇ હતી.
પાંચમી તસ્વીરમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની પંચધાતુની પ્રતિમા (વિમલનાથ જિનાલય)ને ભવ્ય આંગી રચાઇ તે જોવા મળે છે, છઠ્ઠી અને સાતમી તસ્વીર જાગનાથ જિનાલયમાં ભવ્ય સુશોભન કરવામાં આવેલ તે નજરે પડે છે.