New Delhi,તા.06
સેબી એ કંપનીઓને ફરીથી સ્ટોક એક્સચેન્જ દ્વારા ઓપન માર્કેટમાંથી પોતાના શેરની પરત ખરીદી એટલે કે ’બાયબેક’ કરવાની મંજૂરી આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. ટેક્સના નિયમોમાં ફેરફાર બાદ આ જૂની સિસ્ટમ ફરી શરૂ કરવામાં આવશે. ટેક્સની જટિલતાઓને કારણે તેને 1 એપ્રિલ 2025 થી બંધ કરી દેવામાં આવી હતી.
1 એપ્રિલ 2026 થી બાયબેક દ્વારા થતી આવક પર કંપનીઓને બદલે રોકાણકારોએ ’કેપિટલ ગેઈન્સ’ તરીકે ટેક્સ ચૂકવવો પડશે. આનાથી ટેક્સની સમાન વ્યવહાર સુનિશ્ચિત થશે.
એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળા માટે PPF, NSC પર એ જ વ્યાજ
સરકારે એપ્રિલ થી જૂન 2026 ના ત્રિમાસિક ગાળા માટે નાની બચત યોજનાઓ (સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સ) ના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. એટલે કે PPF, સુક્ધયા સમૃદ્ધિ યોજના અને NSC જેવી યોજનાઓ પર તે જ રિટર્ન મળશે, જે જાન્યુઆરી-માર્ચના ત્રિમાસિક ગાળામાં હતું. PPF પર 7.1 ટકા, સુક્ધયા યોજના પર 8.2 ટકા અને NSC પર 7.7 ટકા વ્યાજ ચાલુ રહેશે. આ ઉપરાંત કિસાન વિકાસ પત્ર પર 7.5 ટકા અને મંથલી ઇનકમ સ્કીમ પર 7.4 ટકા વ્યાજ મળશે.
બેંક એકાઉન્ટ પણ પોર્ટેબલ : આરબીઆઈ લાવી રહ્યું છે નવી સિસ્ટમ
આરબીઆઈ ’પેમેન્ટ્સ વિઝન 2028’ હેઠળ બેંકિંગમાં મોટો ફેરફાર કરવા જઈ રહ્યું છે. હવે મોબાઈલ સિમની જેમ બેંક એકાઉન્ટ પણ એક બેંકમાંથી બીજી બેંકમાં સરળતાથી પોર્ટ કરી શકાશે. આરબીઆઈ ’પેમેન્ટ્સ સ્વિચિંગ સર્વિસ’ નામનું કેન્દ્રીય પ્લેટફોર્મ વિકસાવી રહ્યું છે.
જ્યાં તમામ ઓટો-પેમેન્ટ, ઈએમઆઈ અને બિલની વિગતો એક જ જગ્યાએ મળશે અને નવી બેંકમાં આપમેળે શિફ્ટ થઈ જશે. સાથે જ, વિદેશમાં પૈસા મોકલવાનું પણ ઝડપી અને સસ્તું બનાવવાની તૈયારી છે, જેનાથી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ વધુ મજબૂત બનશે.

