જીવના કલ્યાણનું સાધન છે:ત૫..અને તેનું મૂળ છે:શમ (મનોનિગ્રહ) તથા દમ(ઇન્દ્રિય સંયમ). મનુષ્ય મનવાંછિત જે જે પદાર્થોને મેળવવા ઇચ્છે છે તે તમામને તે ત૫ દ્રારા પ્રાપ્ત કરી લે છે. તપનો અર્થ છે:ઇન્દ્રિયોનો નિગ્રહ. ચિત તથા ઇન્દ્રિયોને જગત તરફથી ખેંચીને ૫રમાત્માની તરફ લગાવવાનું નામ તપ છે.
ભૂખ-તરસ,શરદી-ગરમી,વરસાદ વગેરે સહન કરવાં એ પણ તપ છે. જીવનનિર્વાહ કરતાં સ્થળ કાળ પરિસ્થિતિ વગેરેને લઇને જે કષ્ટ આપત્તિ વિઘ્નો આવે તેમને પ્રસન્નતાપુર્વક સહન કરવાં એ જ તપ છે. પ્રારબ્ધવશ પરિસ્થિતિરૂપે જે કંઇ આવી જાય તેનું સ્વાગત કરવું, જવાવાળાને રોકવું નહી અને જે જેવી રીતે પ્રાપ્ત થાય તેને તેવી જ રીતે આવકારવું આ જ ઉત્તમ તપ છે.
બુધ્ધિના દ્રારા મનને સંયમિત કરી તમામ પ્રાણીઓમાં સ્થિત ૫રમાત્મામાં લગાવવું. મિથ્યા ૫દાર્થોનું ચિંતન ન કરવું. મન અને ઇન્દ્રિયોની એકાગ્રતા જ સૌથી મોટી ત૫સ્યા છે.મન સહિત ઇન્દ્રિયોને રોકવી એ જ યોગ છે.આ જ તપસ્યાનું મૂળ છે અને ઇન્દ્રિયોને પોતાના આધિન ન રાખવી એ જ નરકમાં જવાનો રસ્તો છે. જેની વાણી અને મન સુરક્ષિત બનીને હંમેશાં તમામ પ્રકારથી પરમાત્મામાં લાગેલું રહે છે તે વેદાધ્યાન, તપ અને ત્યાગ- આ તમામ ફળને પામે છે.
શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે કેઃ આ ગુહ્યત્તમ જ્ઞાન એવા વ્યક્તિને ના કહેવું કે જે તપસ્વી ના હોય, ભક્ત ના હોય, જે સાંભળવા ઇચ્છતો ના હોય અને જે મારામાં દોષદ્દષ્ટિ કરે છે. (ગીતાઃ૧૮/૬૭)
પોતાના કર્તવ્યનું પાલન કરતાં સ્વાભાવિક જે કષ્ટ આવી જાય તેને પ્રસન્નતાપૂર્વક સહન કરવાનું નામ તપ છે. તપના વિના અંતઃકરણમાં ૫વિત્રતા આવતી નથી અને ૫વિત્રતા આવ્યા વિના સારી વાતો ગ્રહણ થતી નથી.
જેનામાં સત્ય દાન ક્ષમા સુશીલતા ક્રૂરતાનો અભાવ તપસ્યા અને દયા..આ સદગુણો જોવા મળે તે જ બ્રાહ્મણ (બ્રહ્મજ્ઞાની સંત) છે. આવો સ્મૃતિઓનો સિદ્ધાંત છે અને જાણવા યોગ્ય તત્વ એક ૫રબ્રહ્મ ૫રમાત્મા જ છે કે જે સુખ-દુઃખથી ૫ર છે અને જ્યાં ૫હોંચીને, જેને જાણીને મનુષ્ય શોકથી ૫ર થઇ જાય છે.તપનો ઉદ્દેશ્ય અનેક પ્રકારના સાધનોના દ્વારા શરીરને તપ્ત કરવાનો નહી પરંતુ મનને તપ્ત કરવાનો છે.સાચું ત૫ મનમાં જામેલા કામનાના કચરાને બાળીને રાખ કરે છે.
સંતોના તપ અને ત્યાગના પ્રભાવથી આસપાસનું વાતાવરણ વર્ષો સુધી પવિત્ર રહે છે.લખચૌરાશી યોનિમાં ભ્રમણ બાદ મનુષ્ય જન્મ મળ્યા પછી જે ભગવાનનું ભજન કરતો નથી તે યમ-યાતનામાંથી બચી શકવાનો નથી.પ્રભુને જાણ્યા વિના જપ કરવાથી ત્રિવિધ તાપોથી છુટકારો થતો નથી, જન્મ-મરણના ફેરા ટળતા નથી.જપ તપ તિરથ સમાધિ અને ધારણા..આ દેહ છે ત્યાંસુધી પણ.. દેહમાંથી હંસલો હાલ્યો જશે તો ક્યાં જઇને ઠરશો? હું કોન છું? ક્યાંથી આવ્યો છું? શરીર છોડીને મારે ક્યાં જવાનું છે? તેનું જ્ઞાન સદગુરૂ આપે છે. પરમાત્માને જાણ્યા પછી જ ભક્તિની શરૂઆત થાય છે.
જે પ્રભુના બનાવેલ માનવોની સાથે પ્રેમ કરે છે તે જ સાચા અર્થમાં પ્રભુની સાથે પ્રેમ કરે છે. ભક્તજનો તપ અને ત્યાગની ભાવનાથી, વિનમ્રતા અને નિર્મલતાના ભાવમાં રહી પ્રેમને જ મહત્તા આપે છે.
આ શરીર એક મુઠી ભસ્મ છે માટે તેને શણગારવાનું છોડી દો, તેને લાડ કરવાનું છોડી દો, શરીરને સાદું રાખો. માનવ જીવન તપ કરવા માટે છે.તપ ના કરે તેનું પતન થાય છે.માનવ જીવનનું લક્ષ્ય ભોગ નથી પણ ઈશ્વરભજન છે.જીવન દરેકમાં સદભાવ-સમભાવ સિદ્ધ કરવા માટે છે અને જયારે સમભાવ સિદ્ધ થાય ત્યારે દરેક જડ-ચેતનમાં ઈશ્વરની ભાવના જાગે છે.
તપના અનેક પ્રકાર છે પરંતુ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે તપની (મનના તપની) સુંદર વ્યાખ્યા આપી છે. આ તપ કરવામાં જરાય શરીરનું કષ્ટ નથી.ગીતામાં અધ્યાયઃ૧૭/૧૬માં ભગવાન કૃષ્ણ કહે છે કે ભાવ સંશુદ્ધિ એ મોટું તપ છે. ભાવશુદ્ધિ અંતઃકરણની પવિત્રતા મુખ્ય છે.સર્વમાં સદભાવ (ઈશ્વરભાવ) રાખવો એ મહાન તપ છે.સર્વને મનથી વંદન કરવાં તેથી મન શાંત રહેશે.
નારિયેરમાં કાચલી અને કોપરૂં જુદાં છે છતાં જ્યાં સુધી નારિયેરમાં પાણી છે ત્યાં સુધી કાચલી કોપરાને છોડતી નથી.શરીર એ કાચલી છે, શરીરમાં રહેલ જીવાત્મા એ કોપરા જેવો છે અને પાણી એ વિષયરસ છે.જ્યાં સુધી વિષયરસ છે,આસક્તિ છે ત્યાં સુધી આત્મા શરીરથી છુટો પડતો નથી. છુટો પડવો કઠણ છે. જેનો વિષયરસ તપ-ભક્તિ અને જ્ઞાનની મદદથી સુકાઈ જાય તે જ આત્માને શરીરથી છુટો પાડી શકે છે.
ચારીત્ર્ય નિર્માણ માટે લાંબો સમય લાગે છે અને લાંબી તપસ્યા કરવી પડતી હોય છે એટલે વધુ પ્રસંશા તો સારા ચારીત્ર્યની જ કરવી જોઇએ.બીજાઓના સુંદર ચહેરાને જોઇને વધુ પ્રભાવિત ના થશો અને તેની પ્રસંશામાં ના ડૂબી જશો પરંતુ જેનું ચારીત્ર્ય ઉત્તમ હોય, સુંદર હોય એ જ વાસ્તવમાં તપસ્વી છે અને તેવા વ્યક્તિના ચારીત્ર્યની વધુ પ્રસંશા કરવી જોઇએ.આજે દુઃખ સાથે કહેવું પડે છે કે લોકો ધન મેળવવાની લાલસામાં ચારીત્ર્યને ભૂલી રહ્યા છે અને એ સત્યનો સ્વીકાર કરી શકતા નથી કે ચારીત્ર્યના અભાવમાં ધન એક ભયાનક અભિશાપ બની જાય છે.
બે ભક્તો તપ કરતા હતા.બંન્નેને ભગવાનનો સાક્ષાત્કાર કરવો હતો. નારદજીએ વિચાર કર્યો કે લાવને તેમની પરીક્ષા કરૂં.નારદજી પહેલા ભક્ત પાસે ગયા અને પુછ્યું કે ભક્તરાજ ! તમે તપશ્ચર્યા શા માટે કરો છો? ત્યારે ભક્તરાજે કહ્યું કે ભગવાનનાં દર્શન કરવા માટે..અરે ! એમ ભગવાન રસ્તામાં ૫ડ્યા છે? એના માટે તો ખુબ તપશ્ચર્યા કરવી ૫ડે.ભક્તે કહ્યું કે કેટલા વર્ષ? આ ઝાડ ઉ૫ર જેટલાં પાંદડાં છે તેટલા વર્ષ તપ કરો તો ભગવાનનો સાક્ષાત્કાર થાય. તો તો પછી મારી તપશ્ચર્યાનો કોઇ અર્થ નથી એટલા વર્ષ તો હું જીવીશ ૫ણ નહી એમ કહી પેલો ભગત ઉઠીને ચાલતો થયો.નારદજી બીજા ભક્ત પાસે ગયા અને ત્યાં ૫ણ તેવી જ રીતની વાત કરી ત્યારે બીજા ભગતે કહ્યું કે વાંધો નહી..એટલા વર્ષો પછી તો ભગવાન મળશેને? એમ કહી તપ કરવા બેસી ગયો.આટલી ધીરજ અને નિષ્ઠા હોવી જોઇએ.
વિનોદભાઇ માછી નિરંકારી
9726166075(મો)