જે લોકોની બુદ્ધિ વ્યાવસાયિક નથી,તેની ક્રિયા કેવી હોય છે અને તેની માનસિકતા કેવી હોય છે તે સમજાવતાં ભગવાન ગીતા(૨/૪૨-૪૪)માં કહે છે કે..
યામિમાં પુષ્પિતાં વાચં પ્રવદન્ત્યવિપશ્તિઃ
વેદવાદરતાઃ પાર્થ નાન્યદસ્તીતિ વાદિનઃ૪૨
કામાત્માનઃ સ્વર્ગપરા જન્મકર્મફલપ્રદામ્
ક્રિયાવિશેષબહુલાં ભોગૈશ્વર્યગતિં પ્રતિ ૪૩
હે પાર્થ ! જેઓ કામનાઓમાં તન્મય થયેલા છે,જેમની બુદ્ધિમાં એકમાત્ર સ્વર્ગ જ શ્રેષ્ઠ વસ્તુ છે,જેઓ કર્મફળનાં પ્રશંસક વેદવાક્યોમાં પ્રિતિ સેવે છે અને જેઓ ભોગો સિવાય બીજું કશું છે જ નહી અમે બોલનારા છે એવા અવિવેકી માણસો આ પ્રકારની જે પુષ્પિત એટલે કે માત્ર સાંભળવામાં જ મધુર અને મનોહર વાણી બોલ્યા કરે છે કે જે જન્મરૂપી કર્મફળ દેનારી છે તેમજ ભોગ તથા ઐશ્વર્યની પ્રાપ્તિ અર્થે વિવિધ જાતની ઘણી બધી ક્રિયાઓનું વર્ણન કરનારી છે,તે લોભામણી વાણી દ્વારા જેમનું ચિત્ત હરાયેલું છે એટલે કે ભોગો તરફ ખેંચાઇ ગયું છે અને જે ભોગ અને ઐશ્વર્યમાં અત્યંત આસક્ત છે એવા માણસોની પરમાત્મામાં નિશ્ચયાત્મિકા બુદ્ધિ હોતી નથી.
આ શ્ર્લોકનો વેદવારતા શબ્દ વિચારણીય છે.વેદ એટલે શાસ્ત્ર,તેનો વાદ એટલે ચર્ચા,વાદ-વિવાદમાં રત રહેનારા.આવા લોકો પંડીતો જેવા હોય છે.પુષ્પિતવાણી બોલનારા..તેનો ભાવ એવો છે કે કેટલાક છોડને પુષ્પ આવે છે પણ ફળ આવતાં નથી તેવી જ રીતે સાધનામાર્ગમાં ફુલ જેવી આકર્ષક વાણી બોલાય છે પરંતુ ફળ પ્રાપ્ત થતું નથી જેમકે કર્મકાંડીઓ લોકોને વારંવાર સમજાવે છે કે વિધિ કરાવો તો ધનપ્રાપ્તિ, પૂત્રપ્રાપ્તિ,વૃષ્ટિ,રાજપ્રાપ્તિ વગેરે થાય છે.લાલચું લોકો લલચાઇને તે તે કર્મકાંડ કરાવે છે પણ કશું પ્રાપ્ત થતું નથી.
પોતે પરમાત્માનો અંશ છે અને કામના સંસારના અંશના લીધે છે માટે પોતે અને કામના એ બંન્ને અલગ-અલગ છે પરંતુ કામનામાં રચ્યા-પચ્યા લોકોને પોતાના સ્વરૂપનું અલગ ભાન જ થતું નથી.સ્વર્ગમાં સારામાં સારા દિવ્ય ભોગો મળે છે માટે તેઓના લક્ષ્યમાં સ્વર્ગ જ સર્વશ્રેષ્ઠ હોય છે અને તેઓ તેની પ્રાપ્તિમાં જ લાગ્યા રહે છે.તેઓની દ્રષ્ટિમાં ભોગો સિવાય પરમાત્મા,તત્વજ્ઞાન,મુક્તિ,ભગવદપ્રેમ વગેરે કોઇ ચીજ છે જ નહી.જેઓનામાં સત-અસત,નિત્ય-અનિત્ય,અવિનાશી-વિનાશીનો વિવેક નથી તેવા અવિવેકી મનુષ્યો વેદોની જે વાણીમાં સંસાર અને ભોગોનું વર્ણન છે તે શોભાવાળી પુષ્પિત વાણીને કહ્યા કરે છે. પુષ્પિતવાણી જન્મરૂપી કર્મફળને આપનારી છે કેમકે તેમાં સાંસારીક ભોગોને જ મહત્વ આપવામાં આવ્યું છે. તે ભોગોનો રાગ જ આગળ જન્મ થવામાં કારણ છે.
પુષ્પિતવાણી એટલે કે દેખાવની શોભાયુક્ત વાણી ભોગ અને ઐશ્વર્યની પ્રાપ્તિના માટે જે સકામ અનુષ્ઠાનોમાં અનેક જાતની વિધિઓ હોય છે,અનેક જાતની ક્રિયાઓ કરવી પડે છે,અનેક જાતના પદાર્થોની જરૂર પડે છે તેમજ શરીર વગેરેમાં પરીશ્રમ પણ વધારે થાય છે.પુષ્પિતવાણી દ્વારા જેમનું ચિત્ત હરાઇ ગયું છે એટલે કે સ્વર્ગમાં ઘણું મોટું સુખ છે,દિવ્ય નંદનવન છે,અપ્સરાઓ છે,અમૃત છે-આવી વાણીથી જેમનું ચિત્ત તે ભોગો તરફ ખેંચાઇ ગયું છે.કામાત્મા એટલે કામસુખની ઇચ્છાવાળા.બધા સુખોમાં સૌથી વધુ લલચાવનારૂં-આકર્ષનારૂં સુખ કામ સુખ છે.તેમાં જ જેમનો આત્મા આસક્ત થઇ ગયેલો છે તેવા કામસુખનો વ્યાપક અર્થ ઇન્દ્રિયસુખોની ઇચ્છા રાખનારા કરી શકાય. શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ-આ પાંચ વિષયો,શરીરનો આરામ,માન અને નામની મોટાઇ દ્વારા સુખ લેવાનું નામ ભોગ છે.ભોગોના માટે પદાર્થ રૂપિયા-પૈસા મકાન વગેરેનો જે સંગ્રહ કરવામાં આવે છે એનું નામ ઐશ્વર્ય છે.જે ભોગ અને ઐશ્વર્યમાં લાગેલા રહે છે તેઓ આસુરી સંપત્તિવાળા હોય છે.મનુષ્યજન્મનું ધ્યેય છે,જેના માટે મનુષ્ય શરીર મળ્યું છે તે પરમાત્માને પ્રાપ્ત કરવા છે-એવી વ્યવસાયાત્મિકા બુદ્ધિ તે લોકોમાં હોતી નથી.સંસારમાં અનેક વિદ્યાઓ,કળાઓનો જે સંગ્રહ છે તેનાથી હું વિદ્વાન છું, હું જાણકાર છું-એવો જે અભિમાનજન્ય સુખનો ભોગ થાય છે તેમાં આસક્ત મનુષ્યોને પણ પરમાત્મા પ્રાપ્તિનો એક નિશ્ચય થતો નથી.પ્રભુએ વિવેકશક્તિ આપી છે જેનાથી સુખ-દુઃખથી ઉપર ઉઠી પોતાનો ઉદ્ધાર કરી લે અને બધાંની સેવા કરીને ભગવાનને પણ પોતાના વશમાં કરી લે..! એમાં જ મનુષ્યજન્મની સાર્થકતા છે.સાંસારીક પદાર્થો પરમાત્મા તરફ ચાલવામાં બાધા ઉભી કરતા નથી પરંતુ અંતઃકરણમાં ભોગોનું મહત્વ બાધા ઉત્પન્ન કરે છે.
કોઇ વાતને પૃષ્ટ કરવી હોય તો પહેલાં એના બંન્ને પક્ષો સામે રાખીને પછી એને પુષ્ટ કરવામાં આવે છે.અહી ભગવાન નિષ્કામભાવને પુષ્ઠ કરવા ઇચ્છે છે આથી સકામભાવવાળાઓનું વર્ણન કરીને હવે ગીતા (૨/૪૫)માં આધ્યાત્મિક તત્વ અને નિષ્કામ બનવાની પ્રેરણા આપતાં કહે છે.
ત્રૈગુણ્યવિષયા વેદા નિસ્રૈગુણ્યો ભવાર્જુન
નિર્દ્રન્દ્રો નિત્યસત્ત્વસ્થો નિર્યોગક્ષેમ આત્મવાન
વેદ ત્રણેય ગુણોના કાર્યનું જ વર્ણન કરનારા છે.તૂં ત્રણેય ગુણોથી રહિત થઇ જા,રાગ-દ્વેષ વગેરે દ્રન્દ્રોથી રહિત બની જા,નિરંતર નિત્ય વસ્તુ પરમાત્મામાં સ્થિત થઇ જા તેમજ યોગક્ષેમની ઇચ્છા પણ ના કર અને પરમાત્મ-પરાયણ થઇ જા.વેદોમાં ત્રણે ગુણોનું અને ત્રણે ગુણોના કાર્ય,સ્વર્ગ વગેરે ભોગભૂમિઓનું વર્ણન છે સાથે સાથે પરમાત્મા અને એમની પ્રાપ્તિના સાધનોનું વર્ણન છે.ભગવાન ત્રણે ગુણોના કાર્યરૂપ સંસારની ઇચ્છાનો ત્યાગ કરીને સંસારથી પર થવાની આજ્ઞા કરે છે.સંસારથી પર થવા માટે રાગ-દ્વેષ વગેરે દ્રન્દ્રોથી રહિત થવાની ખુબ જ જરૂરી છે કેમકે એ જ વાસ્તવમાં મનુષ્યના શત્રુઓ અને સંસારમાં ફસાવનારા છે.જો સંસારમાં કોઇપણ વસ્તુ-વ્યક્તિ વગેરેમાં રાગ હશે તો બીજી વસ્તુ-વ્યક્તિમાં દ્વેષ થઇ જશે-આ નિયમ છે.આમ થવાથી ભગવાનની ઉપેક્ષા થઇ જશે.
અપ્રાપ્ત વસ્તુની પ્રાપ્તિને યોગ અને પ્રાપ્ત વસ્તુની રક્ષાને ક્ષેમ કહે છે.દ્રન્દ્રોથી રહિત થવાનો ઉપાય એ છે કે જે નિત્ય-નિરંતર રહેવાવાળા સર્વત્ર પરીપૂર્ણ પરમાત્મા છે એમાં નિરંતર સ્થિત રહો.યોગક્ષેમની ઇચ્છા પણ ના રાખો કેમકે જેઓ ફક્ત ભગવાન પરાયણ બને છે તેમના યોગક્ષેમનું વહન ભગવાન કરે છે.ફક્ત પરમાત્માને પરાયણ થઇને પરમાત્મા પ્રાપ્તિનું જ લક્ષ્ય રાખો.
આ આખો શ્ર્લોક ભગવાનની આજ્ઞા છે.મારે કેવું બનવાનું છે તે ભગવાન કહે છે.પહેલા ત્રૈગુણ એટલે સત્વ-રજ અને તમસ.આ ગુણરહિત થા તેમ ભગવાન કહે છે.આ કંઈ પીઝા નથી કે તે છોડી દઈએ તો વાંધો નહિ.આ ગુણો ચામડી જેવા છે,હંમેશા સાથે જ રહેવાના તેથી તે છોડી શકાતા નથી તથા જે ગુણ જીવનમાં પ્રભાવી હશે તેવું મારૂં વ્યક્તિત્વ હશે.આપણને એમ થાય કે સાત્વિક જ બની જઈએ તો? એ તો શ્રેષ્ઠ કહેવાયને? પણ ફક્ત સાત્વિક બનશો તો ભૂખ લાગતી બંધ નહિ થાય,ઉંઘ પણ બંધ નહિ થાય.ભૂખ એ તામસી ગુણ છે જ્યારે ઉંઘ એ રાજસી ગુણ છે તેથી વિચાર-વાણી અને વર્તનથી સંપૂર્ણપણે સાત્વિક થઈ શકાય છે.ગીતા તે માટેનું સંપૂર્ણ શાસ્ત્ર સમજાવે છે.દ્વન્દ્વ એટલે સુખ-દુ:ખ,લાભ-હાનિ,યશ-અપયશથી ઉપર રહેવાની કળા.સુખમાં છલકાવાનું નહિ અને દુઃખમાં રડવાનું નહિ,લાભમાં છકી જવાનું નહિ અને હાનિમાં છટકવાનું નહિ,યશ વખતે ફુલાઈ જવાનું નહી અને અપયશ મળે તો નાસીપાસ થવાનું નહિ આ જ મારે બનવાનું છે.જીવનમાં સારા-માઠાં પ્રસંગો આવવાના જ પરંતુ તે માણવાના અથવા સહન કરવાના અને નિશ્ચિત ધ્યેય તરફ આગળ વધવું તે જ નિર્દ્વન્દ્વ સ્થિતિ છે.આવેલી પરિસ્થિતિ મારા વિકાસાર્થે છે તે સમજવું અને તેનો ભગવાનના થવાના મારા પ્રયત્નમાં ક્યાંય નડતર ન થાય તેવું સતત સમજવું તે જ મારો વિકાસ છે.
હંમેશા સાત્વિક આસ્થાવાન બન એમ ભગવાન કહે છે.આપણે પણ સાત્વિક આસ્થાવાન બની જઈએ છીએ પણ નિત્ય રહી શકતા નથી.નિત્ય એટલે સતત.મારી વૃત્તિ “નિત્ય” હોવી જોઈએ.આજે ફાવે તેવું છે તો આસ્થા રાખી અને આવતી કાલે ફાવે તેવું નથી તો આસ્થા નથી એવું ન ચાલે.સો ટકા સમર્પણ એટલે જ નિત્યસત્વસ્થ કહેવાય છે. સતત આસ્થા રાખી હશે તો જ જીવન ભગવાન ચલાવશે.જેનાં માટે જેટલા ઘસાઈએ તેટલા તે પણ ઘસાય જ.કંપની રહેવા ફ્લેટ આપે,સરસ ગાડી આપે,સારો ફોન આપે તેનો અર્થ એમ કે આપણી પાસેથી તે અપેક્ષા રાખે છે.એ વખતે ફક્ત મોજ-શોખ કરવાથી આબરૂ વધતી નથી પણ પરીણામલક્ષી કામ કરવાથી આબરૂ વધે છે.જે લોકો આ પરીણામલક્ષી કામ કરે છે તેમની સુખ-સગવડતા જોવાની કે તેની સંભાળ રાખવાની જવાબદારી જે તે કંપનીની છે.ફક્ત રોટલા પાછળ દોડનારને આ મળતું નથી પણ રાત-દિવસ એક કરીને કંપની માટે સમય ખર્ચનાર વ્યક્તિને આ બધુ મળે છે,કંપની ફરવા પણ મોકલશે.
ભગવાન કહે છે કે આત્મવિશ્વાસ રાખ.પોતાનાં પરનો વિશ્વાસ ક્યારેય ગુમાવવો જોઈએ નહિ. આત્મ વિશ્વાસમાં જબરદસ્ત તાકાત છે.આત્મવિશ્વાસ એટલે સ્વપ્રયત્ન અને ઈશશ્રદ્ધા.પ્રયત્નથી કદી થાકવાનું નહિ અને શ્રદ્ધા ક્યારેય ગુમાવવાની નહિ.આજ્ઞાથી ભરેલો શ્ર્લોક વાંચીને નક્કી કરીએ કે ભગવાને કહ્યું તેવા બનવાનો પ્રામાણિક પ્રયત્ન કરીશું.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)