New Delhi,તા.15
પીએમ મોદી 15થી 20 મે દરમિયાન પાંચ દેશોના પ્રવાસે જઈ રહ્યા છે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય વેપાર, રોકાણ અને ઊર્જા ક્ષેત્રે વૈશ્વિક ભાગીદારો સાથે સંબંધો મજબૂત કરવાનો છે. પીએમ મોદી આજથી યુનાઈટેડ આરબ એમિરેટ્સથી પોતાના પ્રવાસની શરૂઆત કરશે. અબુ ધાબી ખાતે તેઓ યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે મુલાકાત કરશે. ત્યારબાદ, 15થી 17 મે દરમિયાન તેઓ નેધરલેન્ડની મુલાકાતે જશે. ત્યાં તેઓ ડચ પ્રધાનમંત્રી રાબ જેટેન સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે અને કિંગ વિલેમ-એલેક્ઝાન્ડર તથા ક્વીન મેક્સિમા સાથે પણ મુલાકાત કરશે.
17 અને 18 મેના રોજ પીએમ મોદી સ્વીડનની મુલાકાતે જશે. અહીં તેઓ સ્વીડિશ પ્રધાનમંત્રી ઉલ્ફ ક્રિસ્ટરસન સાથે મુલાકાત કરશે. આ પ્રવાસ દરમિયાન તેઓ યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વાન ડેર લેયેન સાથે યુરોપિયન ઉદ્યોગો માટે આયોજિત રાઉન્ડ ટેબલ કોન્ફરન્સને પણ સંબોધિત કરી શકે છે. આ બેઠકમાં એઆઈ, ટેક્નોલોજી અને સપ્લાય ચેઈન જેવા વિષયો પર ખાસ ધ્યાન આપવામાં આવશે.

