New Delhi તા.23
વડાપ્રધાન મોદીએ ભારતીય રાજનીતિમાં એક ઐતિહાસિક રેકોર્ડ સ્થાપિત કર્યો છે. મુખ્યમંત્રી અને વડાપ્રધાન બન્ને પદને મેળવીને તે દેશમાં સૌથી લાંબો સમય સરકારમાં મુખ્ય રહેનાર નેતા બની ગયા છે.
વડાપ્રધાન મોદીએ સિકકીમના પુર્વ મુખ્યમંત્રી પવનકુમાર ચામલીંગના 8930 દિવસના રેકોર્ડને પાછળ રાખીને આ ગૌરવ હાંસલ કર્યું છે. પોતાની રાજનીતિક કેરિયરના 25 વર્ષમાં તેમણે 14 વર્ષથી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અને છેલ્લા 11 વર્ષમાં વડાપ્રધાન તરીકે કામ કર્યું છે. વડાપ્રધાન તરીકે તેમનો ત્રીજો કાર્યકાળ છે.
ગુજરાતમાં સૌથી લાંબા સમય સુધી સેવા કરનાર મુખ્યમંત્રી: મોદી સ્વતંત્રતા બાદ જન્મેલા ભારતના પ્રથમ વડાપ્રધાન છે.
તેમનો જન્મ 1950માં 17 સપ્ટેમ્બરે થયો હતો. મોદીએ 7 ઓકટોબર 2001માં ગુજરાતના સીએમ તરીકે પહેલીવાર શપથ લીધા હતા. 2002, 2007 અને 2012માં પણ તેઓ સીએમ તરીકે ચુંટાયા હતા. મોદી ગુજરાતના લાંબા સમય સુધી સીએમ રહેનાર નેતા બની ચૂકયા છે, જેમની પાસે મુખ્યમંત્રી તરીકે સૌથી વધુ અનુભવ છે.
મોદીએ શુભેચ્છા પાઠવતા ભાજપના નેતાઓ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે મોદીજી દાયકાઓની સેવાઓએ એક નવા યુગને જન્મ આપ્યો છે, પછી તે ગરીબોને તેમનો અધિકાર અપાવવાનો હોય કે વિકાસમાં નવા મુકામ હાંસલ કરવાનો હોય કે વૈશ્વિક મંચો પર દેશનું ગૌરવ વધારવાનું હોય, મોદી યુગે ભારતને બદલી નાખ્યું છે.
રક્ષામંત્રી રાજનાથસિંહે જણાવ્યું છે કે રાષ્ટ્ર અને જનતા પ્રત્યે નિષ્ઠા જ વડાપ્રધાન મોદીની ઓળખ છે. ગુજરાતના મુખ્યમંત્રીથી માંડીને વડાપ્રધાન સુધી મોદીનું જીવન નિરંતર સેવાની યાત્રા રહ્યું છે.
આ ઉપરાંત સ્વાસ્થ્ય મંત્રી જે.પી.નડ્ડા, રેલમંત્રી અશ્વિની વૈષ્ણવ, વાણિજય મંત્રી પીયુષ ગોયલે અને ભાજપ અધ્યક્ષ નીતિન નબીને વડાપ્રધાન મોદીને શુભકામના પાઠવી છે.

