યુક્રેનના પ્રમુખ શાંતિની દિશામાં આગળ વધવા માગતા જ નથી જ્યારે યુક્રેનની જનતા તે દરખાસ્તો આવકારે છે : રશિયાએ તો તે સ્વીકારી પણ લીધી છે
Washington,તા.09
પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે ખેદ સાથે જણાવ્યું હતું કે, રશિયા-યુક્રેન યુદ્ધ બંધ કરવા મેં રજુ કરેલી શાંતિ દરખાસ્તો યુક્રેન પ્રમુખ વોલોદીમીર ઝેલેન્સ્કી તે ઉપર હસ્તાક્ષર કરવા તૈયાર લાગતા નથી, હજી સુધી તેઓએ તે દરખાસ્તો વાંચી પણ નથી.
આ તબક્કે ઉલ્લેખનીય તે છે કે, રશિયાના પ્રમુખ પુતિને હજી જાહેરમાં નથી કહ્યું કે તેઓને તે દરખાસ્તો સ્વીકાર્ય છે પરંતુ તેઓએ તેનો અસ્વીકાર પણ કર્યો નથી તે નક્કર હકીકત છે.ટ્રમ્પે ઝેલેન્સ્કીને કેટલોક પ્રદેશ જેની ઉપર અત્યારે રશિયાનો કાબુ છે તે રશિયાને સોંપી દઈ યુદ્ધમાં શાંતિ સ્થાપવા અનુરોધ કર્યો હતો.
શનિવારે ફલોરિડામાં યુક્રેની પ્રતિનિધિ મંડળ સાથે અમેરિકાના અધિકારીઓ સાથે મંત્રણા કરી રહ્યા હતા, અને તેઓ શાંતિ દરખાસ્તો સ્વીકારવાની અણી પર હતા, ત્યારે જ ઝેલેન્સ્કીનો એક ફોન આવ્યો પરિણામે બાજી બગડી ગઈ.
બીજી તરફ ફલોરિડામાં અમેરિકા અને યુક્રેનના પ્રતિનિધિઓ વચ્ચે ત્રણ દિવસથી ચાલી રહેલી મંત્રણાઓ શનિવારે પૂરી થઈ હતી. તેમાં અમેરિકાની દરખાસ્તો સાથે યુક્રેનને ઉભા થયેલા મતભેદો ઘણા ઘટી તો ગયા છે, પરંતુ યુક્રેનના નેતા તે આગળ વધવા દેતા નથી. આમ કહેતા પ્રમુખ ટ્રમ્પે પત્રકારો સાથેની વાતચીતમાં ખુલ્લાં મને કહ્યું હતું કે, ઝેલેન્સ્કીના આ વલણથી મને ઘણી હતાશા થઈ છે. નક્કર વાસ્તવિકતા તો તે છે કે યુક્રેનની જનતા તો તે સ્વીકારવા તૈયાર છે, પરંતુ ઝેલેન્સ્કી તે સ્વીકારવા તૈયાર નથી. જ્યારે યુક્રેનની જનતાને તે શાંતિ દરખાસ્તો સ્વીકાર્ય છે. રશિયાએ તો તે સ્વીકારી જ લીધી છે.

