Surendranagar,તા.11
વઢવાણ પંથકમાં ભાદરવા માસમાં વરસાદ વરસ્યો હતો. જેમાં વઢવાણ તાલુકામાં ભારે પવન સાથે વધુ વરસાદ પડ્યો છે. આથી ખેતરોમાં ઊભા પાકને નુકસાન થયું છે. હજુ વરસાદ આવશે તો કપાસના છોડના ફૂલ ખરી પડશે તો ખેડૂતો ને મોઢે આવેલા કોળિયો છીનવાઈ જશે.
ઝાલાવાડમાં છેલ્લા 2 વર્ષથી નવરાત્રિ દરમિયાન વરસાદ પડ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આ વર્ષે પણ નવરાત્રી દરમિયાન વરસાદ પડશે તો ખેડૂતો માટે નુકસાન થશે. વઢવાણ પંથકમાં ભાદરવા માસમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. વઢવાણ વાઘેલા વાડલા કોઠરીયા માંલોદ ગામની સીમમાં વધુ વરસાદ પડ્યો છે.
જેના કારણે આ ગામની સીમ ખેતરોમાં પાણી ભરાયા છે. આથી ઉભા પાકને નુકસાનનો ભય ઊભો થયો છે. જેમાં કપાસ, જુવાર, તલ, મગફળી પાકની ગુણવતા અને ઉત્પાદનને ભારે અસર થઈ છે. આથી ખેડૂતોને સરકાર સહાય કરે તેવી માંગ ઊઠી છે.
આ અંગે ખેડૂત રાજુભાઈ પઢેરિયા, વજુભા રાઠોડ વગેરેએ જણાવ્યું કે વઢવાણ તાલુકા 2 વર્ષથી પાક નુકસાન સહાય મળી નથી. વઢવાણ પંથકમાં સરવેમાં લાગવગશાહી થઈ છે. આ વર્ષે પણ ભારે વરસાદ વચ્ચે પાકને નુકસાન થયું છે. જેમાં નવરાત્રી દરમિયાન વરસાદ પડશે તો ખેડૂતો માટે ખૂબ નુકસાન પહોંચાડી શકશે.