Rajkot, તા. 29
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત રાજયની મહાપાલિકા, પાલિકા, પંચાયતોમાં બે દિવસથી જન્મ-મરણના દાખલા કાઢવાની કામગીરી ઇ-ઓળખ પોર્ટલ પર બંધ થઇ ગઇ છે. રાજકોટમાં આજે સતત ત્રીજા દિવસે આ કામ બંધ રહેતા સીવીલ સેન્ટર બહાર મોટી સંખ્યામાં નાગરિકોની લાઇન લાગી હતી પરંતુ કેન્દ્ર બહાર આજે કામ બંધ હોવાથી ફરી લોકોને ‘આજે કામગીરી બંધ છે’ તેવું બોર્ડ વાંચીને પરત જવું પડયું હતું.
ઇ-ઓળખ પોર્ટલ પર દાખલા કાઢવા અને નોંધણીની કામગીરી કયારે શરૂ થશે તે વિભાગ કહી શકતો નથી. કારણ કે તે રાજય સરકારના પોર્ટલ પર કામ થાય છે, સર્વર શીફટીંગ ચાલુ હોવાના જવાબ મળ્યા છે. પરંતુ કામ કયારે શરૂ થશે તે સ્થાનિક કક્ષાએ કહી શકાતું નથી. બીજી તરફ તા.1-1-20થી જયારથી જન્મ-મરણની કામગીરી કોર્પો.ના બદલે રાજય સરકારના પોર્ટલ પર આવતા અવારનવાર પડતા વિક્ષેપ વચ્ચે સતત ત્રણ દિવસ આ કામ બંધ રહ્યાનું પણ ઇતિહાસમાં પહેલીવાર બન્યુ છે તે ઉલ્લેખનીય છે.
દરમ્યાન શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી અને વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયાએ શહેર વિકાસ વિભાગ અને મ્યુનિ. કમિશ્ર્નરને પત્ર લખ્યો છે. કોર્પો.માં જન્મ મરણ દાખલા કાઢવા અને નવી નોંધણી સહિત ની તમામ પ્રકાર ની કામગીરી સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે જેના પગલે નાગરિકોમાં રોષ ની લાગણી ફેલાઇ છે.
આધારકાર્ડ અને જન્મ મરણની તમામ કામગીરી કેન્દ્ર અને રાજય સરકારના પોર્ટલ તેમજ વેબસાઈટ પર થાય છે જે કારણે મહાનગરપાલિકામાં જન્મ મરણ દાખલા અંગેની કોઈ કામગીરી કરાતી નથી અને જન્મ મરણ વિભાગ ને અલીગઢી તાળાં મારી દેવામાં આવ્યા છે. છેલ્લા 8 દિવસથી પોર્ટલની કામગીરી જે પહેલા 1 દાખલો ત્વરિત નીકળતો તે દાખલો મળતા (અડધી) કલાક જેટલો સમય થાય છે અને લોકોનો સમય અને રોજગારી બને બરબાદ થાય છે.
હાલ મહાનગરપાલિકા દ્વારા જન્મ મરણ ના દાખલા ન મળતા હોવાને પગલે વિધર્થીની જુદી જુદી યોજનાઓ, ફી સહાય, રેશનકાર્ડ , ઈકેવાઈસી અને વીમા જેવા કામો અંગે લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. તંત્ર આ પ્રશ્ર્નોનો ઉકેલ ક્યારે આવશે તે કહી શકે તેમ નથી. આ અંગે જે કાઈ રાજય સરકારની સૂચના હશે તે મુજબ કાર્યવાહી કરશે જો કે લોકો ને છેલ્લા 8 દિવસથી થતી હાલાકી અંગે રાજય સરકારે આંખ મિચામણાં કરી લીધા હોય અને કોઈ પણ પ્રકારની સૂચના કે પોર્ટલ ની કામગીરી પુન: ક્યારે શરૂ થશે એ પ્રકારની કોઈ જાહેરાત કરી શકાતી નથી. આથી શહેરના નાગરિકો ભારે હેરાન થઇ રહ્યા છે.
કેરલના નાગરિકની રઝળપાટ : વિમા અને અભ્યાસની અરજી પણ અટકી
જન્મ-મરણના દાખલા કાઢવા માટે કયારેક કેવી ઇમરજન્સી હોય છે તે મનપાના અધિકારીઓને પણ રોજ જાણવા મળી રહ્યું છે. વીમા કલેઇમ 30 દિવસમાં મૂકવાનો હોય છે. પરંતુ કોઇ છેલ્લા એક બે દિવસમાં દાખલો લેવા આવે તો તેનું કામ કંપનીમાં પણ અટકી જાય તેવી હાલત હોય છે. જન્મના દાખલા તો વિદેશ અભ્યાસની અરજી, વિઝાથી માંડી પાસપોર્ટ સાથે જોડાયેલા હોય છે.
બે દિવસથી કેરલના એક વ્યકિત તેમના સ્વજનનો મરણનો દાખલો લેવા ધકકા ખાય છે. વતનમાં પહોંચવાનું છે. પરંતુ તેઓ દિવસે કોર્પો.માં અને તે બાદ શહેરમાં રઝળે છે. આવા ઘણા લોકો હેરાન થતા હોવાની સ્થિતિમાં સરકાર કમ સે કમ કામ કયારથી શરૂ થશે તે સ્પષ્ટતા કરે તે જરૂરી છે.
મનપાના જન્મ-મરણ વિભાગમાં આજે સતત ત્રીજા દિવસે દાખલા કાઢવાની કામગીરી બંધ હોવાના બોર્ડ યથાવત રહ્યા હતા. વિભાગ સુમસામ હતો અને સ્ટાફ પોર્ટલ શરૂ થવાની રાહ જોતો હતો.