Rajkot,તા.13
રાજકોટની ભાગોળે વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. જેમાં કૌટુંબિક દિયરે ભાભી પર અનેકવાર દુષ્કર્મ આચરી બિભત્સ ફોટો પાડી લીધા હતા. બાદમાં સંબંધ રાખવાનું દબાણ કરી પીડિતાના બિભત્સ ફોટો પોતાના વોટ્સઅપ સ્ટેટ્સમાં મૂકી વાયરલ કરી દેતા એરપોર્ટ પોલીસમાં ભોજપરી ગામના ગોરધન વાલાણી વિરુદ્ધ દુષ્કર્મ સહીતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
સુરેન્દ્રનગર પંથકની અને રાજકોટની ભાગોળે રહેતી 30 વર્ષની મહિલાએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેના ભોજપરી ગામે રહેતા તેના કૌટુંબિક દિયર ગોરધન મનુ વાલાણીનું નામ આપ્યું હતું. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે તથા તેનો પતિ ઇમિટેશનનું કામ કરતા હતા. તે વખતે તેના કૌટુંબિક દિયર ગોરધન વાલાણી ઇમિટેશનના કામ માટે અવાર નવાર તેમના ઘરે આવતા હતા. બાદમાં કામકાજ સરખું નહીં ચાલતા અન્ય મજૂરીકામ માટે મહિલા, તેનો પતિ અને પુત્રી રાજકોટની ભાગોળે નવાગામ રહેવા આવી ગયા હતા અને ભાડાના મકાનમાં રહેતા હતા.
ત્યારબાદ એક રાત્રીના મહિલાનો પતિ મજૂરીકામ માટે ગયો હતો ત્યારે ગોરધન ધસી ગયો હતો અને મહિલા સાથે બળજબરી કરી તેના પર દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ તે અવારનવાર મહિલા સાથે શારીરિક બળજબરી આચરતો હતો અને મહિલાના ફોટા પણ પાડતો હતો. ગોરધનના ત્રાસથી કંટાળી મહિલાએ તેનો પીછો છોડાવવાનો પ્રયાસ કર્યો તો ગોરધને ફોટા સોશિયલ મીડિયામાં મૂકી દેવાની ધમકી આપીને બ્લેકમેઇલિંગ શરૂ કર્યું હતું.
ચાર મહિના સુધી ગોરધનના મકાનમાં રહ્યા બાદ મહિલા પરિવાર સાથે અન્ય સ્થળે રહેવા જતી રહી હતી. ગોરધન છાશવારે ફોન કરીને ફોટા સોશિયલ મીડિયામાં મૂકવાની ધમકી દેતો હતો. પોતાનું સાંસારિક જીવન બગડે નહીં તે માટે મહિલા ચુપચાપ બધું સહન કરતી હતી. દરમિયાન મહિલાના પતિને તેના નાના ભાઇએ વોટ્સએપના સ્ટેટસમાં ગોરધને મૂકેલા બિભત્સ ફોટા બતાવ્યા હતા જે ફોટા ભોગ બનનાર મહિલાના હતા. અંતે મહિલાએ તેના પતિને આપવીતી જણાવ્યા બાદ ગોરધન સામે ગુનો નોંધાયો છે.