Bangalore,તા.17
ઈન્ડિયન પ્રીમીયર લીગમાં રોયલ ચેલેન્જર બેંગ્લોર (આરસીબી)ના વિજય બાદ બેંગ્લુરુમાં યોજાયેલી વિજયપરેડમાં સર્જાયેલી ધકકામુકકી અને 11 લોકોના મૃત્યુ બદલ કર્ણાટક સરકારે આરસીબીને જવાબદાર ગણાવી હતી અને વિરાટ કોહલીની ભૂમિકા સામે પણ પ્રશ્ન ઉઠાવ્યા હતા.
આ વર્ષે યોજાયેલી આઈપીએલમાં આરસીબીના વિજય બાદ તા.4 જૂનના આ ટીમ ફ્રેન્ચાઈઝી દ્વારા બેંગ્લુરુમાં એક ભવ્ય વિજય રેલી યોજાઈ હતી. પરંતુ આખરી ઘડીએ તેમાં ધસારો થતા સર્જાયેલી ભાગદોડમાં 11થી વધુ ક્રિકેટ ચાહકોના મૃત્યુ થયા હતા અને અનેક ઘાયલ થયા હતા.
જે અંગે રાજય સરકાર દ્વારા એક તપાસ કમીટી નિમવામાં આવી હતી. જેનો રિપોર્ટ કર્ણાટક હાઈકોર્ટને સુપ્રત કરાયો હતો. જેમાં સ્પષ્ટપણે જણાવાયુ હતુ કે આરસીબી અને તેના મેનેજમેન્ટ દ્વારા આ પ્રકારે રેલી યોજવા માટે પોલીસની કોઈ પુર્વ મંજુરી લીધી ન હતી.
સામાન્ય રીતે આ પ્રકારના આયોજનમાં સાત દિવસ પુર્વે મંજુરી લેવાની હોય છે. જયારે તા.3ના ફાઈનલમાં વિજય બાદ આરસીબીની ટીમ બેંગ્લુરુમાં તા.4ના રોજ પહોંચી હતી. જેમાં સવારથી જ આરસીબીના સોશ્યલ મીડીયા હેન્ડલ પર લોકોને આ વિજય પરેડમાં જોડાવા માટે આમંત્રણ આપતા સંદેશાઓ પોષ્ટ થવા લાગ્યા હતા.
પરંતુ તેમાં પોલીસ સાથે કોઈ અગાઉથી મંજુરી કે અન્ય કોઈ સંપર્ક કરવામાં આવ્યો ન હતો. આરસીબીએ સવારે 7.01 કલાકે સોશ્યલ મીડીયા હેન્ડલ પર આ વિજયરેલીનો પ્રચાર શરુ કરી દીધો હતો. જેમાં લોકોને સ્ટેડીયમમાં કોઈ ચાર્જ વગર પ્રવેશ અપાશે તેવી જાહેરાત કરાઈ હતી.
ઉપરાંત વિજય પરેડ રેલીના માર્ગ અને તે ચિન્નાસ્વામી સ્ટેડીયમમાં પુરી થશે તેવુ પણ જણાવ્યું હતું. આ બાદ સવારે આઠ વાગ્યે પણ આ પ્રકારના સંદેશાઓ નિયમીત રીતે ફ્રેન્ચાઈઝીના હેન્ડલ પર પોષ્ટ થતા રહ્યા હતા. બાદમાં આરસીબીએ વિરાટ કોહલીનો એક વિડીયો પણ શેર કર્યો.
જેમાં કોહલીને એવુ કહેતા દર્શાવાયો છે કે, ટીમના વિજયને તે બેંગ્લુરુના ક્રિકેટ ચાહકો સાથે મનાવવા માંગે છે અને સૌને આવવા આમંત્રણ છે. આરસીબીએ તેમ છતાં પણ પોલીસને સતાવાર રીતે જાણ કરવાની કોઈ કોશીશ કરી ન હતી. પણ પોલીસે બાદમાં સામેથી આયોજકોનો સંપર્ક કર્યો હતો અને શકય તેટલી વ્યવસ્થા ગોઠવવા પ્રયત્ન કર્યો હતો.
રાજય સરકારે હાઈકોર્ટના કાર્યવાહક ચીફ જસ્ટીસ વી.કામેશ્વરરાવની ખંડપીઠ સમક્ષ આ રિપોર્ટ રજુ કર્યો હતો. હવે હાઈકોર્ટ તેના પર કંઈ રીતે એકશન લે છે તે મહત્વનું બની જશે અને ખાસ કરીને વિરાટ કોહલી સામે કોઈ પગલા લેવાશે કે કેમ તેના પર સૌની નજર છે.
કર્ણાટક સરકારે આઈપીએલની વિજય રેલીમાં ભાગદોડ બદલ 11ના મોત માટે રોયલ ચેલેન્જર બેંગ્લોરને જવાબદાર ઠેરવવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ સાથોસાથ આ રિપોર્ટ જાહેર નહી કરવા હાઈકોર્ટને વિનંતી કરી હતી પરંતુ હાઈકોર્ટે તે સ્વીકારી નહી અને રિપોર્ટ જાહેર જનતા માટે ઉપલબ્ધ કરાવ્યો છે.
એટલું જ નહી રિપોર્ટની નકલ રોયલ ચેલેન્જર બેંગ્લોરને આપવા જણાવ્યું છે. રાજય સરકારે એવો બચાવ કર્યો કે રિપોર્ટ જાહેર થવાથી આ ઘટના અંગે જે અલગથી ન્યાયીક તથા મેજીસ્ટેટ તપાસ થઈ રહી છે તેને અસર થશે પણ હાઈકોર્ટે કહ્યું કે સમગ્ર ઘટના જાહેર છે અને જે કાંઈ બન્યુ તે સૌ જાણે છે તેથી તેનો રિપોર્ટ જાહેર કરવામાં કોઈ વિઘ્ન નથી.