New Delhi, તા.18
સુપ્રીમ કોર્ટમાં હેટ સ્પીચ સંબંધિત અરજીની સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે રાજકીય નેતાઓને મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે. અદાલતે જણાવ્યું કે, ચૂંટણી સ્પર્ધા દરમિયાન નેતાઓએ એકબીજાનું માન રાખવું જોઈએ અને દેશમાં ભાઈચારો વધે તેવો વાતાવરણ બનાવવો જોઈએ.
જોકે હેટ સ્પીચ માટે ગાઇડલાઇન જાહેર કરવાની માગણી સુપ્રીમ કોર્ટે ફગાવી હતી. જોકે કેટલાક સુધારા સાથે આ મામલે નવી અરજી દાખલ કરવાની પણ સુપ્રીમે અરજદારને છૂટ આપી છે.અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે કેટલાક રાજકીય ભાષણો બંધારણીય મૂલ્યોને નુકસાન પહોંચાડે છે અને હેટ સ્પીચ રોકવા માટે સ્પષ્ટ માર્ગદર્શિકા ઘડવાની જરૂર છે. અરજીમાં આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સર્માના નિવેદનોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
સુપ્રીમ કોર્ટની બેન્ચે આ અરજીને હાલ ફગાવી દીધી, પરંતુ અરજદારોને યોગ્ય રીતે તૈયાર કરેલી નવી અરજી દાખલ કરવાની છૂટ આપી છે. આસામના મુખ્યમંત્રી હેમંતા બિસ્વા સર્મા દ્વારા અપાયેલી કથિત હેટ સ્પીચ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં આ પીઆઇએલ દાખલ કરવામાં આવી હતી.
મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ બીવી નાગરત્ના, જોયમાલ્યા બાગ્ચીની બેંચ દ્વારા આ પિટિશનની સુનાવણી કરાઇ હતી જેને નવ લોકો દ્વારા દાખલ કરવામાં આવી હતી. જેમાં બંધારણીય પદ ધરાવતી વ્યક્તિ દ્વારા ગેરબંધારણીય સ્પીચ આપવા પર રોક લગાવવા ગાઇડલાઇન જાહેર કરવા માગ કરાઇ હતી. સુનાવણી દરમિયાન ન્યાયમૂર્તિઓએ મૌખિક રીતે જણાવ્યું કે, લોકશાહી વ્યવસ્થામાં મતભેદ સ્વાભાવિક છે, પરંતુ ભાષણ અને પ્રચાર દરમિયાન પરસ્પર સન્માન જાળવવું જરૂરી છે. ચૂંટણી લડતી વખતે નેતાઓએ એવા નિવેદનો ટાળવા જોઈએ જે સમાજમાં વિભાજન પેદા કરે.
અદાલતે નોંધ્યું કે, બંધારણીય નૈતિકતા અને ભાઈચારો જાળવવો દરેક જાહેર પ્રતિનિધિની જવાબદારી છે.સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, જો અરજદારો નવા અને વધુ સ્પષ્ટ મુદ્દાઓ સાથે અરજી રજૂ કરશે, તો કોર્ટ આ મુદ્દે ફરીથી વિચારણા કરી શકે છે. આ ટિપ્પણીઓ સાથે અદાલતે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે લોકશાહી પ્રક્રિયામાં શિસ્ત, સન્માન અને એકતા જાળવવી અનિવાર્ય છે.

