New Delhi,તા.20
જો તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો 1 એપ્રિલ 2026થી તમારી નાણાકીય આદતો અને ટેક્સ રિપોર્ટિંગમાં મોટા ફેરફાર થવાના છે. ‘આવકવેરા ડ્રાફ્ટ નિયમો 2026’ હેઠળ પ્રસ્તાવિત આ નિયમો માત્ર તમારા ખર્ચ પર સરકારની નજર વધારે તીવ્ર બનાવશે એટલું જ નહીં, પરંતુ નોકરીયાત લોકોની ટેક્સ પર પણ અસર કરી શકે છે.
ભારતમાં ડિજિટલ લેવડદેવડ ઝડપથી વધતી હોવા કારણે કેન્દ્ર સરકારે પારદર્શિતા લાવવા માટે મોટું પગલું લેવા જઈ રહી છે. આવકવેરા વિભાગે ‘આવકવેરા ડ્રાફ્ટ નિયમો 2026’ રજૂ કર્યા છે, જે મંજૂર થયા બાદ 1 એપ્રિલ 2026થી લાગું થશે. આ નિયમો જૂના ‘આવકવેરા નિયમો 1962’ની જગ્યાએ આવશે અને તેનો મુખ્ય ઉદ્દેશ મોટા ખર્ચ પર નજર રાખવી અને ટેક્સ ચોરી રોકવી છે.
1. આવકવેરા વિભાગની ‘ત્રીજી આંખ’
નવા ડ્રાફ્ટ નિયમો મુજબ બેંકો અને ક્રેડિટ કાર્ડ આપતી કંપનીઓ માટે મોટા બિલ ચુકવણીની માહિતી આવકવેરા વિભાગને આપવી ફરજિયાત રહેશે.
ડિજિટલ પેમેન્ટ : જો તમે એક નાણાકીય વર્ષમાં 10 લાખ રૂપિયા કરતાં વધુનું ક્રેડિટ કાર્ડ બિલ ડિજિટલ માધ્યમો (યુપીઆઈ, નેટ બેન્કિંગ, ચેક) દ્વારા ચૂકવો છો, તો તેની માહિતી સીધી આવકવેરા વિભાગને આપવામાં આવશે.
રોકડ ચુકવણી : રોકડમાં બિલ ચૂકવનારાઓ માટે નિયમ વધુ કડક છે. જો તમે વર્ષ દરમિયાન 1 લાખ રૂપિયા અથવા તેથી વધુનું બિલ રોકડમાં ભરો છો, તો બેંક તેની માહિતી વિભાગને આપશે.
2. ‘કોર્પોરેટ કાર્ડ’ બનશે પડકાર
મિડ અને સિનિયર લેવલના કર્મચારીઓ માટે સૌથી મોટો ફેરફાર તેમની સુવિધાઓના મૂલ્યાંકનમાં છે.
‘ જો તમારા નોકરીદાતા તમને ક્રેડિટ કાર્ડ આપે છે અથવા તમારા વ્યક્તિગત કાર્ડની વાર્ષિક ફી અને ખર્ચ ચૂકવે છે, તો તેને હવે ટેક્સ લાગું પડતી સુવિધા ગણવામાં આવી શકે છે.
‘જો તમે સાબિત કરી શકો કે ખર્ચ સંપૂર્ણપણે ઓફિશિયલ કામ માટે હતો, તો આ ટેક્સમાંથી બચી શકાય છે.
3. વિદેશ મુસાફરી દરમિયાન ખર્ચ
હવે વિદેશમાં ક્રેડિટ કાર્ડથી કરાયેલ ખર્ચ પણ નજર હેઠળ રહેશે. નિયમો મુજબ જો કોઈ પાન ધરાવતા વ્યક્તિ એક વર્ષમાં 10 લાખ રૂપિયા કરતાં વધુ વિદેશી ચલણમાં ખર્ચ કરે છે, તો તેની માહિતી આપવી ફરજિયાત રહેશે. પાન વગરના કાર્ડધારકો માટે આ મર્યાદા 5 લાખ રૂપિયા રહેશે.
4. પાન અને નવું કેઓવાયસી ફરજિયાત
હવે નવા ક્રેડિટ કાર્ડ માટે અરજી કરતી વખતે પાન કાર્ડ આપવું ફરજિયાત બનશે. સરકારનો ઉદ્દેશ ક્રેડિટ કાર્ડના ખર્ચને સીધો વ્યક્તિના ટેક્સ રેકોર્ડ સાથે જોડવાનો છે. કેઓવાયસી પ્રક્રિયાને સરળ બનાવવા માટે છેલ્લા ત્રણ મહિનાના ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટને હવે સરનામાના પુરાવા તરીકે માન્ય ગણવામાં આવશે.
5. કાર્ડ વાપરનારાઓ શું કરે?
નિષ્ણાતો કહે છે કે આ નિયમોથી ગભરાવાની જરૂર નથી, પરંતુ નાણાકીય શિસ્ત રાખવી જરૂરી છે.
રેકોર્ડ રાખો : તમારા ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટ અને તમારી જાહેર કરેલી આવક વચ્ચે સંતુલન રાખો. જો તમારી આવક કરતાં ખર્ચ વધારે હોય, તો વિભાગ પૂછપરછ કરી શકે છે.
દસ્તાવેજ સંભાળો : ઓફિશિયલ અને વ્યક્તિગત ખર્ચ અલગ રાખો. ખાસ કરીને જો તમે કંપનીનું કાર્ડ વાપરો છો, તો દરેક બિલ અને મંજૂરીના દસ્તાવેજ સાચવી રાખો.
રિવોર્ડ પોઇન્ટનો લાલચ ટાળો : ઘણાં લોકો રિવોર્ડ પોઇન્ટ મેળવવા માટે મિત્રો અથવા સંબંધીઓના મોટી ચુકવણી પોતાનાં કાર્ડથી કરે છે. નવા નિયમો પછી આવું કરવાથી તમને આવકવેરા વિભાગનો નોટિસ મળી શકે છે.

