New Delhi,તા.11
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકર, તેમના પરિવાર સાથે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા. સચિને રાષ્ટ્રપતિ અને વડા પ્રધાનને તેમના પુત્ર અર્જુન તેંડુલકરના લગ્નમાં આમંત્રણ આપ્યું.
સચિન સાથે તેની પત્ની અંજલિ, પુત્ર અર્જુન, પુત્રી સારા અને અર્જુનની મંગેતર સાનિયા પણ હાજર રહ્યા હતા. અર્જુન અને સાનિયાના લગ્ન અંગે ઘણા દિવસોથી અટકળો ચાલી રહી હતી, પરંતુ હવે સચિને પોતે આની પુષ્ટિ કરી છે.
સચિને સોશિયલ મીડિયા પર પીએમ મોદી અને તેમના પરિવાર સાથેની મુલાકાતનો ફોટો શેર કર્યો. સચિને લખ્યું, “અર્જુન અને સાનિયાના લગ્ન સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવાનું અમને સૌભાગ્ય મળ્યું. આ યુવાન દંપતીને તમારા આશીર્વાદ અને વિચારશીલ સલાહ આપવા બદલ આભાર, મોદીજી.”
સચિન કોંગ્રેસ પાર્ટીના સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીને પણ મળ્યા હતા. સચિન લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને પણ મળ્યા હતા અને તેમને તેમના પુત્રના લગ્નમાં આમંત્રણ આપ્યું હતું.
સચિન તેમની પત્ની અંજલિ સાથે સોનિયા ગાંધીને તેમના નિવાસસ્થાન 10 જનપથ ખાતે મળ્યા હતા. મળતી માહિતી અનુસાર, અર્જુન અને સાનિયાના લગ્ન સમારોહ 3 માર્ચથી શરૂ થશે અને મુખ્ય સમારોહ 5 માર્ચે યોજાશે.

