રામનામ એ શ્રેષ્ઠ ઔષધિ છે તેનાથી તન અને મનના રોગ મટી શકે છે.
શ્રી બાલકૃષ્ણ શંકરભાઇ ભટ્ટ એટલે કે શ્રી પુનિત મહારાજનો જન્મ જૂનાગઢ જીલ્લાના ધંધુકાના વાલમ બ્રાહ્મણ કૂળમાં વિક્રમ સંવત ૧૯૬૪ અષાઢ વદ અગિયારસ તા.૧૯-૦૫-૧૯૦૮માં થયો હતો. તેમના દાદા શ્રી નારણદાસ વૃંદાવનદાસ ભટ્ટ જેઓ સર્વેયર તરીકે નોકરી કરતા હતા,જે નીતિમય જીવન ગાળતા હતા,અનીતિનો એકપણ પૈસો ઘરમાં પ્રવેશી જાય તેની કાળજી રાખતા હતા.પિતાના સંસ્કાર પૂત્ર શંકરભાઇ ભટ્ટમાં ઉતર્યા હતા,તેમની પત્નીનું નામ લલિતાબેન હતું.તેમનું એકમાત્ર સંતાન બાલકૃષ્ણ હતા. તેમના પિતાનું ખુબ જ નાની ઉંમરમાં અવસાન થતાં તેમનું બાળપણ વિધવા માતા લલિતાબેનની છત્રછાયામાં ખુબ જ ગરીબ પરિસ્થિતિમાં વિત્યું હતું. બાળપણથી જ તેમને ધાર્મિક સંસ્કાર મળ્યા હતા. પરંપરાથી શૈવ પણ હૃદય કૃષ્ણ-રામભક્તિ તરફ વળેલું હતું,એ રીતે એમના જીવનમાં શિવ-રામ અને કૃષ્ણની ભક્તિનો ત્રિવેણી સંગમ રચાયો હતો.તેઓએ મેટ્રીક સુધી જ અભ્યાસ કર્યો હતો.તેઓ ધંધા અર્થે અમદાવાદમાં આવ્યા હતા અને શરૂઆતમાં રેલ્વે સ્ટેશન ઉપર કૂલી તરીકે મજૂરી કરી હતી.બાલકૃષ્ણનું તેર વર્ષની ઉંમરે સરસ્વતીબહેન સાથે લગ્ન થયું હતું.પરીવારના ભરણપોષણ માટે તેમને અનેક નોકરીઓ કરી હતી.તારખાતાની તાલીમ લઈ અમદાવાદની તાર ઑફિસમાં પટાવાળાની પણ નોકરી કરી હતી.કેટલોક સમય તેઓએ શિક્ષક તરીકે પણ નોકરી કરી હતી તે દરમ્યાન તેમને બાળકોને અભ્યાસની સાથે સાથે ભારતીય સંસ્કૃતિના પાઠ પણ ભણાવ્યા હતા.
બાલકૃષ્ણે જી.કે.માવળંકરના ગર્જના દૈનિકમાં કારકુનની નોકરીથી અખબારી આલમમાં પ્રવેશ કર્યો હતો.અમૃતલાલ જી.શાહ સાથે ‘લલિત’ નામના માસિક અને ‘વીણા’ નામના સાપ્તાહિકના તેઓ તંત્રી બન્યા હતા.નીડર પત્રકાર,કોઈની શેહશરમમાં ન તણાય એવું એમનું વ્યક્તિત્વ,પત્રકાર ઉપરાંત ન્યૂ હાઈસ્કૂલમાં ક્લાર્ક તરીકેની કામગીરી પણ બજાવી હતી.માધ્યમિક શાળાના અભ્યાસ દરમ્યાન શાંતિમિયાં નામના મુસલમાન શિક્ષકના સંપર્કથી કવિતાની કામગીરીના બીજ રોપાયા પછી તો રોજના એક કાવ્યનો નિયમ થઈ ગયો હતો.શરૂઆતની તકલીફો પછી તો સહજ સ્ફુરણાથી કાવ્યો રચાવાં શરૂ થયાં.સમગ્ર જીવન દરમિયાન ૩૫૦૦ કરતાં વધારે ભજનો,ચૈતન્ય મહાપ્રભુ,તુકારામ,નામદેવ,તુલસીદાસ,નરસિંહ મહેતા વગેરે ના જીવન ઉપર આધારિત આખ્યાનો,‘નવધાભક્તિ’ના કુલ અગિયાર ભાગ,‘પુનિત ભાગવત’ જેવો વિસ્તૃત ગ્રંથ, ‘વડલાનો વિસામો’, ‘જીવનનું ભાથું’, ‘પુનિત પ્રસાદી’ જેવી દ્રષ્ટાંત-કથાઓ એમ બધા મળીને સાઇઠ જેટલા ગ્રંથો એમણે આપ્યા છે.
બાલકૃષ્ણને ક્ષયરોગ થયો.છુટક મજૂરીથી પેટ પુરતું ખર્ચ માંડ નીકળતું.ખોરાકમાં દૂધ-ઘી લઇ શકતા નથી.મજૂરીના લીધે શરીર ઘસાવા લાગ્યું.ચા અને બીડીના લીધે ક્ષયરોગ છેલ્લી કક્ષાએ પહોંચી ગયો. ગયો.ર્ડાકટરે મોંઘી દવા લખી આપી અને દવા ઉપરાંત ઘી દૂધ ફળ લેવા સૂચના આપી પરંતુ કારમી ગરીબીમાં આ બધું ક્યાંથી લાવે.! એકવાર તેઓ કામનાથ મહાદેવના મંદિર પાસેથી લાઇબ્રેરી જવા પસાર થઇ રહ્યા હતા ત્યારે તેમને જબરી ઉઘરસ ચઢી,શરીર બેવળું વળી ગયું,કફ તૂટી પડ્યો તે જ સમય કામનાથ મહાદેવના મંદિરમાં કથા કરતા કથાકારના શબ્દો કાને પડ્યા કે રામનામ એ શ્રેષ્ઠ ઔષધિ છે તેનાથી તનના અને મનના રોગ મટી શકે છે.આ સાંભળી તેમને શાંતિ થઇ,તેઓ કથામાં જઇને બેઠા.બાળપણના સુસંસ્કાર જાગૃત થયા.બીજા દિવસે પણ વ્યાસપીઠ ઉપર બિરાજેલ ઇશ્વરલાલ શાસ્ત્રીની કથા સાંભળવા આવ્યા.કથામાં શરણાગતિનો મહિમા સમજાવી રહ્યા હતા.તમામ પ્રકારની ચિંતા પ્રભુને સોંપી તેની શરણાગતિ સ્વીકારવી, પ્રભુ સૌ સારાં વાનાં કરશે.કથા પુરી થયા પછી સારંગપુરના રણછોડરાયના મંદિરે જઇ પ્રભુ ચરણે શિશ ઝુકાવી પ્રભુ શરણું લઇ ચોધાર આંસુએ રડી પડ્યા.રામનામનું રસાયણ ભવ રોગને હરે છે-તેવા વાકયે ક્ષયરોગથી નિરાશ બાલકૃષ્ણનો રોગ મટી ગયો,તેમના જીવનમાં પરિવર્તન આવ્યું હતું.તેમને શ્રોતાઓ સમક્ષ પોતાને થયેલ ક્ષયરોગ અને છ માસમાં મૃત્યુની ર્ડાકટરોએ કરેલ આગાહીની વાત કરી પરંતુ પ્રભુ નામના પ્રતાપે પોતે બચી ગયા તે સત્ય પ્રગટ કર્યું.
રાધેશ્યામ મહારાજે તેમને પુનિત મહારાજ નામ આપ્યું હતું.ભજનનો પુનિત મહારાજે રામના ગુણોનું વર્ણન કરવાં રામાયણ રચવાનો નિર્ણય કર્યો જે પૂર્ણ થયે ડાકોરના રાજા રણછોડરાય સમક્ષ નવ દિવસ વાંચન કરી સાંભળવ્યું હતું ત્યારબાદ ભજન શરૂ કર્યા.તેઓ ભાખરીદાન અને નેત્રયજ્ઞ અભિયાનના પ્રણેતા હતા.પુનિત મહારાજ કે જે સંત પુનિત તરીકે પણ ઓળખાયા તેમણે કૃષ્ણભક્તિનાં અનેક ભજનો રચ્યાં છે અને આ ભજનો ગુજરાતીઓની લોક જીભે હરરોજ ગવાય છે,ખાસ કરીને તેઓ ડાકોરના રણછોડરાયજીના પરમ ભક્ત હતાં તેથી તેમણે રણછોડરાયનાં અનેક ભજનો રચ્યાં છે.રણછોડજીની તિથિઓ,સાતવાર, રણછોડજીની આરતી વિગેરે ઉપરાંત ‘ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહી…‘ આ તેમનું ખુબજ લોકપ્રિય ભજન છે.“સેવા અને સ્મરણ બે જગમાં કરવાનાં છે કામ,સેવા તો જનસેવા કરવી લેવુંરામનું નામ..” આ ઉક્તિ તેમના જીવનનો મહામંત્ર બની ગઇ હતી.
માનવસેવા,સમાજસેવા અને સંસ્કૃતિસેવાના ક્ષેત્રમાં એમનું અનોખું પ્રદાન રહ્યું છે.ભાખરીદાન,મફત રોગ નિદાનયજ્ઞો,રાહતદરે દવાઓ જેવી પ્રવૃત્તિઓ એમણે જીવનભર કરી હતી.અંગત હિત ખાતર કોઈ દિવસ ભેટ લીધી નથી કે ખર્ચ લઈને ભજન કર્યાં નથી.સમગ્ર ગુજરાતના ગામડે ગામડે ભજનો કરવા તેઓ મંડળ સાથે જતા હતા,સાથે સાથે માનવસેવાનાં કામો,રાહતકામો પણ કરતા હતા.ભાખરીદાન અને ધાબળાદાનની તેમની પ્રવૃત્તિઓ ફૂટપાથવાસીઓ માટે મોટા આશિર્વાદરૂપ બની હતી.તેમણે સ્થાપેલ આશ્રમ હજુ પણ ઉત્તમ રીતે જનસેવા કરે છે.તેમના પુત્ર જનક પણ કિર્તનકાર થયા અને જનક મહારાજ નામે લોકપ્રિય થયા હતા.પુનિત મહારાજ ૫૪ વર્ષની ઉંમરે ૨૭ જુલાઈ,૧૯૬૨ના રોજ નિર્વાણપદને પામ્યા. પુનિત મહારાજે શરૂ કરેલું જનકલ્યાણ માસિક આજે પણ લોકપ્રિય છે.આવો સંત પુનિત મહારાજની અમર રચનાનો આસ્વાદ માણીએ..
ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં
અગણિત છે ઉપકાર એના એ કદી વિસરશો નહીં
પથ્થર પૂજ્યા પૃથ્વી તણા ત્યારે દીઠું તમ મૂખડું
એ પુનિતજનનાં કાળજાં પથ્થર બની છૂંદશો નહીં
કાઢી મુખેથી કોળિયા મ્હોંમાં દઈ મોટા કર્યા
અમૃત તણાં દેનાર સામે ઝેર ઉગળશો નહીં
લાખો લડાવ્યાં લાડ તમને કોડ સૌ પૂરા કર્યા
એ કોડના પુરનારના કોડને ભૂલશો નહીં
લાખો કમાતા હો ભલે મા–બાપ જેથી ના ઠર્યા
એ લાખ નહિ પણ રાખ છે એ માનવું ભૂલશો નહીં
સંતાનથી સેવા ચહો સંતાન છો સેવા કરો
જેવું કરો તેવું ભરો એ ભાવના ભૂલશો નહીં
ભીને સૂઈ પોતે અને સૂકે સુવાડવ્યા આપને
એવી અમીમય આંખને ભૂલીને ભીંજવશો નહીં
પુષ્પો બિછાવ્યાં પ્રેમથી જેણે તમારા રાહ પર
એ રાહબરના રાહ પર કંટક કદી બનશો નહીં
ધન ખરચતાં મળશે બધું માતા–પિતા મળશે નહીં
પલપલ પુનિત એ ચરણની ચાહના બસ ભૂલશો નહીં
આલેખનઃ
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)