Mumbai તા.11
શેરબજારની વર્તમાન મંદીમાં ઉંચા પ્રિમીયમથી આઈપીઓ લાવનારી કંપનીઓની હાલત સામે આવવા લાગી છે ત્યારે સેબીએ હવે એસએમઈ, આઈપીઆનાં નિયમો કડક બનાવ્યા છે. નવા નિયમો હેઠળ હવે પ્રમોટરો ઓફર ફોર સેલ (ઓએફએસ) અંતર્ગત કુલ આઈપીઓનાં 20 ટકાથી વધુ હિસ્સાનું વેચાણ નહિં કરી શકે ઉપરાંત પ્રવર્તમાન હિસ્સેદારીના 50 ટકાથી વધુનું વેંચાણ નહિં કરી શકે.
આઈપીઓમાં ઈન્વેસ્ટરોના હિતો જાળવવા માટે માર્કેટ નિયમનકાર સેબી વખતો વખત નવા નિયમનો દાખલ કરે જ છે. ગત મહિનાઓમાં પ્રાયમરી માર્કેટમાં નવા આઈપીઓનો ઢગલો થયો હતો અનેકમાં ઈન્વેસ્ટરોને નુકશાની વેઠવાની હાલત છે.
સેબીએ હવે રોકાણકારોના હિતોના રક્ષણ કરવા માટે એસએમઈ આઈપીઓમાં નફા માપદંડને લાગુ કર્યા છે નવી નિયમ હેઠળ આઈપીઓ લાવતી કંપનીઓનો છેલ્લા ત્રણમાંથી બે વર્ષમાં ઓછામાં ઓછો એક કરોડનો નફો જરૂરી બનશે.
આ સિવાય કંપની પ્રમોટરે 20 ટકાથી વધુ હોલ્ડીંગ ઓફર સેલ મારફત નહી વેચી શકે. પ્રમોટરોની હિસ્સેદારીનાં શેરોમાં પણ એકથી બે વર્ષનાં લોકઈન પીરિયડ લાગુ થશે.
આ ઉપરાંત એસએમઈ આઈપીઓમાં સામાન્ય કોર્પોરેટ ઉદેશની ફાળવણીની રકમ પણ નિશ્ચિત કરવામાં આવી છે.આઈપીઓની સાઈઝના 15 ટકા અથવા 10 કરોડ આ બેમાંથી જે રકમ ઓછી હોય તેટલી ફાળવી શકશે. પ્રમોટરો, પ્રમોટર ગ્રુપ અથવા સીધા કે આડકતરી રીતે લેવાયેલી લોનની ચુકવણીમાં આઈપીઓનાં નાણાંનો ઉપયોગ નહિં થઈ શકે.
પ્રાયમરી માર્કેટનાં નિષ્ણાંતોએ કહ્યું કે એસએમઈ આઈપીઓ માટે સેબીએ ન્યુનતમ અરજીનું કદ બે લોટ કર્યુ છે. બીન જરૂરી અટકળો પર પૂર્ણ વિરામ મુકાયું છે. ઈન્વેસ્ટરોનાં હિતોનું રક્ષણ થઈ શકશે.