એક મનુષ્યને એવું જાણવા મળ્યું કે ગંગા કિનારે રહેતા એક સંત મહાત્મા પાસે પારસમણી છે. પારસમણી એક એવું રત્ન હોય છે કે જેનો સ્પર્શ થતાં લોખંડ સોનું બની જાય છે.આ પારસમણી મેળવવા તે મનુષ્ય સંતની સેવા કરવા લાગ્યો.સંતે કહ્યું કે આજે હું ગંગાસ્નાન કરીને આવું પછી તને પારસમણી આપીશ.સંતના ગયા પછી પેલાનું મન અધીરૂં થયું.સંતની ગેરહાજરીમાં સંતની આખી ઝુંપડી ફેંદી વળ્યો પણ પારસમણી હાથમાં આવ્યો નહિ.સંત સ્નાન કરીને પાછા આવ્યા તો પોતાની ઝુંપડી અસ્તવ્યસ્ત જોઇને સંતે કહ્યું કે હું ગંગાસ્નાન કરીને આવું ત્યાં સુધી તમે ધીરજ ના રાખી શક્યા? પારસમણી તો મેં આ દાબડીમાં મૂકી રાખ્યો હતો,એમ કહીને સંતે એક દાબડી ઉતારી.આ પારસમણી લોખંડની દાબડીમાં હતો, પેલાને શંકા થઇ કે આ પારસમણિ લોખંડની દાબડીમાં હતો તો દાબડી સોનાની કેમ ના થઇ? ખરેખર આ પારસમણી હશે? કે સંત મારી મશ્કરી કરે છે? તેણે પોતાની આ શંકા સંત સમક્ષ રજૂ કરી.સંતે સમજાવ્યું કે મેં આ પારસમણીને એક ચિંથરામાં બાંધીને લોઢાની દાબડીમાં મૂકેલ હતો.કપડાના આવરણને લીધે પારસમણી અને લોખંડનો સ્પર્શ થતો નથી એટલે દાબડી સોનાની કેવી રીતે થાય? બસ આવી જ રીતે જીવ અને ઈશ્વર(આત્મા અને પરમાત્મા) આપણા હૃદયમાં જ છે પણ વાસનાના આવરણને લઈને તેનું મિલન થતું નથી.
જીવાત્મા એ દાબડી છે,પરમાત્મા પારસમણી છે.તે બંન્નેની વચ્ચે અહંતા,મમતા,વાસના(માયા)રૂપી ચીંથરૂં છે તેને જ દૂર કરવાનું છે.અનેકવાર સાધકને સાધન(યોગ-ભક્તિ વગેરે) કરતાં કરતાં કોઈ સિદ્ધિ ના મળે તો તેને સાધન પ્રત્યે ઉપેક્ષા જાગે છે પણ તે સારૂં ના કહેવાય.ચીંથરૂં હોય ત્યાં સુધી સિદ્ધિ કેમ મળે? જીવ એ સાધક છે.સેવા,સ્મરણ,યોગ વગેરે સાધન છે.પરમાત્મા સાધ્ય છે.કોઈને કોઈ સાધન તો કરવું જ પડે છે,સાધનો અનેક છે,જે અનુકૂળ આવે તે સાધન કરવું જોઈએ.લોકો માને છે કે ભક્તિમાર્ગ(સાધન) સહેલો છે,સવારમાં ભગવાનની પૂજા કરી એટલે બધું પતી ગયું,પછી આખા દિવસમાં તે ભગવાનને ભૂલી જાય છે,આ ભક્તિ નથી.ચોવીસ કલાક ઈશ્વરનું સ્મરણ રહે તે ભક્તિ છે.
ભક્તિમાં આનંદ છે,ક્યારેક ભક્તિમાં આનંદ આવતો નથી તો તેનું કારણ એ છે કે ભક્તિ બરાબર થતી નથી.માનવ ભક્તિ કરે છે પણ મોટે ભાગે ધનથી,શરીરથી ભક્તિ કરે છે પરંતુ મનથી ભક્તિ કરતો નથી.વાણી ભગવાનના નામનું ઉચ્ચારણ કરે છે પણ મન જો ભગવાનનું સ્મરણ ના કરે તો તેનો કોઈ અર્થ નથી.સેવામાં ક્રિયા એ મુખ્ય નથી,ભાવ એ મુખ્ય છે.ભાવથી ભક્તિ સફળ થાય છે.સર્વ વિષયોને મનમાંથી હટાવો તો જ સેવામાં આનંદ આવશે.
જીવ અને ઈશ્વરની મૈત્રી છે.અવિજ્ઞાત તે ઈશ્વર છે.ઈશ્વરને જીવ પ્રત્યે અપાર કરૂણા છે.જીવને ગુપ્ત રીતે હર પળે મદદ કરે છે તેથી મદદ આપનારો કોણ છે તે દેખાતું નથી.પરમાત્મા પવન,પાણી પ્રકાશ,બુદ્ધિ બધું જીવને આપે છે પછી કહે છે બેટા એક કામ તૂં કર અને એક કામ હું કરૂં.તારી અને મારી મૈત્રી છે.ધરતી ખેડવાનું કામ તારૂં,વરસાદ વરસાવવાનું કામ મારૂં.બીજ તારે રોપવાના અને એમાં અંકુર પ્રગટાવવાનું કામ મારૂં.બીજ ઉત્પન્ન થયા બાદ રક્ષણનું કામ તારૂં,પોષણનું કામ મારૂં.આ બધું કરવા છતાં હું સઘળું કરૂં છું તે જીવને ખબર પડવા દેતા નથી.પ્રભુની આ અવિજ્ઞાત લીલા છે,તે પછી ભગવાન કહે છે ખાવાનું કામ તારૂં અને પચાવવાનું કામ મારૂં,ખાધા પછી સુવાનું કામ તારૂં,જાગવાનું કામ મારૂં,ઈશ્વર સુત્રધાર છે તે સુતો નથી.નિદ્રામાં પણ આપણું રક્ષણ કરે છે.આપણે રેલગાડીમાં સારી જગ્યા મળે તો સુઈ જઈએ છીએ પણ એન્જીનનો ડ્રાઈવર સુઈ જાય તો? આ બધું પરમાત્મા કરે છે છતાં જીવ વિચાર કરતો નથી કે મને કોણ સુખ આપે છે? પ્રભુના જીવ પર કેટલા બધા ઉપકાર છે છતાં જીવ કૃતઘ્ન છે.જે મનુષ્ય આત્મા અને પરમાત્મા વચ્ચે થોડુંક ૫ણ અંતર કરે છે તે ભેદદર્શી માટે પરમાત્મા મૃત્યુરૂપે મહાન ભય ઉભો કરે છે તેથી તમામ પ્રાણીઓની ભીતર ઘર બનાવીને તે પ્રાણીઓના જ રૂ૫માં સ્થિત પરમાત્માનું યથાયોગ્ય દાન,આદર, મિત્રતાના વ્યવહાર વડે તથા સમદ્રષ્ટ્રિ દ્વારા પૂજન કરવું જોઇએ. જો આત્મા અને પરમાત્માનું મિલન થાય તો પરમાનંદ છે.
મનની શુદ્ધિ કરવા માટે કર્મની જરૂર છે એટલે કે મનને એકાગ્ર કરવા ‘ભક્તિ‘ (કર્મ)ની જરૂર છે અને સર્વમાં ઈશ્વરનો અનુભવ કરવા ‘જ્ઞાન‘ની જરૂર છે.જ્ઞાન-ભક્તિ અને વૈરાગ્ય..ત્રણે પરિપૂર્ણ થાય ત્યારે જીવ પરમાત્મા દર્શન કરી કૃતાર્થ થાય છે.
જપ કરવાથી અજ્ઞાનનું આવરણ દૂર થાય છે,મન શુદ્ધ થાય છે અને જીવન સુધરે છે.જપથી પૂર્વજન્મના પાપ બળે છે.જપનું ફળ તરત જોવામાં ના આવે તો માનવું કે હજુ પાપ બાકી છે તેનો નાશ થઇ રહ્યો છે.બ્રહ્માકાર મનોવૃત્તિથી માયાનું આવરણ દૂર થાય છે.પ્રભુને મળવું હોય પણ જો વાસનાનું આવરણ હોય તો તે મિલનમાં આનંદ આવતો નથી.આત્મા માયાવી શરીરના આવરણથી ઢંકાયેલો હોવાથી તેને જીવાત્મા કહે છે.જીવાત્મા મોહ-માયામાં ફસાયેલ હોવાથી અજ્ઞાનતાના લીધે પોતાને શરીર સમજી બેઠો છે.તે પોતાના જીવનના ઉદ્દેશ્યને જાણતો નથી કે પોતે પોતાને જાણતો નથી.જો તેને ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ સદગુરૂ-સંતની શરણાગતિ મળે અને બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થાય તો તે જન્મ-મરણના ચક્કરમાંથી મુક્ત થાય છે.સદગુરૂ એ શરીર નહી પરંતુ શરીરના માધ્યમથી પ્રાપ્ત જ્ઞાન એ ગુરૂ હોય છે.
મોહ અમારી આંખોની સામે એવું આવરણ લાવી દે છે કે જેના કારણે અમે વસ્તુના વાસ્તવિક સ્વરૂ૫ને જોઇ શકતા નથી.આ મોહ માયાની મુખ્ય શક્તિ છે.૫રમાત્માએ મોહનું સર્જન એક વિશેષ ઉદ્દેશ્યના માટે કર્યું છે.માયાનો સહારો લઇને જ ૫રમાત્મા સૃષ્ટિની રચના કરે છે તેને જ અવિદ્યા-માયા કહેવામાં આવે છે.જે સત્યની ઉ૫ર એવું આવરણ લાવી દે છે કે જેથી મનુષ્ય સત્યનું વાસ્તવિક સ્વરૂ૫ જોઇ શકતો નથી. માયાનું આ બીજું રૂ૫ મોહ છે તેના કારણે જ મનુષ્ય પોતાનું વાસ્તવિક સ્વરૂ૫ ભૂલી જાય છે.તે ભૂલી ગયો છે કે તે દેહ નથી ૫રંતુ પરમાત્માનો સનાતન અંશ આત્મા છે.ભ્રમવશ તે દેહને જ પોતાનું વાસ્તવિક સ્વરૂ૫ માનીને અનેક પ્રકારના કષ્ટ ભોગવે છે.જીવ ઇશ્વરનું સ્વરૂપ છે,શરીરના આવરણના લીધે ચૈતન્ય ગુપ્ત છે.જે સર્વમાં પરમાત્માના દર્શન કરી શકતો નથી તેને પરમાત્માના દર્શન થવાના નથી.જીવનનું મૂળભૂત મહત્વનું ધ્યેય પરમાત્માની પ્રાપ્તિનું છે.આ પરમાત્માની પ્રાપ્તિ થાય કેવી રીતે? અહંતા-મમતા,મોહ વગેરે અવિદ્યા-માયાના આવરણથી પરમાત્માનું સ્વરૂપ ઢંકાયેલું છે.અવિદ્યાના અતિગાઢ આવરણને દૂર કરવા માટે પરમાત્માની પ્રેમપૂર્ણ પ્રાર્થના સિવાય બીજો માર્ગ જ નથી.
જેવી રીતે જળનું બિન્દું સમુદ્રમાં ભળી ગયા ૫છી ફરીથી સમુદ્રથી અલગ થઇ શકતું નથી એવી જ રીતે ૫રમાત્માનો અંશ (જીવાત્મા) ૫રમાત્માને પ્રાપ્ત થયા ૫છી ફરીથી ૫રમાત્માથી અલગ થઇ શકતો નથી એટલે કે ફરીથી પાછો વળીને સંસારમાં આવતો નથી.ઉંચ-નીચ યોનિઓમાં જન્મ લેવાનું કારણ પ્રકૃતિ અથવા તેના કાર્ય ગુણોનો સંગ જ છે.નારિયેરમાં કાચલી અને કોપરૂં જુદાં છે છતાં જ્યાં સુધી નારિયેરમાં પાણી છે ત્યાં સુધી કાચલી કોપરાને છોડતી નથી.શરીર એ કાચલી છે,શરીરમાં રહેલ જીવાત્મા એ કોપરા જેવો છે અને પાણી એ વિષયરસ છે.જ્યાં સુધી વિષયરસ છે,આસક્તિ છે ત્યાં સુધી આત્મા શરીરથી છુટો પડતો નથી.છુટો પડવો કઠણ છે.જેનો વિષયરસ તપ-ભક્તિ અને જ્ઞાનની મદદથી સુકાઈ જાય તે જ આત્માને શરીરથી છુટો પાડી શકે છે.ખરો આનંદ શરીરમાં નથી.શરીર ચૂંથે આનંદ આવવાનો નથી.શરીરનું સુખ એ સાચું સુખ નથી,સાચો આનંદ નથી.શરીરનું સુખ એ મારૂં સુખ છે એમ જે માને છે તે અજ્ઞાની છે. આત્મા માયાવી શરીરના આવરણથી ઢંકાયેલો હોવાથી તેને જીવાત્મા કહે છે.જીવાત્મા મોહ-માયામાં ફસાયેલ હોવાથી અજ્ઞાનતાના લીધે પોતાને શરીર સમજી બેઠો છે.તે પોતાના જીવનના ઉદ્દેશ્યને જાણતો નથી કે પોતે પોતાને જાણતો નથી.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)

