Britain,તા.25
ભારત અને બ્રિટન દ્વારા હાલમાં જ ફ્રી ટ્રેડ ડીલ એટલે કે મુક્ત વેપાર કરાર સાઇન કરવામાં આવ્યો છે. એમાં એક નવો અને મહત્ત્વનો નિયમ છે જે સોર્સ કોડ પ્રોટેક્શન છે. આ સાંભળવામાં થોડું સામાન્ય અથવા તો ટેક્નિકલ લાગી શકે, પરંતુ ભારતની ટેક ઇન્ડસ્ટ્રી માટે આ ખૂબ જ મોટી જીત છે. આ કરારને કારણે હવે ભારતની સોફ્ટવેર કંપનીઓ અને AI સ્ટાર્ટઅપને ખૂબ જ મોટી દિશા મળી શકે છે.
સોર્સ કોડ પ્રોટેક્શન શું છે?
કોઈ પણ સોફ્ટવેર અથવા તો એપ્લિકેશનમાં સોર્સ કોડ એક દિમાગનું કામ કરે છે. કોઈ પણ પ્રોગ્રામ બનાવવા માટે ડેવલપર્સ દ્વારા પહેલાં ચોક્કસ નિયમો બનાવવામાં આવ્યા હોય છે. ઉદાહરણ તરીકે, એક વાનગી બનાવવાની છે તો જરૂરિયાતની સામગ્રી કઈ અને કેટલા પ્રમાણમાં ઉપયોગ કરવી અને કેવી રીતે બનાવવી એ તમામ બાબતોને સોર્સ કોડ કહેવામાં આવે છે. કોઈ પણ ફૂડ ફ્રેન્ચાઇઝી અથવા તો આઉટલેટ તેમની ડિશ કેવી રીતે બનાવવી એ અન્ય વ્યક્તિને નથી કહેતાં. કોકા-કોલા કેવી રીતે બનાવવામાં આવે છે એ આજ સુધી ઘણા ઓછા લોકોને ખબર હશે અને જેમને ખબર હશે એ કંપનીમાં મોટા હોદ્દા પર હશે. આથી સોર્સ કોડ પ્રોટેક્શન એટલે કે ભારતની કોઈ પણ કંપની હવે તેમના સોફ્ટવેરના સોર્સ કોડ અથવા તો એલ્ગોરિધમને બ્રિટનની સરકારને આપવાની જરૂર નહીં પડે. તેઓ જ્યારે સોફ્ટવેરને એક્સપોર્ટ કરી રહ્યાં હોય ત્યારે પોતાની સ્કિલ અને આવડતને સિક્રેટ રાખી શકે છે જેથી કોઈ તેમના જેવું કામ ન કરી શકે. આથી ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી (IP)ને પ્રોટેક્ટ કરવા માટે આ ખૂબ જ મહત્ત્વનો નિયમ છે.રેગ્યુલેશનમાં સરળતા રહે એ માટે ભારત પહેલાં આ પ્રકારના નિયમોનો ટ્રેડ ડીલમાં સમાવેશ કરતું નહીં. જોકે હવે AI અને ડિજિટલ સર્વિસ ખૂબ જ જોરથી વિકસિત થઈ રહી છે એથી ભારત પણ હવે આ નિયમો પર ધ્યાન આપી રહ્યું છે. ભારતના સોફ્ટવેર અને આઇડિયાને સુરક્ષિત રાખવા જરૂરી છે અને એથી જ આ પ્રકારના નિયમનો હવે સમાવેશ કરવામાં આવી રહ્યો છે. AI, બ્લોકચેન અને ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ જેવી દરેક ટેક્નોલોજીમાં આ નિયમ ખૂબ જ મદદરૂપ થશે. એના કારણે આ સર્વિસનો દુરુપયોગ ન કરવામાં આવે એનું પણ ધ્યાન રાખવામાં આવશે અને તેને અટકાવી પણ શકાશે.
ભારતીય કંપનીઓ યુનિક સોફ્ટવેર અને AIની મદદથી એપ બનાવવા પાછળ ઘણો સમય કાઢી રહ્યાં છે. આ ડીલની મદદથી તેમની મહેનતને સુરક્ષિત રાખી શકાશે. તેમ જ એને કોપી કરવું હવે નહીંવત છે અને તેનો દુરુપયોગ પણ નહીં કરી શકાય.
IP પ્રોટેક્શન હવે મળતું હોવાથી ભારતીય કંપની હવે બ્રિટનમાં ખૂબ જ સારો બિઝનેસ કરી શકશે. તેઓ ખૂબ જ આત્મવિશ્વાસ સાથે તેમના સોફ્ટવેરને વેચી શકશે. તેમ જ બ્રિટન અને ભારત વચ્ચેનો વિશ્વાસ પણ વધુ જોવા મળશે. પરિણામે બિઝનેસ માટેની ઘણી તક ઊભી થશે.