પ્રભુના દ્વાર સર્વના માટે ખુલ્લા છે પરંતુ પ્રભુના દર્શન કરવા ખાલી હાથે ન જવાય.સુદામાના પત્ની સુશીલા કહે છે કે પણ તમે ત્યાં પ્રત્યક્ષ દર્શન કરવા માટે જાવ.કોઈના દ્વારે જવાનું નહિ તેવી તમારી પ્રતિજ્ઞા છે.કોઈના દ્વારે જવાનું નહિ એટલે કોઈ જીવના દ્વારે જવાનું નહિ પણ આ તો ઈશ્વર છે.પરમાત્માના દ્વારે જવામાં સંકોચ ન રાખવો જોઈએ.પ્રભુના દ્વાર સર્વના માટે ખુલ્લા છે.પરમાત્માને દ્વારે જવું છે તો સંકોચ શા માટે રાખો છો? કનૈયો તમને મળશે,આલિંગન આપશે.તમારા મિત્રને તમે મળવા જાવ.
સુદામા જ્ઞાની તપસ્વી બ્રાહ્મણ હતા એ તો જ્યાં બેસે ત્યાં દ્વારકાનાથનાં દર્શન કરે છે પણ પત્નીના આગ્રહથી દ્વારકા જવા તૈયાર થયા.સુદામા વિચારે છે આજ દિન સુધી મારી પત્નીએ મને કાંઈ કહ્યું નથી. આજે હું તેનું અપમાન કરૂં તે ઠીક નથી એટલે સુદામા કહે છે કે કલ્યાણી ! મિત્રને મળવા જવા તૈયાર છું પરંતુ ભગવાનનાં દર્શન કરવા ખાલી હાથે ન જવાય.કાંઈ ભેટ લઈ જવી જોઈએ ઘરમાં કાંઈક હોય તો આપો કે જેથી કનૈયાને ભેટ આપી શકું.
ગરીબ હતા ઘરમાં કઈ ન હતું.સુશીલા પડોશીના ઘેર ગઈ છે.બે મુઠ્ઠી પૌવા મળ્યા છે.પૌવા માંગી લાવી એક ફાટેલા ચીંથરામાં તે બાંધ્યા.પૌવા બાંધવા કટકો પણ ન મળ્યો એટલે બે ચાર ચીંથરા ભેગા કરી સઘળા પૌવાની પોટલી બાંધી છે.ધન્ય છે સુશીલાને કે એક પણ પૌવાનો દાણો તેણે બાળકો માટે ઘરમાં રાખ્યો નથી,ભગવાનને માટે જે લાવી છું તે સર્વસ્વ ઠાકોરજીને અર્પણ કરવું છે.તે નાની પોટલી સુશીલાએ પતિદેવ સમક્ષ મૂકી છે અને કહ્યું કે આ ભેટ દ્વારકાનાથને અર્પણ કરજો.તમને આવી ભેટ આપતા સંકોચ થાય તો તમે દ્વારકાધીશ ને મારૂં નામ દઈને કહેજો કે તમારી ભાભી એ આ ભેટ મોકલી છે.
પત્નીના કહેવાથી અને શ્રીકૃષ્ણનાં દર્શન થશે એમ વિચારી સુદામા દ્વારકા જવા નીકળ્યા છે.ફાટેલી પોતડી પહેરી છે,હાથમાં લાકડી અને બગલમાં પોટલી દબાવી છે.સુશીલા વિચારે છે કે આજે મેં મારા પતિદેવને બહુ ત્રાસ આપ્યો છે તેઓ કેટલાય દિવસથી ભૂખ્યા છે,તેઓ કેમ ચાલી શકશે? તેઓનું શું થશે? મેં ભૂલ કરી છે એમની જવા માટે ઈચ્છા ન હતી પણ મેં પરાણે મોકલ્યા પણ શું કરું? આ બાળકો બહુ ત્રાસ આપે છે.તેઓની દશા મારાથી જોવાતી નથી.સુશીલાએ સૂર્યનારાયણની પ્રાર્થના કરી છે.‘મારા પતિ કોઈના દ્વારે ગયા નથી.તે આજે જાય છે હે સૂર્યનારાયણ ! મારા પતિ પંદર દિવસથી ભૂખ્યા છે.મારા પતિદેવની સાથે રહેજો.મારા પતિદેવનું રક્ષણ કરજો.હું ગરીબ બ્રાહ્મણી તમને શું આપું? હું તમને વંદન કરૂં છું.
પોષ સુદ સપ્તમીને દિવસે સુદામા દ્વારકાનાથને મળવા ગયા છે.બહુ ઠંડી પડી છે.શરીર થરથર કંપે છે સુદામા પંદર દિવસથી ભૂખ્યા છે.ભૂખને લઈને શરીર દુર્બળ થયું હતું.શરીર અશક્ત હતું.બે માઈલ ચાલીને સુદામા થાકી ગયા સુદામા રસ્તામાં વિચાર કરતા જાય છે.મને દ્વારકા નાથના દર્શન થશે કે નહિ? દ્વારકા પહોંચીશ કે નહિ? એમ વિચારતા સુદામાને રસ્તામાં ચક્કર આવે છે.મૂર્છા આવી છે.આ બાજુ દ્વારકાનાથને ખબર પડી કે મારો સુદામો મને મળવા આવે છે.તપસ્વી બ્રાહ્મણ તપશ્ચર્યા છોડી મારા ઘરે આવે છે.આવો તપસ્વી બ્રાહ્મણ કોઈના આંગણે જાય નહિ તે મારા આંગણે આવે છે તો મારો ગૃહસ્થનો ધર્મ છે કે મારે તેનું સ્વાગત કરવું જોઇએ.તે ચાલતો આવે તે ઠીક નથી.ભગવાનને ચિંતા થઈ કે દુર્બળ અને અશક્ત દેહે તે દ્વારકા કેમ પહોંચશે? ભગવાને ગરૂડને આજ્ઞા કરી કે સુદામાને ઉઠાવીને દ્વારકામાં મૂકી દે. ગરૂડ તે પ્રમાણે સુદામાને દ્વારકા લાવે છે.સુદામા મૂર્છામાંથી જાગે છે.લોકોને પૂછે છે કે આ ગામનું નામ શું? લોકોએ જવાબ આપ્યો કે દ્વારકા. શું આ દ્વારકા છે? તો તો દ્વારકા બહુ દૂર નથી. હું સવારે નીકળેલો તે અત્યારે દ્વારકા પહોંચી ગયો.
સુદામાને ખબર નથી કે ગરૂડજી તેમને ઊંચકીને લાવ્યા છે.ભગવાન માટે વીશ ડગલા ચાલશો તો ભગવાન તમારા માટે વીશ ગાઉ ચાલશે.સુદામા લોકોને પૂછે છે કે મને દ્વારકાનાથનો મહેલ કોઈ બતાવશો? મારે દ્વારકાનાથને મળવું છે.લોકો પૂછે છે કે તમારે શા માટે મળવું છે? સુદામા કહે છે કે શ્રીકૃષ્ણ મારા મિત્ર છે.લોકો હસે છે,લોકોને આશ્ચર્ય થાય છે કે ફાટેલી પોતડી પહેરી છે શરીરના હાડકાં દેખાય છે અને કહે છે કે હું દ્વારકા નાથનો મિત્ર છું.શ્રી કૃષ્ણને શું બીજો કોઈ ન મળ્યો કે આ દરિદ્રને મિત્ર બનાવ્યો.
સુદામા ભગવતસ્મરણ કરતા શ્રીકૃષ્ણના મહેલ પાસે આવે છે. આ કોઈ ભિખારી માંગવા માટે આવ્યો છે એમ જાણી સિપાઈઓ સુદામાને મહેલમાં દાખલ થતાં અટકાવે છે. સિપાઈઓ કહેવા લાગ્યા કે મહેલની અંદર જવાની મનાઈ છે.તમારે જે દક્ષિણા જોઈએ તે અમારી પાસે માંગી લો અમને હુકમ છે કે જે કોઈ ભિક્ષા માંગવા આવે તેને જે જોઈએ તે દક્ષિણા આપવી. આપ આજ્ઞા કરો આપની શું સેવા કરીએ? સુદામા દ્વારપાળોને કહે છે કે હું દ્વારકાનાથ પાસે માંગવા આવ્યો નથી. હું તો દ્વારકાનાથને આપવા આવ્યો છું. હું તો મારા મિત્રને મળવા આવ્યો છું. મારે તો દ્વારકા નાથને મળવું છે.
પોતાના અશ્રુઓના જળથી ભગવાને સુદામાનાં ચરણ પખાળીયાં છે.વિશુદ્ધ પ્રેમમાં લેવાની ભાવના થતી નથી. આપવાની ભાવના થાય છે.મારા શ્રીકૃષ્ણને મારે અર્પણ કરવું છે.દ્વારપાળો હસે છે આ દરિદ્ર નારાયણને શું કોઈ પણ વસ્તુની અપેક્ષા નથી? સુદામા કહે છે કે તમે કૃષ્ણને જઈને ખબર આપો.તમારો બાળમિત્ર સુદામા તમને મળવા આવ્યો છે.સેવક મહેલમાં આવ્યો અને શ્રીકૃષ્ણને વંદન કરી બોલ્યો કે મહારાજ બહાર એક બ્રાહ્મણ આવ્યો છે,શરીર બહુ દુર્બળ છે,આંખો ઊંડી ઉતરી ગઈ છે,શરીરના હાડકાં દેખાય છે,એક ફાટેલી પોતડી પહેરી છે.શરીરે દુર્બળ છે પણ મુખ ઉપર દિવ્ય તેજ છે. અમે તેને કાંઈ આપીએ છીએ પણ તે લેતો નથી અને કહે છે કે મારે સરકારનાં દર્શન કરવા છે. કહે છે કે હું સરકારનો મિત્ર છું.મારૂં નામ સુદામા છે.
ત્રણ અક્ષર સુદામા ભગવાનને કાને પડ્યા ભગવાન પલંગ ઉપરથી કુદ્યા છે, ભગવાન દોડયા છે. સુદામા વિચાર કરતા હતા હું તપસ્વી હતો પણ મારા મનમાં અભિમાન હતું કે હું કોઈના ઘેર ન જાઉં. સુશીલાના સત્સંગથી મારૂં તે અભિમાન ગયું છે.સુદામાની પોતડી ફાટેલી પણ હૃદય ભોળું હતું. સુદામાના કપડાં મેલા છે પણ કાળજુ અતિશુદ્ધ છે.સુદામાનું હૃદય અતિ શુદ્ધ છે.ભગવાન કોઈના કપડાં જોતાં નથી. હૃદય જુવે છે. જીવ જીવપણું છોડે છે,જીવ જીવપણું ભૂલી જાય છે તો ઈશ્વર ઈશ્વરપણું છોડે છે.ઈશ્વરપણું ભૂલી જાય છે.
પ્રભુ દોડતા સુદામાને મળવા આવ્યા છે.ભગવાન બુમ પાડે છે.ક્યાં છે? ક્યાં છે? મારો સુદામા ક્યાં છે? રાણીઓને આશ્ચર્ય થયું છે ઘણા મળવા આવી ગયા પણ આવા પાગલ કોઈ દિવસ થયા નથી શ્રીકૃષ્ણ સુદામાને ભેટી પડે છે. સુદામાની દશા જોઈ શ્રીકૃષ્ણને અતિશય દુઃખ થયું.મારા આવા મિત્રની ખબર લેવા તો મારે જવું જોઈતું હતું. ઉલટો તે મારે ઘેર આવ્યો. મિત્ર ! તું આવ્યો તે સારૂં થયું સુદામાને થયું કે મને કનૈયાએ યાદ રાખ્યો છે. સંપત્તિમાં શાન-બાન ભૂલે એ ઈશ્વર નહીં. એ ઈશ્વર શાનો? રૂક્ષ્મણી ચરણ ધોવા જળ લાવે તે પહેલાં આંખના આંસુઓથી ચરણ પખાળે છે, પ્રેમની પરાકાષ્ઠા બતાવવા નરોત્તમ કવિએ કહ્યું છે કે ચરણ ધોવા માટે બીજું જળ લાવ્યા નથી પરંતુ પોતાના અશ્રુઓના જળથી ભગવાને સુદામાંના ચરણ પખાળ્યા છે.
સુદામા તપસ્વી બ્રાહ્મણ હતા,પગમાં જોડા પહેરે નહીં તેથી અનેક કાંટા વાગેલા હતાં.ભગવાન સુદામાના પગના કાંટાઓ કાઢે છે.એક કાંટો વધારે ઊંડો પેસી ગયેલો હતો.કાંટો છે સુદામાના પગમાં પણ ખૂંચે છે. શ્રીકૃષ્ણના હૈયામાં..ભગવાને રૂક્ષ્મણીને કહ્યું દેવી ! કાંટો કાઢવા માટે સોય લાવો સોય લાવતા વાર થઈ, શ્રીકૃષ્ણે પોતાના દાંતો વડે કાંટો કાઢવા લાગ્યા.સુદામા કહેવા લાગ્યા મિત્ર ! તું આ શું કરે છે ! આ રાણીઓ જોશે તો તેમને ક્ષોભ થશે રાજાધિરાજ થઈ તું આમ કાંટો કાઢે તે યોગ્ય નથી. કૃષ્ણે કહ્યું મિત્ર તું શું બોલે છે? હું તો તારો સેવક છું.તારો કનૈયો સંપત્તિમાં શાન-ભાન ભૂલ્યો નથી ભગવાને દાંતો વડે કાંટો કાઢ્યો છે.
આજે શ્રીકૃષ્ણ ભૂલી ગયા છે કે હું દ્વારકાનો રાજા છું, હું ઈશ્વર છું સુદામાના મનમાં એક કાંટો હતો કે હું ગરીબ છું પણ સુદામા નિષ્પાપ હતા તેથી ભગવાને તેનો કાંટો દાંતો વડે કાઢ્યો છે.ગરીબ થવું એ ગુન્હો નથી પણ ગરીબીમાં ભગવાનને ભુલી જવા એ ગુન્હો છે એ પાપ છે. સ્નાન થયું.શ્રીકૃષ્ણ સુદામાને નવું પીતાંબર પહેરવા આપે છે.ભોજન થયું તે પછી ભગવાન સુદામાને પલંગ ઉપર બેસાડે છે અને પૂછે છે કે મિત્ર રસ્તામાં તને બહુ કષ્ટ પડયું હશે. મિત્ર ! સાચું કહું તો હું તો સંસારથી કંટાળી ગયો છું. આપણે ગુરૂકુળમાં હતા તે વખતે જે આનંદ મળતો હતો તેવો આનંદ હવે નથી મળતો.
પ્રવૃત્તિધર્મ એવો છે કે તેમાં વિકાર-લોભ વગેરે આવે છે.ભગવાન હવે નિવૃત્તિ લેવા માંગે છે તેથી સુદામા સાથે આ પ્રમાણે બોલે છે. મિત્ર ! નાનપણથી તને રમવાની ટેવ નથી. હું તને પરાણે રમવા લઈ જતો હતો. મિત્ર..તને યાદ છે કે એક દિવસ આપણે દર્ભ સમિધ લેવા ગયા હતા તે દિવસે વરસાદ પડેલો, આપણે આખી રાત એક ઝાડ ઉપર ઊભા રહ્યા હતા.તે દિવસે બનેલું એવું કે સુદામા પાસે થોડા ચણા હતા. તે સુદામા ખાતા હતા.ખાવાનો અવાજ સાંભળી શ્રીકૃષ્ણે પૂછ્યું કે મિત્ર તું શું ખાય છે? સુદામાએ વિચાર્યું, ચણા ખાઉં છું એમ કહીશ તો થોડા આપવા પડશે એટલે કહ્યું હું કાંઈ ખાતો નથી. આ તો ઠંડીના લીધે દાંત કડકડ થાય છે.
સુદામા ખોટું બોલ્યા.જે એકલો ખાય છે તે દરિદ્રી થાય છે.સુદામા દરિદ્રી થયેલા.શ્રીકૃષ્ણ જાતે સુદામાની ચરણસેવા કરે છે.રૂક્ષ્મણી વગેરે રાણીઓ આશ્ચર્યમાં પડી જાય છે કે આવો પ્રેમ તો પતિદેવે બીજા કોઈ ઉપર બતાવ્યો નથી.બ્રાહ્મણ “મહા ભાગ્યશાળી” છે.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)