સ્થૂલશિરા ઋષિના શ્રાપથી વિશ્વાવસુ નામનો ગંધર્વ કબંધ નામનો રાક્ષસ બને છે.
હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં અનેક વરદાન અને શ્રાપોનું વર્ણન જોવા મળે છે.આ શ્રાપ અને વરદાનોની પાછળ કોઇને કોઇ વાર્તા અને કારણ હોય છે.આ શ્રાપ અછળ ભવિષ્યમાં ઘટનાર ઘટના કારણભૂત હોય છે.નિરાકાર પ્રભુ પરમાત્માને સંતપ્રેમ આકાર આપે છે.નિર્ગુણ-નિરાકાર પરમાત્મા સંતો-ભક્તો માટે સગુણ-સાકાર બને છે,પરમાત્મા ધરતી ઉપર નિરાકારમાંથી સાકાર થાય છે.
જટાયુને જલાંજલી આપ્યા બાદ સીતા-શોધ માટે શ્રીરામ-લક્ષ્મણ પશ્ચિમ દિશા તરફ આગળ વધે છે અને એવા વનમાં જઇ પહોંચે છે જ્યાં લોકોની અવર-જવર બિલ્કુલ ઓછી છે એવા ક્રૌંચ નામના ગાઢ જંગલને પસાર કરી મતંગઋષિના આશ્રમ નજીક પહોંચે છે.અહીનું વન ઘણું જ ભયંકર હતું.ઘણા ભયાનક પશુ અને પક્ષીઓ અહી નિવાસ કરે છે.દશરથનંદને ત્યાં એક વિશાળ પાતાળ સમાન ઉંડી અને જેમાં અંધકાર છવાયેલો છે તેવી ગુફા જોઇ.નજીક ગયા તો તેમને એક વિશાળકાય રાક્ષસી જોઇ.જેનું મુખ ઘણું વિકરાળ હતું.તેની સૂરત ઘૃણા થાય તેવી હતી.તે ભયાનક પશુઓને પકડીને ખાઇ જતી હતી.તેનું નામ અયોમુખી હતું અને તે કુંવારી હતી.આહાર વગેરેથી પૂર્ણ સુખી હોવા છતાં તે પરણી ન હોવાથી કામભૂખી રહેતી હતી.આ વનમાં પુરૂષો જ નહોતા.કામભૂખ્યા પુરૂષો કરતાં કામભૂખી સ્ત્રી વધુ વિહ્વળ અને ભયંકર હોય છે.ભલે પુરૂષો કુંવારા રહી જાય,બહુ વાંધો નહી આવે પણ જો સ્ત્રીઓ કુંવારી-ત્યક્તા કે વિધવાઓ રહી જશે તો સમાજ મર્યાદાહીન થઇ જશે.સ્ત્રીઓ તો પુરૂષો સાથે જ સારી.પુરૂષોની સરખામણીએ આઠગણો વધુ કામ આવેશ તેમને સતાવતો હોય છે.અયોમુખી હજું ઠેકાણે પડી નથી.પુરૂષ વિનાનું તેનું એકાંકી જીવન ઉત્પાત મચાવી રહ્યું છે.કેટલાય સમયથી તે કોઇ પુરૂષની પ્રતિક્ષા કરી રહી હતી,તેવામાં આજે શ્રીરામ-લક્ષ્મણ તેની નજરે ચઢ ગયા.હવે ધીરજ ક્યાં રહે?
અયોમુખીએ ગુફા નજીક શ્રીરામ-લક્ષ્મણને જોતાં જ લક્ષ્મણજીને કેડમાંથી મજબૂતાઇથી પકડીને ચાલતી થાય છે અને કહે છે કે તૂં મને બહુ ગમે છે તો ચાલો આપણે રમણ કરીએ.તૂં નસીબદાર છે કે હું તને પત્નીના રૂપમાં મળી ગઇ છું.અયોમુખીનાં આવાં વચનો સાંભળીને તેની નજર ચુકાવી તલવાર કાઢી લક્ષ્મણીએ તેનાં નાક-કાન અને સ્તન કાપી નાખ્યાં.અંગો કપાઇ જવાથી લોહીલુહાણ થયેલી અયોમુખી લક્ષ્મણને પછાળી ભયંકર ચીસો પાડતી જ્યાંથી આવી હતી ત્યાં ચાલી જાય છે.પુરૂષથી છુટવા કરતાં પણ સ્ત્રીની પકડમાંથી છુટવું અતિકઠિન હોય છે.અયોમુખીના ગયા પછી બંન્ને ભાઇઓ ઝડપથી ચાલી એક ગાઢ જંગલમાં આવી જાય છે ત્યાં ફરી પાછી એક વિપત્તિ આવી ગઇ.આ વનમાં કબંધ નામનો રાક્ષસ રહેતો હતો તેને મસ્તક કે ગળું નહોતું ફક્ત કબંધ(ધડમાત્ર) હતું અને તેના પેટમાં જ મુખ બનેલું હતું.તેની આકૃતિ ઘણી ભયંકર હતી.તેની છાતીમાં જ લલાટ અને લલાટમાં લાંબી-પહોળી આગની જ્વાળાઓ સમાન ભયંકર આંખ હતી.અત્યંત ભયંકર રીંછ,વાઘ,સિંહ,હિંસક પ્રાણીઓ અને પક્ષીઓ તેનો આહાર હતાં.તે પોતાની એક-એક યોજન લાંબી ભૂજાઓથી પ્રાણીઓને પકડીને ખેંચી લેતો હતો.
શ્રીરામ-લક્ષ્મણને જોતાં જ કબંધ એકદમ ઘસી આવ્યો અને તેણે બંન્ને ભાઇઓને પકડી લીધા અને કહે છે કે તમે બંન્ને કોન છો? તમે ધનુષ્ય-બાણ અને તલવાર ધારણ કરેલ છે.તમે આ ભયંકર વનમાં કેમ આવ્યા છો? હવે તમે બંન્ને મારો આહાર બનવાના છો.તે સમયે લક્ષ્મણજીએ શ્રીરામને કહ્યું કે આ નીચ રાક્ષસ આપણને પોતાના મુખમાં લઇ લે ત્યાર પહેલાં તલવારથી તેની લાંબી ભુજાઓને કાપી નાખીએ.આ મહાકાય રાક્ષસની ભુજાઓમાં જ તેનું બળ છે.તેમની વાતો સાંભળીને કબંધને ઘણો ક્રોધ આવે છે અને પોતાનું મુખ પહોળું કરી શ્રીરામ-લક્ષ્મણને ખાઇ જવા માટે તૈયાર થાય છે.તે સમયે દેશ-કાળનું જ્ઞાન રાખનાર બંન્ને ભાઇઓએ કબંધની બંન્ને ભુજાઓ કાપી નાખી.બંન્ને હાથ કપાઇ જતાં તે મહાબાહુ રાક્ષસ ભયંકર મેઘ સમાન ગર્જના કરી ધરતી ઉપર પડે છે.પોતાના બંન્ને હાથ કપાઇ જતાં લોહીથી લથપથ દાનવ દીનવાણીમાં પુછે છે કે વીરો ! આપ કોન છો? ત્યારે લક્ષ્મણ કહે છે કે આ ઇક્ષ્વાકુવંશી મહારાજ દશરથના પૂત્ર શ્રીરામ છે અને હું તેમનો નાનોભાઇ લક્ષ્મણ છું.માતા કૈકયી દ્વારા તેમનો રાજ્યાભિષેક રોકી દેતાં પિતાની આજ્ઞાથી ચૌદ વર્ષના વનવાસમાં આવ્યા છીએ.આ નિર્જન વનમાં રહેતાં શ્રીરઘુનાથજીનાં પત્ની સીતાજીનું કોઇ રાક્ષસ હરણ કરી ગયેલ છે અને તેમને શોધવા અમે અહીયાં આવ્યા છીએ.
લક્ષ્મણજી પૂછે છે કે તમે કોન છો? અને કબંધ સમાન રૂપ ધારણ કરીને વનમાં પડ્યા છો? અને તમારા શરીરની આવી દુર્દશા કેમ થઇ છે? આવું લક્ષ્મણ પુછતાં કબંધને ઇન્દ્રે કહેલી વાત યાદ આવે છે એટલે પ્રસન્નતાથી લક્ષ્મણને જવાબ આપતાં કહે છે કે આપ બંન્નેનું સ્વાગત છે.ઘણા ભાગ્યથી આપ બંન્નેનાં દર્શન થયાં છે.મારી આ બંન્ને ભુજાઓ મારા બંધનનું કારણ હતી.સૌભાગ્યની વાત છે કે આપ લોકોએ તેને કાપી નાખી.હે નરશ્રેષ્ઠ શ્રીરામ ! મને જે આ કુરૂપ પ્રાપ્ત થયું છે તે મારી ઉદ્દંડતાનું ફળ છે.આ બધું કેવી રીતે બન્યું તે હું વિગતવાર કહીશ.પહેલાંના સમયમાં મારૂં રૂપ મહાન બળ-પરાક્રમથી સંપન્ન,અચિન્ત્ય અને ત્રણે લોકમાં વિખ્યાત વિશ્વાવસુ નામનો ગંધર્વ હતો.સૂર્ય-ચંદ્રમા અને ઇન્દ્ર મારૂં શરીર તેજસ્વી હતું.હું લોકોને ડરાવવા માટે ભયંકર રાક્ષસનું રૂપ ધારણ કરીને અહી-તહીં ફરતો રહેતો અને વનમાં રહેવાવાળા ઋષિઓને બિવડાવતો હતો.મારા આવા વ્યવહારથી એક દિવસ સ્થૂલશિરા નામના ઋષિને કોપિત કર્યા,તેઓ વનમાંથી વિવિધ પ્રકારના ફળ-ફુલ ભેગાં કરી રહ્યા હતા તે મેં રાક્ષસનું રૂપ ધારણ કરીને બિવડાવ્યા.મને આવા વિકટ રૂપમાં જોઇ સ્થૂલશિરા ઋષિએ ઘોર શ્રાપ આપતાં કહ્યું કે દુરાત્મા ! આજથી કાયમના માટે તારૂં આ ક્રૂર અને નિંદિત રૂપ રહેશે.આ સાંભળીનેમેં કોપાયમાન સ્થૂલશિરા ઋષિને પ્રાર્થના કરી કે ભગવન ! આ અભિશાપ (તિરસ્કાર) જનિત શ્રાપનો અંત ક્યારે આવશે? ત્યારે ઋષિએ કહ્યું કે જ્યારે શ્રીરામ અને લક્ષ્મણ તારી બંન્ને ભુજાઓને કાપીને તને નિર્જન વનમાં સળગાવશે ત્યારે તૂં પુનઃ તારા પરમ ઉત્તમ સુંદર અને શોભાસંપન્ન મૂળ ગંધર્વ સ્વરૂપને પ્રાપ્ત કરીશ.
મારૂં જે આ રૂપ છે તે સમરાંગણમાં ઇન્દ્રના ક્રોધના કારણે પ્રાપ્ત થયેલ છે.પૂર્વકાળમાં હું રાક્ષસ હોવા છતાં તપ કરી બ્રહ્માજીને પ્રસન્ન કર્યા અને તેમને મને દીર્ધજીવી હોવાનું વરદાન આપ્યું હતું એનાથી મારી બુદ્ધિમાં એ ભ્રમ અને અહંકાર થઇ ગયો કે મને દીર્ધજીવી હોવાનું વરદાન મળ્યું છે તો ઇન્દ્ર મારૂં શું બગાડી શકશે? આવું વિચારી એક દિવસ મેં યુદ્ધમાં દેવરાજ ઇન્દ્ર ઉપર આક્રમણ કરી દીધું.તે સમયે ઇન્દ્રે મારી ઉપર વજ્રથી પ્રહાર કર્યો જેનાથી મારી જાંઘ અને મસ્તક મારા પેટમાં ઘુસી ગયાં.મેં ઘણી પ્રાર્થના કરી એટલે ઇન્દ્રે મને યમલોક ના પહોચાડ્યો અને કહ્યું કે પિતામહ બ્રહ્માજીના વરદાનના કારણે તને જીવતદાન મળે છે.ત્યારે મેં દેવરાજ ઇન્દ્રને કહ્યું કે તમારા વજ્રના પ્રહારથી મારી જાંઘ-મસ્તક અને મુખ મારા પેટમાં ઘુસી ગયાં છે તો હું ખોરાક કેવી રીતે ગ્રહણ કરીશ? અને નિરાહાર રહીને કેવી રીતે લાંબુ આયુષ્ય ભોગવીશ? મારા આમ કહેવાથી ઇન્દ્રે મારી ભુજાઓને એક-એક યોજન સુધી લાંબી બનાવી દીધી અને તત્કાલ તિક્ષ્ણ દાઢોવાળુ મુખ મારા પેટમાં બનાવી દીધું.આમ હું વિશાળ ભૂજાઓ દ્વારા વન્ય પશુઓનો શિકાર કરીને ખાધા કરૂં છું.ઇન્દ્રે મને કહ્યું હતું કે જ્યારે શ્રીરામ-લક્ષ્મણ તારી ભૂજાઓ કાપશે ત્યારે તૂં પુનઃ તારા પરમ,ઉત્તમ,સુંદર અને શોભાસંપન્ન મૂળ ગંધર્વ સ્વરૂપને પ્રાપ્ત કરી સ્વર્ગમાં આવીશ. હે રામ ! હું આપના સિવાય અન્ય કોઇના હાથે મરી શકું તેમ નહોતો.
હે રામ ! આપ બંન્ને ભાઇઓ જ્યારે મારા દાહ-સંસ્કાર કરશો ત્યાર પછી હું આપને બૌધિક સહાયતા કરીશ.આપના માટે એક સારા મિત્રનું સરનામું બતાવીશ.અત્યારે મને દિવ્ય જ્ઞાન નથી,જ્યારે મારા આ દેહનો દાહ-સંસ્કાર થશે ત્યારબાદ હું તમોને એવા વ્યક્તિ વિશે બતાવીશ કે જે તમોને સીતાશોધમાં મદદ કરશે.શ્રીરામ-લક્ષ્મણે કબંધના શરીરને એક મોટા ખાડામાં નાખી આગ લગાવી દીધી,ત્યારબાદ નિર્મલ વસ્ત્ર અને પુષ્પોનો હાર ધારણ કરી વિમાનમાં બેઠેલો અંતરીક્ષમાં પ્રગટ થઇને કહે છે કે તમે અહીથી આગળ જશો તો ઋષ્યમૂક પર્વત ઉપર સુગ્રીવ રહે છે તેની સાથે મિત્રતા કરજો તે તમોને સીતાશોધમાં મદદ કરશે.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)