(૫) ભગવાન શ્રીકૃષ્ણને ગાંધારીએ શ્રાપ આપ્યો હતો..
હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં અનેક વરદાન અને શ્રાપોનું વર્ણન જોવા મળે છે.આ શ્રાપ અને વરદાનોની પાછળ કોઇને કોઇ વાર્તા અને કારણ હોય છે.આ શ્રાપ અને વરદાનોની પાછળ ભવિષ્યમાં ઘટનાર ઘટના કારણભૂત હોય છે.નિરાકાર પ્રભુ પરમાત્માને સંતપ્રેમ આકાર આપે છે.નિર્ગુણ-નિરાકાર પરમાત્મા સંતો-ભક્તો માટે સગુણ-સાકાર બને છે,પરમાત્મા ધરતી ઉપર નિરાકારમાંથી સાકાર થાય છે.
મહાભારતનું યુદ્ધ પુરૂ થયા પછી ભગવાન શ્રીકૃષ્ણ ગાંધારી અને ધૃતરાષ્ટને સાંત્વના આપવા જાય છે ત્યારે પોતાના સો પૂત્રો મૃત્યુ પામ્યા હતા તેનું કારણ શ્રીકૃષ્ણ છે તેમ માની ગાંધારી ભગવાન શ્રીકૃષ્ણને શ્રાપ આપે છે કે જેવી રીતે પાંડવો અને કૌરવો પિતરાઇ ભાઇઓ હોવા છતાં અંદરોઅંદરના વિખવાદના કારણે નષ્ટ થયા છે તેવી જ રીતે તમારા બંધુ-બાંધવો પણ અંદરોઅંદર લડીને નષ્ટ થશે,આજથી છત્રીસ વર્ષ પછી હે કૃષ્ણ તમે પણ પોતાના બંધુ-બાંધવો તથા પૂત્રોનો નાશ થતો જોશો અને તમે પણ એક અનાથની જેમ એક સાધારણ કારણથી મૃત્યુ પામશો.
દુર્યોધનના સ્વર્ગવાસ પછી ધૃતરાષ્ટ અને ગાંધારીને સાંત્વના આપવા હસ્તિનાપુર જાય છે.ભીમસેને મહાબળવાન દુર્યોધનને ગદાયુદ્ધના નિયમોનો ભંગ કરીને મારી નાખ્યા પછી યુધિષ્ઠિર ઘણા જ ભયભીત થાય છે.ગાંધારી મહાતપસ્વીની હતી અને પોતાના તપના પ્રભાવથી ત્રણે લોકને બાળી નાખવા સમર્થ હતી.ક્રોધથી બળી રહેલી ગાંધારીને પ્રથમથી જ શાંત પાડવી જરૂરી હતી.યુધિષ્ઠિરે વિચાર્યું કે અમે તેમના પૂત્રનો અન્યાયથી વધ કર્યો છે એ વાત સાંભળીને એ જો ક્રોધાયમાન થઇ જશે તો પોતાના માનસિક અગ્નિ થી અમોને બાળીને ભસ્મ કરી નાખશે એવો વિચાર કરીને ગાંધારીને શાંત પાડવા માટે ભગવાન શ્રીકૃષ્ણને હસ્તિનાપુર મોકલે છે.
ભગવાન શ્રીકૃષ્ણ હસ્તિનાપુર પહોંચે ત્યાર પહેલાં મહર્ષિ વેદવ્યાસને ગાંધારીએ શ્રાપ આપવાની જે ઇચ્છા કરી હતી એવા પાંડવો પ્રત્યેના ગાંધારીના અશુભ અભિપ્રાયને પ્રથમની જ જાણી લઇને તેઓ મનસમાન વેગને ધારણ કરીને હસ્તિનાપુર આવી પહોચ્યા હતા.ભગવાન વેદવ્યાસ સર્વ પ્રાણીઓના હૈયામાં રહેલા આશયને દિવ્યદ્રષ્ટિથી જોઇ શકતા હતા.શ્રીકૃષ્ણે પ્રથમ વ્યાસજીના દર્શન કરીને તેમનો તથા ધૃતરાષ્ટનો ચરણસ્પર્શ કર્યો તથા વ્યગ્ર થયા વિના ગાંધારીને પણ વંદન કર્યા અને દુર્યોધનના મૃત્યુનો શોક પ્રદર્શિત કરી ધૃતરાષ્ટ અને ગાંધારીને આશ્વાસન આપ્યું અને કહ્યું કે મારા શાંતિ પ્રસ્તાવને તથા તમારી વાત માની હોત તો દુર્યોધનની આ દશા ના થતી.હવે જે થયું તે ખરૂં.તમારા તપનું બળ એટલું બધું છે કે તમે માત્ર ક્રોધથી પ્રદિપ્ત થયેલા નેત્રોથી સચરાચર પૃથ્વીને ક્ષણવારમાં બાળી નાખવા સમર્થ છો તેમ હોવા છતાં પાંડવોના નાશ કરવાનો વિચાર ના કરશો.શ્રીકૃષ્ણની વાત સાંભળીને ગાંધારીનો ક્રોધ શાંત થયો.શ્રીકૃષ્ણે જો શાંતિપૂર્વક શબ્દોથી ગાંધારીને સમજાવી ના હોત તો એ પાંડવોનો ક્રોધાતુર થઇને સર્વનાશ કરી નાખત પરંતુ શ્રીકૃષ્ણે પાંડવોને ઉગારી લીધા.
ગાંધારીએ કહ્યું કે હે કૃષ્ણ તમે જ્યારે શાંતિ પ્રસ્તાવ લઇને આવ્યા હતા અને નિષ્ફળ થઇને ઉપલવ્યપુર પાછા ગયેલા ત્યારે જ મારા બળવાન પૂત્રો મરણને શરણ થશે તેનો મને ખ્યાલ આવી ગયો હતો.દાદા ભિષ્મે અને મહાબુદ્ધિમાન વિદુરજીએ મને જણાવ્યું હતું કે તમે તમારા પૂત્રો પરના સ્નેહને હવે છોડી દેજો. એમની ભવિષ્યવાણી સત્ય થઇ છે.આમ હોવા છતાં આ મહાસંહારનો તમામ દોષ શ્રીકૃષ્ણનો જ છે એમ માનીને અતિશય કોપાયમાન થઇને ગાંધારીએ કહ્યું કે પાંડવો અને કૌરવો પરસ્પર વેર કરીને મૃત્યુ પામ્યા તો પણ તમે શા માટે તેમના નાશની ઉપેક્ષા કરી? તમે સર્વશક્તિમાન હતા,સમાધાન કરવામાં સમર્થ હતા છતાં પણ તમે જાણી જોઇને કુરૂવંશના નાશની ઉપેક્ષા કરી છે તેનું ફળ તમારે ભોગવવું પડશે. મેં મારા પતિની સેવા દ્વારા આજ સુધી જે તપોબળ પ્રાપ્ત કર્યું છે તે દુર્લભ તપોબળના સામર્થ્યથી તમોને શ્રાપ આપું છું કે કૌરવો અને પાંડવો એકબીજાનો સંહાર કરવા તત્પર થયા ત્યારે તમે તેમની ઉપેક્ષા કરી છે માટે તમારા બંધુ-બાંધવો પણ અંદરોઅંદર લડીને નષ્ટ થશે,આજથી છત્રીસ વર્ષ પછી હે કૃષ્ણ તમે પણ પોતાના બંધુ-બાંધવો તથા પૂત્રોનો નાશ થતો જોશો અને તમે પણ એક અનાથની જેમ એક સાધારણ કારણથી મૃત્યુ પામશો.ભરતકુળની સ્ત્રીઓ પોતાના પતિઓ,પૂત્રો અને સબંધીઓનો નાશ થવાથી રોકકળ કરે છે તેમ તમારા યાદવકુળની સ્ત્રીઓ તેવા જ હેતુથી રોકકળ કરશે.
ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું કે જેને માટે મેં પ્રથમથી જ નિશ્ચય કરેલો તે કાર્યને તમે શ્રાપ દ્વારા સિદ્ધ કર્યું છે.હું જાણું છું કે યાદવો તેવા દૈવીયોગથી જ નાશ પામવાના છે.યાદવકુળનો નાશ કરી શકે તેવો મારા વિના બીજો એક પણ પુરૂષ આ જગતમાં નથી.મનુષ્યો-દેવો કે દાનવો યાદવોનો નાશ કરવા સમર્થ નથી, તેઓ પરસ્પર યુદ્ધ કરીને જ નાશ પામશે માટે હવે શોકને દૂર કરો.કૌરવો ફક્ત તમારા અપરાધથી નાશ પામ્યા છે. દુર્યોધન દુરાત્મા,અત્યંત અભિમાની,પાપી અને ઇર્ષાળુ હતો તો પણ તમે તેનું સન્માન કરતા હતા અને તેને સૌથી સારો માનતા હતા.તમામની સાથે વેર કરનાર અને વૃદ્ધ પુરૂષોનું અપમાન કરનારા એ દુષ્ટ પુરૂષને સારો માનીને તમે મારા ઉપર ખોટું દોષારોપણ કરો છો.જે મનુષ્ય પોતાના મરી ગયેલા કે નાસી ગયેલા સબંધીઓનો શોક કરે છે તે ઘણું જ દુઃખ પામે છે.
(૬) મહર્ષિ વિશ્વામિત્ર-કણ્વ અને નારદજીએ યાદવોના વિનાશ માટે શ્રાપ આપ્યો હતો.
આ કથાક્રમમાં અન્ય એક શ્રાપ મહાભારતના મૌસલ પર્વમાં વર્ણવેલ છે.એકવાર મહર્ષિ વિશ્વામિત્ર-કણ્વ અને નારદ ઋષિ દ્વારીકા ગયા હતા.તેમને જોઇને દૈવયોગે સારણ વગેરે યુવાનો વીર સામ્બને સ્ત્રીનાં કપડાં પહેરાવી ઋષિઓ સન્મુખ લઇ જઇને કહે છે મહર્ષિઓ ! આ મહાતેજસ્વી બભ્રુની પત્ની છે.બભ્રુની ઘણી ઇચ્છા છે કે તેના ઘેર પૂત્રનો જન્મ થાય જેથી આપ એ બતાવો કે આ સ્ત્રીના ગર્ભથી શું જન્મશે? ઋષિઓને ખ્યાલ આવી ગયો કે આ યુવાનો આપણી મશ્કરી કરે છે તેથી મુનિઓએ ક્રોધમાં આવી કહ્યું કે મૂર્ખો ! આ શ્રીકૃષ્ણનો પૂત્ર સામ્બ વૃષ્ણિ અને અંધકવંશી પુરૂષોનો નાશ કરવા માટે લોખંડનું એક ભયંકર મૂસલ ઉત્પન્ન કરશે.જેના દ્વારા તમારા જેવા દુરાચારી-ક્રૂર અને ક્રોધી લોકો પોતાના સમસ્ત કૂળનો સંહાર કરશે.ફક્ત બલરામ અને શ્રીકૃષ્ણ ઉપર તેની કોઇ અસર નહી થાય.બલરામજી તો પોતે શરીરનો પરીત્યાગ કરી સમુદ્રમાં પ્રવેશ કરી જશે અને મહાત્મા શ્રીકૃષ્ણ જ્યારે પિપળાના વૃક્ષ નીચે જ્યારે ભૂમિ ઉપર શયન કરતા હશે ત્યારે જરા નામનો પારધી તેમને બાણથી વિંધી નાખશે આવું કહીને મુનિઓ ભગવાન શ્રીકૃષ્ણને મળે છે અને સર્વ વૃતાંત કહે છે.આ સમાચાર સાંભળીને મધુસૂદને વૃષ્ણિવંશીઓને કહ્યું કે હવે આપણો અંત નજીક છે કારણ કે ઋષિઓનું વાક્ય મિથ્યા થતું નથી.
બીજા દિવસે સામ્બે મૂસલ ઉત્પન્ન કર્યુ.યાદવોએ આ સમાચાર ઉગ્રસેનને આપ્યા.ઉગ્રસેનને ઘણું જ દુઃખ થયું અને તેમને મૂસલનું ચૂર્ણ બનાવીને સમુદ્રમાં ફેકી દેવડાવ્યું જેમાંથી એરકા નામની તિક્ષ્ણ ધારદાર પર્ણવાળી વનસ્પતિ ઉગી.ઉગ્રસેન-બલરામ અને શ્રીકૃષ્ણે નગરમાં જાહેરાત કરાવી કે આજથી કોઇપણ નગરવાસી શરાબ અને મદિરા નહી બનાવે.જે કોઇ મનુષ્ય છુપાઇને પણ આ પીણું બનાવશે તેને મોતની સજા કરવામાં આવશે.શ્રીકૃષ્ણને લાગ્યું ગાંધારીએ જે શ્રાપ આપ્યો હતો તેને પુરો થવાનો સમય છત્રીસમું વર્ષ આવી ગયું છે તેમ વિચારી યાદવોને તીર્થયાત્રા કરવાની આજ્ઞા આપી.તમામ લોકો સમુદ્રના કિનારે પ્રભાસતીર્થમાં જવાની તૈયારી કરી.ત્યાં ગયા પછી સાત્યકિએ અભિમાનમાં આવી કૃતવર્માની મશ્કરી અને અનાદર કર્યો તથા ક્રોધના આવેશમાં આવી તલવારથી કૃતવર્માનું મસ્તક કાપી નાખ્યું.ત્યારબાદ અન્ય વીરોને પણ મારી નાખ્યા.આમ તમામ યાદવો અંદરોઅંદર ઝઘડવા લાગ્યા.હથિયાર ન મળ્યા તે એરકાને ઉપાડીને મારવા લાગ્યા અને આમ છપ્પન પ્રકારના યાદવોનો વિનાશ થયો.બલરામજી યોગયુક્ત સમાધિ લગાવીને બેસી ગયા.શ્રીકૃષ્ણના જોતાં જ તેમના મુખમાંથી એક સફેદ રંગનો હજાર મસ્તકવાળો સાપ નીકળે છે અને સમુદ્રમાં સમાઇ જાય છે.ભગવાન શ્રીકૃષ્ણ પરમધામ જવા માટે મન-વાણી અને ઇન્દ્રિયોનો સંયમ કરી સમાધિનું અવલંબન કરી પૃથ્વી ઉપર સૂઇ ગયા તે સમયે એક જરા નામનો પારધી મૃગનો શિકાર કરવા તે જગ્યાએ આવે છે અને દૂરથી મૃગ સમજીને બાણ મારે છે.આ રીતે શ્રીકૃષ્ણ પરમધામમાં ચાલ્યા ગયા.
આલેખનઃ
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)