(૧૧) બ્રહ્માજીએ મહાભિષ અને ગંગાજીને શ્રાપ આપ્યો હતો..
હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં અનેક વરદાન અને શ્રાપોનું વર્ણન જોવા મળે છે.આ શ્રાપ અને વરદાનોની પાછળ કોઇને કોઇ વાર્તા અને કારણ હોય છે.આ શ્રાપ અને વરદાનોની પાછળ ભવિષ્યમાં ઘટનાર ઘટના કારણભૂત હોય છે.નિરાકાર પ્રભુ પરમાત્માને સંતપ્રેમ આકાર આપે છે.નિર્ગુણ-નિરાકાર પરમાત્મા સંતો-ભક્તો માટે સગુણ-સાકાર બને છે,પરમાત્મા ધરતી ઉપર નિરાકારમાંથી સાકાર થાય છે.
ઇક્ષ્વાકુ વંશમાં મહાભિષ નામના પ્રસિદ્ધ રાજા થયા.તેમને એક હજાર અશ્વમેઘ યજ્ઞ અને સો રાજસૂય યજ્ઞ દ્વારા દેવરાજ ઇન્દ્રને સંતુષ્ટ કર્યા અને યજ્ઞોના પુ્ણ્યોથી સ્વર્ગલોક પ્રાપ્ત કર્યું.એકવાર તમામ દેવતાઓ,ઘણા રાજર્ષિ તથા પૂર્વોક્ત રાજા મહાભિષ બ્રહ્માજીની સેવામાં તેમની સમીપ બેઠા હતા.તે સમયે સરીતાઓમાં શ્રેષ્ઠ ગંગાજી બ્રહ્માજીની નજીક આવીને બેસે છે.તે સમયે પવનના ઝોકાથી તેમના શરીર ઉપરનું ચાંદની સમાન ચમકતું વસ્ત્ર શરીર ઉપરથી ખસી જાય છે,આ જોઇને તમામ દેવતાઓએ પોતાનું મસ્તક નીચું નમાવી દીધું પરંતુ રાજર્ષિ મહાભિષ નિઃશંક થઇને એકીટસે ગંગાજી સામે જોઇ રહ્યા હતા ત્યારે બ્રહ્માજીએ મહાભિષને શ્રાપ આપતાં કહ્યું કે દુર્મતે ! તમે મનુષ્યોમાં જન્મ લઇને પછી પુણ્યલોકોમાં આવશો. જે ગંગાએ તમારા ચિત્તને ચોર્યું છે તે મનુષ્યલોકમાં તમારી પત્ની બની તમારાથી પ્રતિકૂળ આચરણ કરશે ત્યારે તમોને ગંગા ઉપર ક્રોધ આવશે ત્યારે તમે પણ શ્રાપમાંથી મુક્ત થશો.ત્યારબાદ રાજા મહાભિષે મહા તેજસ્વી રાજા પ્રતિપને ત્યાં જન્મ લેવાનું નક્કી કર્યું.ગંગાજી મહાભિષનું ચિંતન કરતાં જઇ રહ્યાં હતાં ત્યારે રસ્તામાં તેમને વસુ દેવતાઓને સ્વર્ગથી નીચે પડતા જોયા અને પુછ્યું કે તમારૂં દિવ્ય રૂપ કેવી રીતે નષ્ટ થયું? ત્યારે વસુઓને બ્રહ્મર્ષિ વશિષ્ઠજીએ આપેલ શ્રાપની વાત કહી સંભળાવી..
(૧૨) બ્રહ્મર્ષિ વશિષ્ઠજીએ વસુઓને શ્રાપ આપ્યો હતો..
મહાભારત અનુસાર ભિષ્મ પિતામહ પૂર્વજન્મમાં આઠ વસુઓ પૈકી એક હતા.એકવાર આ આઠ વસુઓએ બ્રહ્મર્ષિ વશિષ્ઠની નંદિની ગાયનું બળપૂર્વક અપહરણ કર્યું હતું.આ વાતની જ્યારે ઋષિ વશિષ્ઠને ખબર પડી તો વસુઓને શ્રાપ આપ્યો હતો કે તમે આઠે વસુઓ મૃત્યુલોકમાં માનવરૂપમાં જન્મ લેવો પડશે અને આઠમા વસુને રાજ્ય,સ્ત્રી વગેરે સુખોને પ્રાપ્તિ નહી થાય.આ આઠમા વસુ ભિષ્મ પિતામહ હતા.
વેદવેદાંતમાં પારંગત, ધનુર્વિદ્યામાં કુશળ, તત્વજ્ઞ, તપસ્વી, ઉત્સાહી, કર્મકાંડી, સત્યવક્તા, ત્રિકાલદર્શી અને ઉત્તમ વક્તા એવા વસિષ્ઠ મુનિ રઘુવંશના કુળગુરૂ અને સત્યવક્તા બ્રહ્મર્ષિ સ્વાયંભુવ મન્વંતરમાં બ્રહ્માના દશ માનસપુત્રોમાંના એક હતા.તેમનો આશ્રમ હિમાલયના એક શિખર ઉપર હતો,એ ઉપરથી એ શિખર વસિષ્ઠના નામથી ઓળખાય છે,ત્યાં વશિષ્ઠજી તપસ્યા કરતા હતા.વસિષ્ઠ અયોનિજ હતા.એમ કહેવાય છે કે એક રાત્રિના સમારંભમાં દેવો એકઠા મળ્યા ત્યાં મિત્ર અને વરૂણ ઉર્વશીને જોઈ ક્ષોભ પામ્યા અને વીર્ય સ્ખલિત થયું,તે પૈકી અર્ધું વિર્ય એક કુંભ એટલે ઘડામાં પડ્યું અને અર્ધું વિર્ય વસુમાં એટલે કે પાણીમાં પડ્યું આ રીતે વસુમાંથી જે પ્રગટ્યા તેને વસિષ્ઠ કહે છે આમ પૂર્વકાળમાં વરૂણે જેને પૂત્રરૂપમાં પ્રાપ્ત કર્યા હતા તે વશિષ્ટ મુનિ આપવ નામથી પણ ઓળખાય છે.
દક્ષ પ્રજાપતિની પૂત્રી દેવી સુરભિએ મહર્ષિ કશ્યપના સહવાસથી એક ગાયને જન્મ આપ્યો હતો તેનું નામ નંદિની હતું.આ ગાય સમસ્ત જગત ઉપર અનુગ્રહ કરવા માટે પ્રગટ થઇ હતી જે તમામ કામનાઓ પુરી કરનાર હતી જે ઋષિ વશિષ્ટના આશ્રમની શોભા બની હતી અને પવિત્ર રમણીય તાપસ વનમાં નિર્ભય બનીને ચરતી હતી.એકવાર વનમાં પૃથુ વગેરે વસુઓ તથા તમામ દેવતાઓ પોતાની પત્નીઓ સાથે વન વિચર્ણ કરવા માટે આવે છે.તે સમયે એક વસુ દ્યો ની પત્નીએ વનમાં ફરતી નંદિની નામની ગાયને જોઇ અને કહ્યું કે મનુષ્યલોકમાં રાજર્ષિ ઉશીનરની પૂત્રી જીતવતી મારી સખી છે તેને ભેટમાં આપવા માટે આ નંદિની ગાય મારે જોઇએ છીએ,ત્યારે દ્યો એ કહ્યું કે આ નંદિની ગાય વરૂણનંદન વશિષ્ડની છે,જે મનુષ્ય આ ગાયનું દૂધ પીવે છે તે દશ હજાર વર્ષ સુધી જીવે છે અને તેની યુવાની કાયમ રહે છે.દ્યો નામના વસુએ પૃથુ વગેરેની સહાયતાની આ ગાયનું અપહરણ તો કર્યું પણ વિચાર્યું નહી કે તેમને ઋષિ વશિષ્ઠના તપના પ્રભાવથી તેમનું સ્વર્ગથી પતન થશે.
કેટલાક સમય બાદ ઋષિ વશિષ્ઠ આશ્રમમાં આવે છે અને નંદિનીને ન જોતાં વ્યાકુળ થઇ દિવ્યદ્રષ્ટિ થી જુવે છે તો જાણવા મળ્યું કે નંદિની ગાયનું વસુઓએ અપહરણ કરેલ છે તેથી ક્રોધના આવેશમાં શ્રાપ આપ્યો કે જેમને મારી નંદિની ગાયનું અપહરણ કર્યું છે તે તમામ વસુઓએ મનુષ્ય યોનિમાં જન્મ લેવો પડશે.આ સાંભળીને આઠે વસુઓ ઋષિ વશિષ્ઠના આશ્રમમાં આવે છે અને વશિષ્ઠજીને પ્રસન્ન કરવાની ચેષ્ઠા કરે છે ત્યારે ઋષિ વશિષ્ઠ કહે છે કે શ્રાપ આપ્યો છે એટલે મનુષ્યયોનિમાં જન્મ તો લેવો પડશે, તમે એક-એક વર્ષ પછી શ્રાપથી મુક્ત થઇ જશો પરંતુ દ્યો કે જેના લીધે તમો તમામને શ્રાપ મળ્યો છે તેને કર્માનુસાર લાંબા સમય સુધી મૃત્યુલોકમાં રહેવું પડશે.
ત્યારબાદ તમામ વસુઓ ભેગા મળીને માતા ગંગા પાસે જાય છે અને યાચના કરે છે કે જેમ જેમ અમારો જન્મ થાય તેમ તેમ અમોને જળમાં વહાવી દેજો.ગંગાજીનું લગ્ન રાજા શાંતનુ સાથે થાય છે અને શરત અનુસાર સાત બાળકો જન્મતાંની સાથે જ ગંગામાં વહાવી દે છે અને આઠમો વસુ દ્યુ નું બાળપણનું નામ દેવવ્રત હતું જે મોટા થયા પછી ભિષ્મપિતામહના નામથી ઓળખાયા તે લાંબો સમય સુધી મૃત્યુ લોકમાં રહ્યા હતા.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)