(૧૫) ગૌતમ ઋષિએ સતી અહલ્યાને શ્રાપ આપ્યો હતો..
હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં અનેક વરદાન અને શ્રાપોનું વર્ણન જોવા મળે છે.આ શ્રાપ અને વરદાનોની પાછળ કોઇને કોઇ વાર્તા અને કારણ હોય છે.આ શ્રાપ અને વરદાનોની પાછળ ભવિષ્યમાં ઘટનાર ઘટના કારણભૂત હોય છે.નિરાકાર પ્રભુ પરમાત્માને સંતપ્રેમ આકાર આપે છે.નિર્ગુણ-નિરાકાર પરમાત્મા સંતો-ભક્તો માટે સગુણ-સાકાર બને છે,પરમાત્મા ધરતી ઉપર નિરાકારમાંથી સાકાર થાય છે.
વિશ્વામિત્ર નામના ઋષિ જે મહામુનિ અને જ્ઞાની છે.જંગલમાં સુંદર આશ્રમમાં રહી મહાત્માઓ સાથે જપ,જોગ,યજ્ઞ વગેરે કરે છે પરંતુ મારીચ અને સુબાહુ યજ્ઞમાં વિક્ષેપ કરતા હતા.તેઓ શસ્ત્ર રાખતા હતા પરંતુ ઉપયોગ કરતા નહોતા.તેઓને ચિંતા થવા લાગી કે મારો યજ્ઞ અધૂરો રહે છે,રાક્ષસો પરેશાન કરે છે. પરમાત્મા વગર આ રાક્ષસો મરશે નહી.એવું સાંભળ્યું છે કે બ્રહ્મનો અવતાર અયોધ્યામાં થયો છે તો જો બ્રહ્મનું પ્રાગટ્ય થયું હશે તો બ્રહ્મને પ્રાપ્ત કરી અહી લઇ આવીશ અને રાક્ષસોનો નાશ થશે,હું સનાથ બનીશ અને જો કોઇ સામાન્ય હશે તો જોઇને પાછો આવીશ આવું વિચારી ઋષિ વિશ્વામિત્ર રામને લેવા માટે અયોધ્યા આવે છે.અવધેશને ખબર પડી કે ઋષિ વિશ્વામિત્ર પધાર્યા છે તો ગાદી ઉપરથી ઉતરી દોટ મુકી કે આજે મારે આંગણે સંત આવ્યા છે,સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા છે.મારા રઘુવંશે ઘણા પુણ્ય કર્યા હશે કે આપ જેવા સંત મારા આંગણે આવ્યા.રાણીઓ આવીને પ્રણામ કરી ચરણ પખાડ્યા,પૂજા કરી.રામ સહિત ચારેય ભાઇઓએ સાષ્ટાંગ પ્રણામ કર્યા.
સંતને ભોજન કરાવ્યું ત્યારબાદ આરામ કરાવ્યો પછી દશરથજીએ હાથ જોડીને પુછ્યું કે કેહિ કારણ આગમન તુમ્હાર? હું આપની શું સેવા કરૂં? ત્યારે વિશ્વામિત્ર કહે છે કે રાજવી મને અસુરો સતાવે છે માટે હું તારી પાસે ભીખ માંગવા આવ્યો છું.બીજા અર્થમાં દશરથજીના માટે આ મહેણું હતું,આ શબ્દ સાંભળતાં રાજા નીચું જોઇ ગયા.સંતોને માંગવાની ફરજ પડે એ સમાજની કરૂણા છે. હે રાજવી હું તમારી સંપત્તિ-કીર્તિ કે પ્રમાણપત્ર લેવા નથી પણ સંતતિ લેવા આવ્યો છું,તમારા રામ-લક્ષ્મણ મને સોંપી દો,અજ્ઞાન છોડી દો,મોહ ત્યાગી દો.રામ-લક્ષ્મણની માંગણી કરી તો દશરથજીના નેત્રો સજળ બન્યા અને કહે છે કે મહારાજ ! મને ચોથી અવસ્થામાં ચાર પૂત્રો મળ્યા છે.આપ વિચાર કરીને નથી બોલતા અને રામ-લક્ષ્મણને આપવાની ના પાડી ત્યારે ગુરૂ વશિષ્ઠે દશરથ રાજાને કહ્યું કે હું તમારા ગુરૂ તરીકે હુકમ કરૂં છું કે રામ-લક્ષ્મણને સોંપી દો, અને એક પણ શબ્દ બોલ્યા વિના રામ સોંપી દીધા.મુનિનો ભય તોડવા રામ-લક્ષ્મણ નીકળ્યા છે.જ્યાં જંગલમાં આગળ ગયા ત્યાં તો તાડકા નામની રાક્ષસી દોડીને આવી ત્યારે વિશ્વામિત્રે કહ્યું કે રામ ! આ તાડકાનાં સંતાનો જ મને પરેશાન કરે છે.રામે એક જ બાણથી તાડકાના પ્રાણ હરી લીધા.બીજા દિવસે યજ્ઞનો આરંભ થાય છે.મારીચ અને સુબાહુ યજ્ઞમાં વિક્ષેપ કરવા આવ્યા.મારીચને ફણા વિનાનું બાણ મારી ચારસો ગાઉં દૂર ફેંકી દીધો અને સુબાહુનો વધ કર્યો.
દુઃખ અને અશાંતિનાં ઘણાં કારણોમાં સૌથી મહત્વનું કારણ કામાચાર છે.કામાચારને લગ્નસંસ્થા દ્વારા સીમાબદ્ધ કરાયો છે પણ કેટલાક લોકો આ સીમાનું ઉલ્લંઘન કરે છે.જેને એક પતિ કે એક પત્નીમાં સંતોષ નથી હોતો તે નવીનવી વાનગીઓ શોધ્યા કરતા હોય છે આવી જ એક કથા રામાયણમાં આવે છે.
રાજા જનકે સીતા-સ્વયંવર યોજ્યો તેનું નિમંત્રણ મળતાં વિશ્વામિત્ર રામ-લક્ષ્મણ સહિત જનકપુરી જવા નીકળે છે.રસ્તામાં એક આશ્રમ આવ્યો.બિલ્કુલ નિરવ શાંતિ,પશુપંખોઓ પણ ફરકતાં નથી.આશ્રમના દ્વાર ઉપર શ્રીરામે જોયું કે એક પત્થરની શિલા પડી છે તે જોઇ વિશ્વામિત્રને પુછ્યું કે આ આશ્રમ કોનો છે? ત્યારે વિશ્વામિત્રે કહ્યું કે આપ તો અંતર્યામી છો,સર્વજ્ઞ છો અને છતાંય પુછો છો તો કહી દઉં..
રાઘવેન્દ્ર ! આ આ ગૌતમ ઋષિનો આશ્રમ છે.આ પત્થર દેહ જે અચેતન પડ્યું છે તે ગૌતમના પત્ની અહલ્યાજી છે,તેમને ગૌતમ ઋષિએ શ્રાપ આપ્યો હતો તેથી અચેતન-નિષ્પ્રાણ-જડ બનીને પડ્યા છે, એમને કોઇ બોલાવતું નથી,કોઇની સાથે એ બોલતા નથી,નિષ્પ્રાણ શિલા બની ગયાં છે તે તમારા ચરણકમલની રાહ જુવે છે.ચરણરજનું દાન કરીને આ જીવ ઉપર કૃપા કરો.સંતે આગ્રહ કર્યો.સગાંવ્હાલાં બધાં હટી જાય છે,જ્યારે જગત તરછોડે સંત અને ભગવંત-બે જ આશ્રય આપે છે.અહલ્યાનું પ્રકરણ સમજવા જેવું છે.બ્રહ્માજીએ અદભૂત સૌદર્યની મૂર્તિ અહલ્યા નામની એક સુંદર સ્ત્રી ઉત્પન્ન કરી અને આ કન્યા તેમને ગૌતમ ઋષિને આપી.અહલ્યાના રૂપ ઉપર પહેલાંથી જ ઇન્દ્ર આસક્ત થયો હતો અને અહલ્યા સાથે સંભોગ કરવાની ઇચ્છાએ તેને ઘેલો કરી મુક્યો હતો.ભાર્યા રૂપવતી શત્રુઃ બહુ રૂપાળી પત્ની શત્રુનું કામ કરતી હોય છે,તે મર્યાદામાં રહીને પોતાની આબરૂનું રક્ષણ કરવા માંગતી હોય તો પણ અમુક હલકા લોકો તેને શાંતિથી જીવવા દેતા નથી.સ્ત્રીને અવિશ્વસનીય પુરૂષોથી દૂર રાખો.કામવાસનાનો વિશ્વાસ રખાય જ નહી.મનુષ્ય એ ૫રસ્ત્રી સાથે અને સ્ત્રીએ ૫રપુરૂષ સાથે એકાંતમાં રહેવું નહી.એકાંતમાં સાધુ અને જ્ઞાની મહાપુરૂષોને ૫ણ બળવાન ઇન્દ્રિયગ્રામ મોહ ૫માડે છે.ધર્મશાસ્ત્રોમાં માતા-બહેન કે દિકરી સાથે ૫ણ ક્યારેય એકાંતવાસમાં ન રહેવાનો આદેશ આપેલ છે.
એકવાર બ્રહ્મમુર્હતમાં ગૌતમજી સ્નાન કરવા ગયા ત્યારે ઇન્દ્ર ગૌતમઋષિનું રૂપ લઇને આવે છે અને કહે છે કે હે પ્રિયે ! ઋષિઓ ઋતુગામી જ હોય છે,અત્યારે તારો ઋતુકાળ નથી તો પણ હું અત્યારે કામાતુર થઇ ગયો હોવાથી ઋતુકાળની રાહ જોઇ શકતો નથી માટે તૂં અનુકૂળ થઇ મને રતિસુખ આપ,પછી તુરંત અહલ્યાને બાથમાં લઇ તેણીને આલિંગન દઇ રતિસંગ્રામમાં પ્રવૃત્ત થયો.ઇન્દ્રનો સ્પર્શ થતાં જ ઋષિ વેશધારી ઇન્દ્રને અહલ્યા ઓળખી ગઇ તો પણ તેને અહોભાવ થયો કે હું કેવી ભાગ્યશાળી છું કે મને ઇન્દ્ર સાથે સંભોગ કરવા મળ્યો છે.બંન્નેએ મળીને ખુબ રતિસુખ ભોગવ્યું.પછી અહલ્યાએ કહ્યું કે હવે ગૌતમનો આવવાનો સમય થઇ ગયો છે માટે જલ્દીથી ચાલ્યા જાઓ.આવી કથા વાલ્મિકી રામાયણમાં છે.
મનમાં ગૌતમ ઋષિની બીક હતી તેથી ધાર્યુ કાર્ય સિદ્ધ કરી,સંતોષ પામી ઝડપથી આશ્રમની બહાર જાય છે તેવા જ અગ્નિ સમાન તેજસ્વી ગૌતમ ઋષિ સામે મળે છે અને પોતાના ઘરમાંથી કોઇ પુરૂષને નીકળતા જુવે છે તે ઇન્દ્રને ઓળખી જાય છે અને કહે છે કે ઉભો રહે દુષ્ટ ! મારો વેષ ધારણ કરી,નીચ કર્મ કરી નિર્ભયપણે નાસી જવા માંગે છે? આમ કહી ઇન્દ્રને શ્રાપ આપ્યો કે જા તૂં વૃષણ રહિત થઇ જા અને તારા શરીરમાં એક હજાર છિદ્ર પડી જશે.ઇન્દ્રના વૃષણો(અંડકોશ) ખરીને ભોંય પડે છે તેથી તે પુરૂષત્વહીન(નપુંસક) થઇ જાય છે.બળાત્કાર જેવા હીનકૃત્યો કરનારને આવી સજા કરવી જોઇએ.પાણીના માટલામાં એક છિદ્ર હોય તો બધું પાણી નીકળી જાય છે.ઇન્દ્રના દેહના ઘડામાં હજાર કાણા પડતાં બધા પુણ્યો બહાર નીકળી જશે.ઇન્દ્ર ગભરાયો અને સંત પાસે માફી માંગી અને શ્રાપ નિવારણનો ઉપાય પુછ્યો ત્યારે ગૌતમે કહ્યું કે ભગવાન જ્યારે રામરૂપે અવતાર ધારણ કરશે અને જનકપુરીમાં તેમના લગ્નનો વરઘોડો નીકળશે ત્યારે હજાર નેત્રથી શ્રીરામનાં દર્શન કરીશ ત્યારે તૂં શ્રાપ મુક્ત થઇશ.
આશ્રમમાં જઇ અહલ્યાને કહે છે કે દુષ્ટાચારિણી ! જે દુષ્કર્મ કરતાં તને ધર્મ કે પરમાત્માનો ભય ના લાગ્યો અને પત્થર સમાન જડ અંતઃકરણ થી તે પારકા પુરૂષ સાથે ભોગ ભોગવ્યો માટે તૂં આશ્રમના વિશે પત્થરની શિલા થઇને પડ.ત્યારે અહલ્યા ગૌતમ ઋષિના પગમાં પડી કહે છે કે ગમે તેવા દુષ્ટને પણ એકવાર અપરાધની ક્ષમા મળે છે.મને ક્ષમા કરો ! મને ક્ષમા કરો.ત્યારે દયાળું ઋષિ શ્રાપનું નિવારણ કરતાં કહે છે કે ભગવાન વિષ્ણુ જ્યારે અયોધ્યામાં દશરથનંદન તરીકે અવતાર લેશે અને તેઓ જ્યારે આ આશ્રમમાં આવશે ત્યારે તેમના ચરણસ્પર્શથી પવિત્ર થઇ તૂં શ્રાપ મુક્ત થઇ તારા પૂર્ણ સ્વરૂપને પામીશ,આટલું કહેતાં જ અહલ્યા જ્યાં ઉભાં હતાં ત્યાં જ પોતાનું સુંદરરૂપ ગુમાવી પાષાણની શિલારૂપ થઇ પડ્યાં.ગૌતમઋષિ ખેદ પામી આશ્રમનો ત્યાગ કરી હીમવાન પર્વતના શિખર ઉપર તપ કરવા ચાલ્યા ગયા.
વિશ્વામિત્ર રામ-લક્ષ્મણને આ આશ્રમ જોવા લઇ જાય છે.જેવો શ્રીરામનો પગ પત્થરની શિલાને સ્પર્શ કરે છે ગૌતમઋષિના વચનનું સ્મરણ કરતી એક અત્યંત રૂપનિધાન,પૂર્ણ ચંદ્ર સમાન ક્રાંતિવાળી તેજસ્વી સ્ત્રી પ્રગટ થઇ અને બોલી કે આજે હું મનુષ્ય વેશે પધારેલ ભગવાનના દર્શન અને ચરણસ્પર્શ પામી ધન્ય બની છું તેમ કહી શ્રીરામના ચરણમાં પડી.આ પ્રસંગ પ્રેરણા આપે છે કે જીવનમાં ભૂલ થઇ જાય તો ધીરજ રાખી હિંમત ના હારો,પસ્તાવો કરવામાં આવે તો માફી મળી જાય છે.ફક્ત અહલ્યાને પુનઃ સ્થાપિત કરવાથી કામ પુરૂં થતું નથી.ગૌતમઋષિને હિમાલયથી બોલવી અહલ્યા-ગૌતમને ફરીથી નવજીવન મળ્યું.હજાર વર્ષના વિયોગથી અને ઉભરો શમી જવાથી ફરીથી જાણે નવા નવાલગ્ન થયાં હોય તેમ એકબીજામાં ભળી ગયાં.વિયોગના અગ્નિમાં સમય જતાં પતિ-પત્ની એકબીજાની ભૂલોને ભૂલી જતાં હોય છે.
એક પ્રશ્ન થાય કે આવી અહલ્યાને પાંચ સતીઓમાં કેમ સ્થાન મળ્યું? અહલ્યા દ્રોપદી સીતા તારા મંદોદરી-આ પાંચ મહાસતીઓનું દરરોજ સ્મરણ કરવાથી મોટા પાપોનો નાશ થાય છે.અહલ્યાએ પાપ કર્યું પણ સુધરી ગઇ,પછી આવી ભૂલ ક્યારેય કરી નથી તેથી તેને સતી માનવામાં આવે છે.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)