(૨૩) મહર્ષિ મૈત્રેય મુનિએ દુર્યોધનને શ્રાપ આપ્યો હતો.
એકવાર ભગવાન વેદવ્યાસ હસ્તિનાપુર આવે છે અને ધૃતરાષ્ટને સમજાવે છે કે કૌરવો અને પાંડવો તમામ તમારા જ પૂત્રો છે.તમામ પૂત્રોમાં જે હીન છે,દયનીય દશામાં છે તેમની ઉપર વિશેષ કૃપા હોવી જોઇએ.જેમ પાંડુ મારા પૂત્ર તેમ તમે અને મહાજ્ઞાની વિદુર પણ મારા પૂત્ર છો એટલે સ્નેહવશ તમોને તમારા હિતની વાત કહું છું.તમારા સો પૂત્રો છે જ્યારે પાંડુના ફક્ત પાંચ જ પૂત્રો છે જે ઘણા ભોળા છે,છળ-કપટથી રહિત છે અને અત્યંત દુઃખો ભોગવી રહ્યા છે.જો તમે ઇચ્છતા હો કે તમારા તમામ સો પૂત્રો જીવિત રહે તો તમારા પૂત્ર દુર્યોધને પાંડવો સાથે મેળમિલાપ કરી શાંતિપૂર્વક રહેવું જોઇએ.તે સમયે ધૃતરાષ્ટ કહે છે કે આપ જે કહો છો તે યોગ્ય જ કહો છો અને હું પણ તેને યોગ્ય માનું છું તથા તમામ રાજાઓ પણ આ વાતને અનુમોદન આપે છે.આ વાત મહાત્મા વિદુર,ભિષ્મપિતામહ અને દ્રોણાચાર્યજીએ પણ મને કહી છે. આપ મારા ઉપર અનુગ્રહ કરીને તથા કૌરવકૂળ ઉપર દયા કરીને મારા દુરાત્મા પૂત્ર દુર્યોધનને શિક્ષા આપો,તેને સમજાવો.ત્યારે વ્યાસજી કહે છે કે રાજન ! મહર્ષિ ભગવાન મૈત્રેય પાંડવોને મળીને તમોને મળવા આવશે તેઓ તમારા કૂળની શાંતિ માટે તમારા પૂત્ર દુર્યોધનને યથાયોગ્ય ઉપદેશ આપશે.મૈત્રેય મુનિ જે કંઇ કહે તે શંકા કર્યા વિના તેનો અમલ કરજો,તેઓ જે કંઇ સદઉપદેશ આપે તેની તમારા પૂત્રો અવહેલના કરશે તો તેઓ શ્રાપ પણ આપી શકે છે-આટલું કહીને વ્યાસજી ચાલ્યા જાય છે અને તે સમયે મૈત્રેયજી આવી પહોંચે છે.
રાજા ધૃતરાષ્ટે પૂત્રો સહિત મૈત્રેયજીનું સ્વાગત-સત્કાર કર્યા પછી ધૃતરાષ્ટે કહ્યું કે આપ પાંડવોને મળીને આવ્યા છો.શું તેઓ કુશળ છે ને? શું કૌરવ-પાંડવો વચ્ચે ભાતૃભાવ અખંડ રહેશે? ત્યારે મૈત્રેયજી કહે છે કે હું તીર્થયાત્રાના કારણોસર ફરતો ફરતો ઓચિંતો કુરૂજાંગલ દેશમાં ચાલ્યો ગયો હતો ત્યાં કામ્યકવન માં ધર્મરાજ યુધિષ્ઠિર સાથે મુલાકાત થઇ હતી.જટા અને મૃગચર્મ ધારણ કરીને તપોવનમાં નિવાસ કરતા ધર્માત્મા યુધિષ્ઠિરને મળવા માટે અનેક ઋષિ-મુનિઓ પધાર્યા હતા.ત્યાં મેં સાંભળ્યું કે તમારા પૂત્રોની બુદ્ધિ ભ્રાંત થઇ ગઇ છે,તે જુગારરૂપી અનીતિમાં પ્રવૃત્ત થયા અને જુગારના કારણે તેમની ઉપર ઘણો મોટો ભય ઉપસ્થિત થયો છે,આવું સાંભળીને તમારા ઉપર મારો સ્નેહ અને પ્રેમ હોવાથી કૌરવોની દશા જોવા માટે હું હસ્તિનાપુર આવ્યો છું.તમારા અને ભિષ્મપિતામહના જીવતાં જીવ તમારા પૂત્રો કોઇપણ પ્રકારનો અંદરો અંદર વિરોધ કરે તે યોગ્ય નથી.તમારે પોતે તમારા પૂત્રો ઉપર નિયંત્રણ કરવું જોઇએ.પાંડવો સાથે થયેલ ઘોર-અન્યાયની તમે કેમ ઉપેક્ષા કરી છે? તમારી સભામાં ડાકુઓની જેમ વ્યવહાર કરવામાં આવે છે તેના લીધે તમે તપસ્વી મુનિઓના સમુદાયમાં શોભા પામતા નથી.
ત્યારબાદ મહર્ષિ ભગવાન મૈત્રેયજીએ અમર્ષશીલ દુર્યોધન તરફ મુખ કરીને મધુર ભાષામાં કહ્યું કે તમે વક્તાઓમાં શ્રેષ્ઠ છો.હું તમારા હિતની વાત કહેવા જઇ રહ્યો છું જેને તમે ધ્યાનથી સાંભળો.તમે પાંડવોનો દ્રોહ ના કરો.તમારૂં પોતાનું,પાંડવોનું,કુરૂવંશનું તથા સમગ્ર જગતનું કલ્યાણ થાય તેવું પ્રિય સાધન કરો.મનુષ્યોમાં શ્રેષ્ઠ તમામ પાંડવો શૂરવીર-પરાક્રમી અને યુદ્ધકુશળ છે,તે તમામમાં દશ હજાર હાથીઓનું બળ છે,તેમના શરીર વજ્ર સમાન છે,તે તમામ પાંડવો સત્યવ્રતધારી અને પોતાના પૌરૂષ ઉપર અભિમાન રાખનાર છે.ઇચ્છાનુસાર રૂપ ધારણ કરનાર દેવદ્રોહી હિડિમ્બ વગેરે રાક્ષસોનો તથા રાક્ષસજાતીય કિર્મીરનો વધ પણ પાંડવોએ કરેલ છે.પાંડવો જ્યારે વનવાસમાં નીકળ્યા ત્યારે રાત્રીના સમયે ભયંકર અને પર્વત સમાન વિશાળકાય કિર્મીર તેમનો માર્ગ રોકે છે જેને ભીમસેન મારી નાખે છે.
દિગ્વિજયના સમયે ભીમસેને મહાન ધર્નુધર રાજા જરાસંઘ કે જેનામાં દશ હજાર હાથીઓનું બળ હતું તેને ભીમસેન મારી નાખે છે.વાસુદેવનંદન ભગવાન શ્રીકૃષ્ણ તેમના સબંધી છે તથા દ્રુપદપૂત્રો તેમના સાળા છે.જરા અને મૃત્યુના વશમાં રહેનાર ક્યા મનુષ્યો યુદ્ધમાં પાંડવોનો સામનો કરી શકે તેમ છે? આવા મહાપરાક્રમી પાંડવોની સાથે તમે શાંતિપૂર્વક મળીને રહેવું જોઇએ.ક્રોધના વશમાં આવ્યા વિના તમે મારી વાત સાંભળો.મૈત્રેયજી જ્યારે આ વાત કરી રહ્યા હતા ત્યારે દુર્યોધન ર્હંસીને હાથીની સૂંઢ સમાન પોતાની જાંઘોને હાથથી ઠોકી અને પગથી જમીન ખોંતરે છે અને દુર્બુદ્ધિ દુર્યોધન મૈત્રેયજીને કોઇ જવાબ આપતો નથી આ જોઇને મૈત્રેયજીનામનમાં ક્રોધ આવી ગયો અને ક્રોધના આવેશમાં દુર્યોધનને શ્રાપ આપ્યો કે તે મારી વાતનો અનાદર કરીને મારી વાત માની નથી એટલે તારા દ્રોહના કારણે મહા ભયંકર યુદ્ધ થશે અને આ યુદ્ધમાં બળવાન ભીમસેન પોતાની ગદાથી તારી જાંધ તોડશે.તે સમયે ધૃતરાષ્ટે સ્તુતિ કરી પ્રસન્ન કર્યા ત્યારે મૈત્રેયજીએ કહ્યું કે જો તમારો પૂત્ર શાંતિ ધારણ કરશે અને પાંડવોની સાથે વૈર-વિરોધ છોડીને મેળ-મિલાપ રાખશે તો મારો શ્રાપ લાગૂ પડશે નહી અને મારી વાતથી વિપરીત વહેવાર કરશે તો મારા શ્રાપ મુજબ ફળ ભોગવવું પડશે.(વનપર્વ,મહાભારતમાંથી..
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)