(૨૪) ગુરૂ પરશુરામે કર્ણને શ્રાપ આપ્યો હતો..
હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં અનેક વરદાન અને શ્રાપોનું વર્ણન જોવા મળે છે.આ શ્રાપ અને વરદાનોની પાછળ કોઇને કોઇ વાર્તા અને કારણ હોય છે.આ શ્રાપ અને વરદાનોની પાછળ ભવિષ્યમાં ઘટનાર ઘટના કારણભૂત હોય છે.નિરાકાર પ્રભુ પરમાત્માને સંતપ્રેમ આકાર આપે છે.નિર્ગુણ-નિરાકાર પરમાત્મા સંતો-ભક્તો માટે સગુણ-સાકાર બને છે,પરમાત્મા ધરતી ઉપર નિરાકારમાંથી સાકાર થાય છે.
મહાભારતના કર્ણ પર્વમાં દાનેશ્વર કર્ણ ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુનના પ્રભાવનો સ્વીકાર કરે છે અને પોતાને ગુરૂ પરશુરામજી અને એક બ્રાહ્મણ શિરોમણી દ્વારા જે શ્રાપ મળ્યો હતો તેનું વર્ણન કરે છે. અંગીરાગોત્રીય બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ ગુરૂ દ્રોણાચાર્ય ફક્ત પાંડવો-કૌરવોને જ શિક્ષણ આપતા હતા તેથી કર્ણ વિદ્યા ભણવા મહેન્દ્ર પર્વત ઉપર ગુરૂ પરશુરામ પાસે જાય છે.પરશુરામ પાસે જઇને કર્ણ કહે છે કે હું ભૃગુવંશી બ્રાહ્મણ છું આવું ખોટું બોલીને ગુરૂભાવથી તેમના શરણમાં જાય છે.તેના ગોત્ર વગેરેની પુછપરછ કરી તેનો શિષ્યભાવે સ્વીકાર કરે છે.સ્વર્ગલોક જેવા મહેન્દ્ર પર્વત ઉપર તેને ગંધર્વો-યક્ષો તથા દેવતાઓને મળવાનો અવસર મળે છે.ભૃગુશ્રેષ્ઠ પરશુરામ પાસેથી કર્ણ વિધિપૂર્વક ધનુર્વેદ શીખી તેનો અભ્યાસ કરે છે.
એક દિવસ કર્ણ ધનુષ્ય-બાણ અને તલવાર લઇ સમુદ્રના કિનારે અજય નામના એક બ્રાહ્મણના આશ્રમની નજીક શસ્ત્રોનો અભ્યાસ કરી રહ્યો હતો તે સમયે એક ઘોર અને ભયંકર બાણ ચલાવતાં અજાણતાં જ અસાવધાનીથી એક બ્રાહ્મણની હોમધેનુના વાછડાને મારી નાખ્યું હતું.તે સમયે બ્રાહ્મણે આવીને મને શ્રાપ આપ્યો કે તે પ્રમાદવશ મારી હોમધેનુના વાછરડાને તે મારી નાખ્યું છે એટલે તૂં જે સમયે રણક્ષેત્રમાં યુદ્ધ કરતાં કરતાં અત્યંત ભયને પ્રાપ્ત થશે તે સમયે તારા રથનું પૈડું ધરતીમાં ઉતરી જશે.જ્યારે તારા રથનું પૈડું ધરતીમાં ઉતરી જશે ત્યારે તૂં અચેત થઇ જઇશ અને તે સમયે તારો શત્રુ તારૂં મસ્તક કાપી નાખશે.તે બ્રાહ્મણને મેં એક હજાર ગાયો તથા છસો વાછરડાં આપવાનાં કહ્યાં તેમ છતાં તેઓ પ્રસન્ન ના થયા.મેં અજાણતાં થયેલ ભૂલના માટે ક્ષમાયાચના કરી તેમ છતાં બ્રાહ્મણે ગુસ્સામાં કહ્યું કે હે દુરાચારી ! તૂં મારી નાખવા યોગ્ય છે,મેં જે શ્રાપ આપ્યો છે તે સત્ય થઇને જ રહેશે તેમાં કોઇ સુધારો નહી થાય.બ્રાહ્મણનાં આવાં વાક્યો સાંભળી મને ઘણો ભય થયો,હું દીનતાવશ નીચું મસ્તક કરી ગુરૂ પરશુરામના આશ્રમમાં આવી ગયો.
કર્ણે પોતાના બાહુબળ,પ્રેમ,ઇન્દ્રિયસંયમ તથા ગુરૂસેવાથી ભૃગુશ્રેષ્ઠ પરશુરામજીને સંતુષ્ટ કર્યા.ત્યાર બાદ તપસ્વી પરશુરામે વિધિવત બ્રહ્માસ્ત્રનું જ્ઞાન આપ્યું.એક દિવસ કર્ણ અને ગુરૂ પરશુરામ આશ્રમની નજીક ફરી રહ્યા હતા.ઉપવાસના કારણે ગુરૂ પરશુરામનું શરીર દુર્બળ બની ગયું હતું એટલે જમદગ્નિનંદન પરશુરામજી કર્ણના ખોળામાં માથું મૂકીને સૂઇ જાય છે,તે સમયે લાર,મેદા,માંસ અને રક્તનો આહાર કરનાર એક ભયંકર રક્ત પીનાર કીડો કર્ણની પાસે આવે છે અને કર્ણની જાંગમાં કાણું કરી નાખ્યું પરંતુ ગુરૂજીના ઉંઘમાં ખલેલ ના પડે તે માટે ભયંકર વેદના સહન કરે છે.જ્યારે રક્તની ધાર ગુરૂ પરશુરામના શરીરને સ્પર્શે છે ત્યારે તેજસ્વી ભાર્ગવ જાગી જાય છે અને ભયભીત થઇને કહે છે કે અરે ! હું તો અશુદ્ધ થઇ ગયો. તૂં આ શું કરે છે? ભય છોડીને આ વિષયમાં મને સત્ય કહે,ત્યારે કર્ણે કીડાના કરડવાની સઘળી વાત કહી. પરશુરામે કીડાની સામે જોયું તો તે સૂઅર જેવો દેખાતો હતો,તેને આઠ પગ હતા,તે અલર્ક નામનો કીડો હતો.ભગવાન પરશુરામની દ્રષ્ટિ પડતાં જ કીડાએ પ્રાણ ત્યાગી દીધા અને આકાશમાં એક વિકરાળ રાક્ષસનું રૂપ ધારણ કર્યું.તેના ગળાનો ભાગ લાલ હતો અને શરીર કાળું હતું.તે રાક્ષસે હાથ જોડી ભગવાન પરશુરામ ને કહ્યું કે હે ભૃગુશ્રેષ્ઠ ! આપનું કલ્યાણ હો. હું જેવો આવ્યો હતો તેવો જઇ રહ્યો છું.આપે મને આ નરકમાંથી છુટકારો અપાવ્યો છે.હું આપને પ્રણામ કરૂં છું.ત્યારે પરશુરામે પુછ્યું કે તમે કોન છો? અને કયા કારણોસર આ નરકમાં પડ્યા હતા? તે મને કહો.ત્યારે તેને જવાબ આપ્યો કે તાત ! પ્રાચીનકાળના સતયુગની વાત છે.હું દંશ નામનો પ્રસિદ્ધ એક મહાન અસુર હતો.મહર્ષિ ભૃગુની ઉંમરનો હતો.એક દિવસ મેં ભૃગુની પ્રાણ પ્યારી પત્નીનું બળપૂર્વક અપહરણ કર્યું હતું.તેનાથી ક્રોધિત થઇને આપના પૂર્વ પિતામહ મહર્ષિ ભૃગુએ મને શ્રાપ આપ્યો હતો કે હે પાપી ! તૂં મૂત્ર અને લાળ વગેરે ખાનાર કીડો બનીને નરકમાં પડીશ ત્યારથી હું કીડો થઇને પૃથ્વી ઉપર પડ્યો હતો.તે સમયે મેં મારી ભૂલની ક્ષમાયાચના કરી અને શ્રાપનું નિવારણ પુછ્યું ત્યારે મહર્ષિ ભૃગુએ કહ્યું કે ભૃગુવંશી પરશુરામના દ્વારા આ શ્રાપનો અંત આવશે.આજે આપની મારી ઉપર દ્રષ્ટિ પડતાં મારો આ પાપ યોનિમાંથી ઉદ્ધાર થયેલ છે આવું કહીને તે મહાન અસુર પરશુરામને પ્રણામ કરીને ચાલ્યો જાય છે.
અસુરના ગયા પછી પરશુરામજી ક્રોધિત થઇને કર્ણને કહે છે કે મૂર્ખ ! આવું ભારે દુઃખ બ્રાહ્મણ સહન કરી શકતો નથી,તારૂં ધૈર્ય તો ક્ષત્રિય સમાન છે,તૂં સ્વેચ્છાએ સત્ય કહી દે કે તૂં કોન છે? કર્ણ પરશુરામના શ્રાપના ભયથી ડરી જાય છે એટલે તેમને પ્રસન્ન કરવા કહે છે કે ભાર્ગવ ! હું બ્રાહ્મણ અને ક્ષત્રિયથી ભિન્ન સૂતજાતિમાં જન્મેલ છું.મને રાધા પૂત્ર કર્ણ કહે છે.હું અસ્ત્રવિદ્યા શિખવાના લોભના કારણે જુઠું બોલ્યો છું તો મને ક્ષમા કરો.આવું સાંભળીને ભૃગુશ્રેષ્ઠ પરશુરામજી એટલા રોષમાં આવ્યા અને શ્રાપ આપ્યો કે મૂઢ ! બ્રહ્માસ્ત્રના લોભથી તૂં જુઠું બોલીને મારી સાથે કપટપૂર્ણ વ્યવહાર કર્યો છે એટલે જ્યાં સુધી તૂં સંગ્રામમાં પોતાના સમાન યોદ્ધાની સાથે યુદ્ધમાં પ્રવૃત્ત નહી થાય અને તારા મૃત્યુનો સમય નજીક નથી આવ્યો ત્યાં સુધી જ તને બ્રહ્માસ્ત્રનું જ્ઞાન રહેશે, તે છળ કરીને મારી પાસેથી બ્રહ્માસ્ત્ર પ્રાપ્ત કર્યું છે એટલે તેનું કામ પડતાં જ તારૂં આ બ્રહ્માસ્ત્ર તને યાદ આવશે નહી.જે બ્રાહ્મણ નથી તેના હ્રદયમાં બ્રહ્માસ્ત્ર ક્યારેય સ્થિર રહેતું નથી.હવે તૂં અહીથી ચાલ્યો જા.તારા જેવા મિથ્યાચારી માટે અહીયાં કોઇ સ્થાન નથી.મારા આર્શિવાદથી આ પૃથ્વી પરનો કોઇ ક્ષત્રિય યુદ્ધમાં તારી સમાનતા નહી કરી શકે.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)