(૧૦) દશગ્રીવ લંકાપતિ રાજા રાવણને મળેલ વિવિધ શ્રાપો..
હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં અનેક વરદાન અને શ્રાપોનું વર્ણન જોવા મળે છે.આ શ્રાપ અને વરદાનોની પાછળ કોઇને કોઇ વાર્તા અને કારણ હોય છે.આ શ્રાપ અને વરદાનોની પાછળ ભવિષ્યમાં ઘટનાર ઘટના કારણભૂત હોય છે.નિરાકાર પ્રભુ પરમાત્માને સંતપ્રેમ આકાર આપે છે.નિર્ગુણ-નિરાકાર પરમાત્મા સંતો-ભક્તો માટે સગુણ-સાકાર બને છે,પરમાત્મા ધરતી ઉપરનિરાકારમાંથી સાકાર થાય છે.
(૧) રાવણને મળેલ નંદીનો શ્રાપ..રાવણ રામાયણનું એક વિશેષ પાત્ર છે.રાવણ લંકાનો રાજા હતો.તે પોતાના દસ માથાંને લીધે પણ ઓળખાતો હતો,જેને લીધે તેનું નામ દશાનન પડ્યું.રાવણમાં અવગુણની અપેક્ષાએ ગુણ અધિક હતા.કદાચ રાવણ ન હોત તો રામાયણની રચના પણ ન થઈ હોત. રામકથામાં રાવણ જ એવું પાત્ર છે જે રામના ઉજ્જ્વળ ચરિત્રને ઉભારવાનું કામ કરે છે.રાવણ ભગવાન શિવનો અનન્ય ભક્ત હતો.ધર્મ ગ્રંથો મુજબ રાવણ મહાપરાક્રમી અને વિદ્વાન હતો પરંતુ તેની સાથે જ તે અત્યાચારી અને કામાંધ પણ હતો.તેણે પોતાના જીવનમાં અનેક એવા કામ કર્યા જેના કારણે તેને અનેક લોકોએ શ્રાપ આપ્યા હતા.આ શ્રાપ મુખ્ય રૂપથી રાવણના સર્વનાશના કારણ બન્યા અને તેના વંશનો જડમૂળથી નાશ થઈ ગયો.
વાલ્મિકી રામાયણ અનુસાર એકવાર રાવણ પોતાના ભાઇ કુબેરને જીતીને પુષ્પક વિમાનમાં બેસીને ભગવાન શંકરને મળવા કૈલાશ ખાતેના કાર્તિક સ્વામીના જન્મસ્થાન શરવન વનમાં આવ્યો એટલામાં ઓચિંતુ પુષ્પક વિમાન અટકી જાય છે ત્યારે બુદ્ધિમાન પ્રધાન મારીચે વિમાન રોકાઇ જવાનું કારણ કહે છે એટલામાં વિકરાળ,કાળો,વિકૃત,બોડા મસ્તકનો,ટુંકા હાથવાળો ભગવાન શિવનો અનુચર નંદી આવે છે અને કહે છે કે હે દશગ્રીવ ! ભગવાન શિવ પર્વત ઉપર ક્રીડા કરે છે માટે તૂં અહીથી પાછો ફર.આ સાંભળી રાવણ ક્રોધના આવેશમાં વિમાનમાંથી કૂદીને નીચે આવે છે.રાવણે નંદીના મુખની આકૃતિ વાનર જેવી જોઇને તેમની મશ્કરી કરી અને વાનર જેવા મુખવાળા કહ્યા હતા ત્યારે નંદીજીએ રાવણને શ્રાપ આપ્યો હતો કે તારા કૂળનો નાશ કરવા માટે મારા સમાન રૂપ-બળ અને તેજવાળા વાનરો ઉત્પન્ન થશે જે તારા મનમાં ઉત્પન્ન થયેલ તારો ગર્વ ઉતારી તારો કૂળ સહિત વિનાશ કરશે.
(ર) મંદોદરીની મોટી બેન માયાએ રાવણને શ્રાપ આપ્યો હતો..રાવણે તેની પત્નીની મોટી બહેન માયા સાથે પણ છલ કર્યું હતું.માયાના પતિ વૈજયંતપુરના શંભર રાજા હતા.એક દિવસ રાવણ શંભરને ત્યાં ગયો અને ત્યાં જઇને રાવણે માયાને પોતાની વાતોમાં ફંસાવી લીધી.આ વાતની જાણ થતા જ શંભરે રાવણને બંદી બનાવી લીધો,એ જ સમયે શંભર ઉપર રાજા દશરથે આક્રમણ કર્યું.આ યુદ્ધમાં શંભરની મૃત્યુ થયું.જ્યારે માયા સતી થવા લાગી ત્યારે રાવણે તેને પોતાની સાથે આવવા કહ્યું.આ વાત સાંભળીને માયાએ કહ્યું કે તે વાસનાયુક્ત મારો સતીત્વ ભંગ કરવાનો પ્રયાસ કર્યો છે એટલે જ મારા પતિની મૃત્યુ થઈ ગઈ એટલે તું પણ એક સ્ત્રીની વાસનાને લીધે જ મરીશ.
(૩) રાજા અનરણ્યનો શ્રાપ..રઘુવંશમાં એક પરમ પ્રતાપી અનરણ્ય નામના રાજા હતા,જ્યારે રાવણ વિશ્વ વિજય કરવા માટે નીકળ્યો ત્યારે રાજા અનરણ્ય સાથે તેનું ભયંકર યુદ્ધ થયું.આ યુદ્ધમાં રાજા અનરણ્યનું મૃત્યુ થયું પરંતુ મરતા પહેલા તેમણે રાવણને શ્રાપ આપ્યો કે હે રાક્ષસ ! તે વ્યંગપૂર્ણ વચનોથી ઇક્ષ્વાકુકૂળનું અપમાન કર્યું છે તેથી મારા જ વંશમાં ઉત્પન્ન થનાર રાજા દશરથના પૂત્ર શ્રીરામ તારી મૃત્યુનું કારણ બનશે.
(૪) વેદવતીનો રાવણને શ્રાપ..રામાયણ મુજબ એક વખત રાવણ પોતાનું પુષ્પક વિમાન લઇને હિમાલયના વનોમાં ફરી રહ્યો હતો ત્યારે તેને એક સુંદર સ્ત્રી જોઇ કે જે તપના અનુષ્ઠાનમાં પ્રવૃત્ત હતી.તે દેવતાઓના ગુરૂ બૃહસ્પતિના પૂત્ર બ્રહ્મર્ષિ કુશધ્વજની પૂત્રી હતી,તેનું નામ વેદવતી હતું,તે ભગવાન વિષ્ણુને પતિના રૂપમાં મેળવવા માટે તપસ્યા કરી રહી હતી,રાવણે તેના વાળ પકડીને ખેંચવા માંડી ત્યારે વેદવતીએ બીજા હાથથી પોતાના વાળ કાપી નાખ્યા એ તપસ્વિની વેદવતીએ અપાર ક્રોધથી અગ્નિને પ્રજ્વલ્લિત કર્યો અને રાવણને કહ્યું કે હે નીચ ! તે મારા શરીરનો સ્પર્શ કર્યો છે તેથી હવે મારે જીવવું યોગ્ય નથી.હું તારી હાજરીમાં જ અગ્નિમાં પ્રવેશ કરીશ અને તારા વધના માટે પૃ્થ્વી ઉપર પુનઃજન્મ લઇશ અને તારા મૃત્યુનું કારણ બનીશ,આમ કહી એ જ ક્ષણે પોતાના શરીરનો ત્યાગ કર્યો.એ વેદવતી જ જનકરાજાની પૂત્રી સીતા છે.
(૫) નલકુબેરનો રાવણને શ્રાપ…વિશ્વ વિજય કરવા માટે રાવણ જ્યારે સ્વર્ગલોક પહોચ્યો તો ત્યાં તેને રંભા નામની અપ્સરાને જોઇ.પોતાની વાસના પૂરી કરવા માટે રાવણે તેનો હાથ પકડી લીધો ત્યારે એ રંભા અપ્સરાએ કહ્યું કે તમે મને આ રીતે સ્પર્શ ન કરો,હું તમારી પૂત્રવધૂ છું.તમારા ભાઇ વૈશ્રવણના પ્રાણ સમાન પૂત્ર નલકુબેર કે જે ત્રણે લોકમાં વિખ્યાત છે,જે ધર્મે બ્રાહ્મણ છે,બળમાં ક્ષત્રિય છે અને કોપે અગ્નિ છે,ક્ષમામાં પૃથ્વી તુલ્ય છે તેમના માટે માટે આરક્ષિત છું એટલે હું તમારી પુત્રવધૂના સમાન છું પરંતુ રાવણ ન માન્યો અને રંભા સાથે દુષ્કર્મ કરવા લાગ્યો.આ વાત જ્યારે નલકુબેરને ખબર પડી ત્યારે તેણે રાવણને શ્રાપ આપ્યો કે હે રાવણ ! આજ પછી તૂં કોઈપણ સ્ત્રીની તેની ઈચ્છા વિના તેને સ્પર્શ કરીશ તો તારા મસ્તકના સૌ ટૂકડા થઈ જશે.
(૬) શૂર્પણખાનો શ્રાપ..દુરાત્મા રાવણ જ્યારે વિશ્વ વિજેતા બનવા નીકળ્યો ત્યારે જે જે રાજા,ઋષિ, દેવ તથા દાનવની કન્યાઓ મળી તેમનું અપહરણ કર્યું.રાવણ જે કન્યાઓને સ્વરૂપવાન જોતો તેને સાથે લઇ જતો હતો.હતો.કલ્પાંત કરતી અનેક કન્યાઓ અને સતી સ્ત્રીઓ શ્રાપ આપતી હતી કે હે અધમ રાક્ષસ ! પરસ્ત્રી ઉપર બળાત્કાર કરવાની આવી આતુરતા રાખે છે તેથી અંતે તૂં પરસ્ત્રીની લાલસામાં જ મૃત્યુ પામશે.રાવણની બહેન શૂર્પણખાના પતિનું નામ વિદ્યુતજિવ્હ હતું,તે કાલકેય નામના રાજાનો સેનાપતિ હતો.તેનું કાલકેયના ચૌદ હજાર સૈનિકો સાથે યુદ્ધ થાય છે,આ યુદ્ધમાં રાવણે અજાણતાં શૂર્પણખાના પતિ પોતાના બનેવી વિદ્યુતજિવ્હનો વધ કરી દીધો હતો તેથી રાવણે તેની તમામ જવાબદારી સ્વીકારી પોતાની માસીના દિકરા ખર રાક્ષસ સાથે રહેવા મોકલી દે છે તે સમયે શૂર્પણખાએ મનોમન રાવણને શ્રાપ આપ્યો હતો કે મારા જ લીધે તારો સર્વનાશ થશે.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)