(૧૭) યુધિષ્ઠિરે માતા કુંતા અને સમગ્ર સ્ત્રી જાતિને શ્રાપ આપ્યો હતો..
હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં અનેક વરદાન અને શ્રાપોનું વર્ણન જોવા મળે છે.આ શ્રાપ અને વરદાનોની પાછળ કોઇને કોઇ વાર્તા અને કારણ હોય છે.આ શ્રાપ અને વરદાનોની પાછળ ભવિષ્યમાં ઘટનાર ઘટના કારણભૂત હોય છે.નિરાકાર પ્રભુ પરમાત્માને સંતપ્રેમ આકાર આપે છે.નિર્ગુણ-નિરાકાર પરમાત્મા સંતો-ભક્તો માટે સગુણ-સાકાર બને છે,પરમાત્મા ધરતી ઉપર નિરાકારમાંથી સાકાર થાય છે.મહાભારત એક ઇતિહાસ ગ્રંથ છે જેમાં અનેક કથાઓ છે જે એક બીજા સાથે જોડાયેલી છે.
યદુવંશીઓમાં શ્રેષ્ઠ શૂરસેન રાજા થયા કે જેઓ વસુદેવના પિતા હતા.તેમને એક કન્યા રત્ન પ્રાપ્ત થાય છે જેનું પૃથા નામ રાખવામાં આવે છે.સત્યવાદી રાજા સૂરસેને પોતાના સંતાનહીન ફોઇના દિકરા કુંતીભોજ રાજાને વચન આપ્યું હતું કે મારા ઘેર જે પહેલું સંતાન થશે તે કુંતીભોજને આપી દેશે તેથી શૂરસેને પોતાનું પ્રથમ સંતાન દિકરી પૃથાને પોતાના મિત્ર રાજા કુંતીભોજને આપી દે છે.કુંતી યુવાન થતાં તેને કુંતીભોજ રાજાએ દેવતાઓનું પૂજન અને અતિથિઓનો આદર-સત્કાર કરવાની જવાબદારી સોંપે છે. એકવાર કુંતીભોજના રાજ દરબારમાં મહર્ષિ દુર્વાસા આવે છે જે ઘણા જ ઉગ્ર સ્વભાવના હતા,તેમનું હ્રદય અતિ કઠોર હતું,તેમની સેવાની જવાબદારી કુંતાને સોંપવામાં આવે છે.કુંતીએ તમામ યત્નોથી તેમને સંતુષ્ટ કર્યા હતા.દુર્વાસાએ દિવ્યદ્રષ્ટિથી જોઇ કુંતાના જીવનમાં આવનારા ભાવિ સંકટનો વિચાર કરી તેને ધર્મની રક્ષા કરવા માટે એક વશીકરણ મંત્ર આપ્યો અને તેના પ્રયોગની વિધિ પણ બતાવી અને કહ્યું કે આ મંત્ર દ્વારા તમે જે મંત્રનું આહ્વાન કરશો તે દેવતાના અનુગ્રહથી તમોને પૂત્રની પ્રાપ્તિ થશે.
મહર્ષિ દુર્વાસાના આમ કહ્યાથી કુંતીના મનમાં કૌતૂહલ થયું.આ યશસ્વિની રાજકન્યા કુંવારી હતી આમ હોવા છતાં મંત્રની પરીક્ષા કરવા માટે સૂર્યદેવનું આહ્વાન કર્યું.આહ્વાન કરતાં જ ભગવાન ભાસ્કર મનુષ્યરૂપ ધારણ કરીને આવ્યા જેમને જોઇને કુંતીને ઘણી નવાઇ લાગી.ભગવાન સૂર્યે કહ્યું કે આપના આહ્વાન કરવાથી હું આવ્યો છું તો બોલો હું તમારૂં ક્યું પ્રિય કાર્ય કરૂં? હું દુર્વાસા ઋષિના મંત્રથી પ્રેરીત થઇ તમારા બોલાવવાથી તમોને પૂત્રની પ્રાપ્તિ કરાવવાના હેતૂથી ઉપસ્થિત થયો છું ત્યારે કુંતી કહે છે કે મહર્ષિ દુર્વાસાએ આપેલ મંત્રની પરીક્ષા કરવા આપનું આહ્વાન કર્યું હતું.આ મારાથી અપરાધ થયો છે જેને ક્ષમા કરો.સ્ત્રીઓથી કોઇ અપરાધ થઇ જાય તો પણ શ્રેષ્ઠ પુરૂષોએ તેમની રક્ષા કરવી જોઇએ.સૂર્યદેવે કહ્યું કે દુર્વાસા ઋષિએ વરદાન આપ્યું છે એટલે ભય છોડીને મારી સાથે સમાગમ કરો.મારૂં દર્શન અમોઘ છે.તમે મારૂં આહ્વાન કર્યું છે અને આ આહ્વાન વ્યર્થ જશે તો તમોને બહુ મોટો દોષ લાગશે ત્યારે કુંતીએ કહ્યું કે હાલ હું કુંવારી છું અને તમારી સાથે સમાગમ કરીશ તો મને અને મારા પરીવારને બદનામી મળશે ત્યારે સૂર્યદેવે કહ્યું કે તમોને કેવા પૂત્રની પ્રાપ્તિ થશે તે સાંભળો.તે માતા અદિતિના આપેલ દિવ્ય કુંડલ મારા કવચ ધારણ કરીને જન્મશે,તે મહાન દાનવીશ થશે.મારી કૃપાથી તમોને કોઇ દોષ નહી લાગે આમ કહી ભગવાન સૂર્યએ કુંતી સાથે સમાગમ કર્યો જેનાથી એક વીર પૂત્ર ઉત્પન્ન થયો અને સૂર્યદેવે કુંતીને કન્યાત્વ પ્રદાન કર્યું.
કુંતીએ કુટુંબીજનોના ભયથી આ બાળકને જળમાં છોડી દીધો.જેને મહાયશસ્વી અધિરથ અને તેની પત્ની રાધાએ સ્વીકારી પૂત્ર તરીકે ઉછેર કર્યો હતો અને તેનું નામ વસુષેણ રાખે છે જે કવચ-કુંડલ સાથે જન્મેલ હોવાથી કર્ણ નામથી પ્રસિદ્ધ થાય છે.અધિરથ ધૃતરાષ્ટ્રના સારથિ હતા તેથી જ્યારે કર્ણ મોટો થયો ત્યારે તેની મિત્રતા દુર્યોધન સાથે થઈ.દુર્યોધન સાથેની તેની મિત્રતા જ તેને કુંતી અને પાંડવોના જીવનમાં પાછી લાવે છે.જ્યારે કર્ણ કુરૂક્ષેત્રના યુદ્ધમાં દુર્યોધન સાથે સૈન્યમાં જોડાય છે ત્યારે કુંતી તેને જણાવે છે કે તે તેની માતા છે પરંતુ જ્યારે કર્ણને પાંડવો સાથેના તેના ભાઈચારા વિશે ખબર પડે છે ત્યારે તે ઘણું મોડું થઈ ગયું હોય છે કારણ કે તેણે પહેલેથી જ દુર્યોધન પ્રત્યે વફાદારીનું વચન આપ્યું હતું.કુંતીને કર્ણ વચન આપે છે કે તે તેના ભાઈઓને નુકસાન નહીં પહોંચાડે અને વચન આપે છે કે તે અર્જુન સિવાય બાકીના ચાર પાંડવોને નહી મારે,મારા હાથે અર્જુન મૃત્યુ પામે કે અર્જુનના હાથે મારૂં મૃત્યું થાય તો પણ તારા પાંચ પૂત્રો તો રહેશે અને હું પુત્ર અને મિત્ર બંને ધર્મને પરિપૂર્ણ કરી શકીશ.મહાભારતના યુદ્ધમાં અર્જુનના હાથે કર્ણનું મૃત્યુ થાય છે.
મહાભારતનું યુદ્ધ જીત્યા બાદ ધર્મરાજ યુધિષ્ઠિર યુદ્ધમાં માર્યા ગયેલા પોતાના પરિવારના સભ્યો અને સંબંધીઓની તર્પણ ક્રિયા કરવા માટે લગભગ એક મહિના સુધી ગંગા કિનારે રહ્યા હતા.આ સમય દરમિયાન મહાત્મા યુધિષ્ઠિરને સાંત્વના આપવા ઘણા ઋષિ-મુનિઓ આવ્યા હતા જેમાં દેવર્ષિ નારદજી પણ આવ્યા હતા ત્યારે યુધિષ્ઠિરે કહ્યું કે આટલા બધા યોદ્ધાઓને માર્યા પછી જ્યારે મને ખબર પડી કે કર્ણ અમારો મોટો ભાઈ છે ત્યારે ઘણું મોડું થઇ ગયું હતું ત્યારે નારદજી કહે છે કે તમારા મોટાભાઇ કર્ણને ગુરૂ પરશુરામનો શ્રાપ મળ્યો હતો.ઘણા લોકોએ તેની સાથે દગો કર્યો હતો,હવે જ્યારે કર્ણનું મૃત્યુ થયું છે ત્યારે તેનો શોક કરવો યોગ્ય નથી.યુધિષ્ઠિર જ્યારે નારદજીની સામે શોક કરી રહ્યા હતા ત્યારે તેમનાં માતા કુંતાજી ત્યાં આવ્યાં અને તેમને સાંત્વના આપવા લાગ્યાં.
માતા કુંતીએ કહ્યું કે મેં અગાઉ પણ કર્ણને બતાવ્યું હતું કે પાંડવો તારા ભાઇઓ છે તથા તેના પિતા ભગવાન ભાસ્કરે પણ તેને સમજાવ્યો હતો.માતા કુંતીની વાત સાંભળીને યુધિષ્ઠિર ગુસ્સે થયા અને કહ્યું કે માતા તમે આ ગોપનીય વાતને ગુપ્ત રાખીને મને ઘણો દુઃખી કર્યો છે અને માતા કુંતીને કહ્યું કે માતા ! આટલી મોટી વાત અમારાથી છુપાવી અને જેના લીધે અમોને મોટા ભાઈના ખૂની બનાવ્યા,આ કહ્યા પછી યુધિષ્ઠિર માતા કુંતી સહિત સમગ્ર સ્ત્રી-જાતિને શ્રાપ આપ્યો અને કહ્યું કે આજે હું સમગ્ર સ્ત્રી જાતિને શ્રાપ આપું છું કે કોઈપણ સ્ત્રી પોતાના મનમાં કોઈપણ ગોપનીય(ખાનગી) વાત તે ઈચ્છે તો પણ તેમના હૃદયમાં છુપાવી શકશે નહીં.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)