(૪) ભગવાન શ્રીરામને વાલી પત્ની તારાએ આપેલ શ્રાપ..
હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં અનેક વરદાન અને શ્રાપોનું વર્ણન જોવા મળે છે.આ શ્રાપ અને વરદાનોની પાછળ કોઇને કોઇ વાર્તા અને કારણ હોય છે.આ શ્રાપ અને વરદાનોની પાછળ ભવિષ્યમાં ઘટનાર ઘટના કારણભૂત હોય છે.નિરાકાર પ્રભુ પરમાત્માને સંતપ્રેમ આકાર આપે છે.નિર્ગુણ-નિરાકાર પરમાત્મા સંતો-ભક્તો માટે સગુણ-સાકાર બને છે,પરમાત્મા ધરતી ઉપર નિરાકારમાંથી સાકાર થાય છે.
કૂર્મ અવતારના સમય દરમ્યાન સમુદ્રમંથનમાંથી ચૌદ રત્નો નીકળ્યા હતા જેમાં વિવિધ દૈવી અપ્સરાઓ હતી.જેમાંની એક તારા હતી.વાલીના પિતા ઇન્દ્રદેવે સમુદ્રમંથનમાં મદદ કરી હતી તેથી તારા નામની અપ્સરાને ઇન્દ્ર લઇ ગયા હતા અને તેમનાં લગ્ન વાનરરાજ વાલી સાથે કર્યા હતા.ભગવાન શ્રીરામે કિષ્કિંધાના વાનરોના રાજા ઇન્દ્રપૂત્ર વાલીને છળ કરીને માર્યો હતો તેથી વાલી પત્ની તારાએ ભગવાન શ્રીરામને શ્રાપ આપ્યો હતો કે આગલા અવતારમાં તેમનું મૃત્યુ મારા પતિ વાલી દ્વારા થશે.ભગવાન વિષ્ણુ દ્વાપરયુગમાં શ્રીકૃષ્ણના રૂપમાં અવતાર લે છે ત્યારે અવતારકાર્યના અંતે એક જરા નામનો પારધી કે જે વાલીનો જ બીજો અવતાર હતો તેમના દ્વારા ભગવાન શ્રીકૃષ્ણનો દેહત્યાગ થાય છે.
આવો મૂળ કથા જોઇએ.ચૌદ વર્ષના વનવાસ દરમ્યાન સીતાજીનું હરણ થાય છે ત્યારે સીતાશોધ માટે શ્રીરામ-લક્ષ્મણ હનુમાનજીના માધ્યમથી સુગ્રીવ સાથે મિત્રતા કરે છે ત્યારે શ્રીરામ પુછે છે કે તમે કિષ્કિંધાનગરી છોડીને અહી ઋષ્યમૂક પર્વત ઉપર કેમ રહો છો? ત્યારે સુગ્રીવ કહે છે કે હું અને વાલી બે ભાઇઓ છીએ.એકવાર મયદાનવનો પૂત્ર માયાવી અડધી રાત્રે અમારા નગરમાં આવે છે અને યુદ્ધ માટે લલકારે છે.વાલી શત્રુના પડકારને સહન ના કરી શક્યો અને તે દોડ્યો તો માયાવી ભાગીને એક પર્વતની ગુફામાં પેસી ગયો,હું પણ ભાઇ સાથે ગયો.વાલીએ મને કહ્યું કે તમે પંદર દિવસ સુધી રાહ જોજો અને હું ના આવું તો જાણી લેજો કે હું માર્યો ગયો છું. મેં એક મહિના સુધી રાહ જોઇ રહ્યો ત્યાં ગુફામાંથી લોહીની મોટી ધારા નીકળી તેથી હું સમજ્યો કે માયાવીએ વાલીને મારી નાખ્યો છે અને બહાર આવીને મને મારશે તેથી ગુફાના દ્વાર ઉપર મોટી શિલા મુકી નગરમાં આવી ગયો.
મંત્રીઓએ નગરને સ્વામી વિનાનું જાણી મને રાજ્ય આપ્યું.વાલી માયાવીને મારીને આવી પહોચ્યો. મને રાજસિંહાસન ઉપર જોઇને તેને શંકા ગઇ,તે સમજ્યો કે હું રાજ્યના લોભથી ગુફાના દ્વાર ઉપર શિલા મુકીને આવ્યો હતો.વાલીએ મને શત્રુ સમજી ઘણો માર્યો.મારૂં સર્વસ્વ અને મારી પત્નીને પડાવી લીધી. હું જ્યાં ગયો ત્યાં વાલીએ મારો પીછો કર્યો.વાલીએ કર્મનું સાક્ષાત રૂપ છે અને સુગ્રીવ એ જીવ છે.જીવ ગમે ત્યાં જશે પણ કર્મ એનો પીછો કરશે.રાવણને છ મહિના બગલમાં દબાવ્યો એનો અર્થ એ છે કે કર્મની આગળ રાવણ જેવો મહારથી પણ પરાજીત થાય છે.વાલી ઋષિઓના શ્રાપના લીધે ઋષ્યમૂક પર્વત ઉપર આવી શકતો નથી.કર્મ કોઇને છોડતું નથી.કર્મથી બચવું હોય તો ઋષ્યમૂક પર્વત ઉપર જાઓ.ઋષ્યમૂક પર્વત એટલે સત્સંગ.સત્સંગમાં બેસશો ત્યાં સુધી કર્મની સત્તા નડશે નહી.નરકમાં નિવાસ સારો પણ દુર્જનનો સંગ ના કરવો.શ્રી રામે કહ્યું કે હું એક જ બાણથી વાલીને મારી નાખીશ.બ્રહ્મા કે રૂદ્રના શરણમાં જવા છતાં તેના પ્રાણ બચશે નહી.
જે લોકો મિત્રના દુઃખે દુઃખી થતા નથી તેમને જોવાથી જ મોટું પાપ લાગે છે.પોતાના પર્વત સમાન દુઃખને ધૂળની સમાન અને મિત્રના ધૂળ સમાન દુઃખને મેરૂની સમાન જાણે,મિત્રને કુમાર્ગે જતાં રોકી સારા માર્ગે ચલાવે,એના ગુણોને પ્રગટ કરે અને અવગુણોને છુપાવે-આ મિત્રના લક્ષણો છે અને જે સામે મળતાં મીઠા વચનો કહે અને પીઠ પાછળ બુરાઇ કરે તથા મનમાં કપટ રાખે-એવા કુમિત્રને છોડી દેવો.મૂર્ખ સેવક, કંજૂસ રાજા,કુલટા સ્ત્રી અને કપટી મિત્ર શૂળની જેમ પીડા આપનાર છે.
ત્યારબાદ સુગ્રીવને વાલી પાસે મોકલ્યો.હું વૃક્ષની પાછળ ઉભો છું અને મને લાગશે ત્યારે બાણ મારીશ.વાલી-સુગ્રીવ વચ્ચે ભયંકર યુદ્ધ થયું અને વાલીના પ્રહારથી ઘાયલ થઇ સુગ્રીવ ભાગ્યો અને શ્રીરામને કહે છે કે તમે બાણ કેમ ના ચલાવ્યું? ત્યારે પ્રભુ કહે છે કે તમારા બંન્ને ભાઇઓ એકસરખા જ લાગો છો અને ક્યાંક તને બાણ વાગે તો દુનિયા એમ કહે કે રામે મિત્રદ્રોહ કર્યો.હવે આખી દુનિયાના ચહેરા બનાવ્યા એને ખબર ના હોય કે કયો વાલી અને કયો સુગ્રીવ? સુગ્રીવના શરીર ઉપર હાથ ફેરવી તેનું શરીર વજ્ર સમાન કરી દીધું અને નિશાની માટે ગળામાં ફુલની માળા પહેરાવી અને ફરીથી અનેક પ્રકારે યુદ્ધ થયું અને છેલ્લે શ્રીરામે ઝાડ પાછળ છુપાઇને વાલીના હ્રદયમાં બાણ માર્યું,વાલીને બ્રહ્માજીનું વરદાન હતું કે જે વ્યક્તિ યુદ્ધ કરવાના ઈરાદાથી એની સામે આવશે તો એનું અડધું બળ વાલીમાં આવી જશે એટલે શ્રીરામે વરદાનની મર્યાદા રાખવા ઝાડ પાછળ છુપાયને બાણ માર્યું હતું.વાલી ધરતી ઉપર પડી ગયો અને કઠોર વચનમાં કહે છે કે આપે ધર્મની રક્ષા માટે અવતાર લીધો છે અને મને શિકારીની જેમ છુપાઇને માર્યો? હું વૈરી અને સુગ્રીવ પ્રિય ! હે નાથ ! કયા દોષે આપે મને માર્યો? હું ન્યાય માંગુ છું. શ્રીરામ કોઇને તેના ગૂન્હા વગર મારતા નથી,કર્મનો જ હિસાબ આપે છે. શ્રીરામ કહે છે કે અનુજ પ્રિયા ભગિની સૂત નારી,સુનુ શઠ એ કન્યા સમ ચારી.. હે મૂર્ખ ! સાંભળ..નાનાભાઇની સ્ત્રી, બહેન,પૂત્રવધૂ અને દિકરી-આ ચારેય સમાન છે તેમની સાથે દિકરી અને બાપ જેવો સબંધ રખાય.જો કોઇ એમની ઉપર કુદ્રષ્ટિથી જુવે તો તેને મારવામાં કોઇ પાપ લાગતું નથી.તારા નાનાભાઇ સુગ્રીવની પત્નીને તે પોતાના શયનખંડમાં રાખી છે.તને અત્યંત અભિમાન છે, તે પોતાની પત્નીની શિખામણ કાને ધરી નહી.
વાલીને પાપનું સ્મરણ થયું અને કહે છે કે હે પ્રભુ ! અંતકાળે આપની શરણ પામીને હું હજુ પાપી રહ્યો? વાલીની કોમલ વાણી સાંભળી શ્રીરામે તેના મસ્તક ઉપર હાથથી સ્પર્શ કરી કહ્યું કે હું તને અમર બનાવી દઉં ત્યારે વાલી કહે છે કે મુનિજનો જન્મોજન્મ અનેક પ્રકારનાં સાધન કરતા રહે છે છતાંય અંતકાળે તેઓના મુખથી રામનામ નીકળતું નથી.જેમના નામના બળથી શિવજી કાશીમાં સર્વને સમાનરૂપથી અવિનાશીની ગતિ (મુક્તિ) આપે છે તે રામ પરબ્રહ્મ મારી નજર સામે ઉભા છે,આવો સંજોગ શું ફરી ક્યારેય બની શકશે? આપને છોડીને આ નશ્વર શરીરનું રક્ષણ કોન માંગે? હે નાથ ! મારા ઉપર દયાદ્રષ્ટિ કરી હું જે વર માંગુ તે આપો. હું કર્મવશાત્ જે યોનિમાં જન્મ લઉં ત્યાં આપના ચરણોમાં પ્રેમ કરૂં. આ મારો પૂત્ર અંગદ વિનય અને બળમાં મારા સમાન છે તેનો સ્વીકાર કરી પોતાનો દાસ બનાવો. જગતનો સાચો વાલી એ છે જે પોતાના દિકરાનો હાથ રામના હાથમાં સોંપે.આમ કહી વાલીએ જેમ હાથી પોતાના ગળામાંથી ફુલોની માળા પડે તે જાણતો નથી તેમ સહેલાઇથી શરીરને છોડી દીધું.યોગીનું મૃત્યુ થાય એવું વાલીનું મૃત્યુ થયું.શ્રીરામે વાલીની પોતાના પરમધામમાં મોકલી દીધો.
વાલીની પત્ની તારા આવીને અનેક પ્રકારે વિલાપ કરવા લાગી.તારાને વ્યાકુળ જોઇ શ્રીરામે તેને જ્ઞાન આપ્યું અને તેની માયા(અજ્ઞાન) હરી લીધી.શ્રીરામે કહ્યું કે છિતિ જલ પાવક ગગન સમીરા,પંચ રચિત અતિ અધમ શરીરા..પૃથ્વી,પાણી,અગ્નિ,વાયુ અને આકાશ-આ પાંચ તત્વોથી આ અત્યંત અધમ શરીર રચવામાં આવ્યું છે,તે શરીર તો પ્રત્યક્ષ તમારી સામે પડ્યું છે અને જીવ નિત્ય છે પછી તૂં શા માટે રડી રહી છે? તારાને જ્યારે જ્ઞાન ઉત્પન્ન થયું ત્યારે ભગવાનના ચરણે પડી અને તેને પરમભક્તિનું વરદાન માંગી લીધું.
આલેખનઃ
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)