(૭) દૈત્ય ગુરૂ શુક્રાચાર્યજીએ રાજા યયાતિને શ્રાપ આપ્યો હતો.
હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં અનેક વરદાન અને શ્રાપોનું વર્ણન જોવા મળે છે.આ શ્રાપ અને વરદાનોની પાછળ કોઇને કોઇ વાર્તા અને કારણ હોય છે.આ શ્રાપ અને વરદાનોની પાછળ ભવિષ્યમાં ઘટનાર ઘટના કારણભૂત હોય છે.નિરાકાર પ્રભુ પરમાત્માને સંતપ્રેમ આકાર આપે છે.નિર્ગુણ-નિરાકાર પરમાત્મા સંતો-ભક્તો માટે સગુણ-સાકાર બને છે,પરમાત્મા ધરતી ઉપર નિરાકારમાંથી સાકાર થાય છે.
પાંડવોના પૂર્વજ નહૂષનંદન મહારાજા યયાતિ દેવરાજ ઇન્દ્ર સમાન તેજસ્વી હતા,તેઓ પ્રજાપતિની દશમી પેઢીમાં ઉત્પન્ન થયા હતા.તેમનો વિવાહ દૈત્યગુરૂ શુક્રાચાર્ય કે જે મૃતસંજીવની વિદ્યાના જ્ઞાતા હતા તેમની પૂત્રી દેવયાની સાથે થયું હતું.એકવાર ચૈત્રરથ નામના દેવોના ઉદ્યાનમાં કેટલીક કન્યાઓ જલક્રીડા કરી રહી હતી તે સમયે દેવરાજ ઇન્દ્રે વાયુનું રૂપ ધારણ કરીને તમામનાં કપડાં અરસપરસ બદલી નાખ્યાં. જ્યારે તમામ કન્યાઓ એક સાથે બહાર આવે છે અને પોતપોતાના વસ્ત્ર ધારણ કરે છે પરંતુ વસ્ત્ર અરસ પરસ થઇ ગયાં હતાં તેથી શર્મિષ્ઠાએ ભૂલથી દેવયાનીના વસ્ત્ર પહેરી લીધા.શર્મિષ્ઠા રાજા વૃષપર્વાની પૂત્રી હતી.વસ્ત્ર અરસપરસ થઇ જવાથી શર્મિષ્ઠા અને દેવયાની વચ્ચે ઘણો મોટો ઝઘડો થયો અને એકબીજાને અપમાનજનક શબ્દો કહ્યા,અપમાન કર્યું અને છેલ્લે શર્મિષ્ઠાએ દેવયાનીને એક કૂવામાં નાખી દીધી.તે સમયે નહૂષપૂત્ર યયાતિ ત્યાં આવી ચઢે છે અને દેવયાનીનો હાથ પકડીને કૂવામાંથી બહાર કાઢે છે.કૂવામાં થી બહાર નીકળ્યા પછી દેવયાની કહે છે કે તમે મારો જમણો હાથ પકડ્યો છે તેથી આપ મારા પતિ બનશો.યયાતિ તો પોતાના નગરમાં ચાલ્યા જાય છે.આ બાજુ દેવયાનીને આવતાં વિલંબ થયો હોવાથી શુક્રાચાર્ય ચિંતિત હતા તે સમયે દેવયાની આવી પહોંચે છે.દીન બનીને રડતી પૂત્રીને જોઇને શુક્રાચાર્ય પુછે છે કે બેટા તારી આ દશા કોને કરી છે? ત્યારે દેવયાની તમામ હકીકત પિતાને કહે છે કે હવે તે વૃષપર્વાના નગરમાં પગ નહી મુકવાનો સંકલ્પ કર્યો છે.
શુક્રાચાર્યજી દેવયાનીને સમજાવે છે કે જે પોતાનામાં ઉત્પન્ન ક્રોધને અક્રોધ(ક્ષમાભાવ) દ્વારા મનમાં થી કાઢી નાખે છે તેને સમગ્ર જગતને જીતી લીધું છે.જે ક્રોધને રોકી લે છે,નિંદા સહન કરે છે અને જેને બીજો કોઇ સતાવે તો પણ દુઃખી થતો નથી તે મહાન છે.ક્રોધીના યજ્ઞ-દાન અને તપ નિષ્ફળ જાય છે. ક્રોધીને અપવિત્ર કહે છે,તે તપ કરી શકતો નથી,તેનો આલોક-પરલોક નષ્ઠ થઇ જાય છે.જેનો સ્વભાવ ક્રોધી છે તેના પૂત્ર,સુહ્રદય,મિત્ર,પત્ની,ધર્મ અને સત્ય-તેને છોડીને ચાલ્યાં જાય છે.વૃષપર્વાની પૂત્રી શર્મિષ્ઠાએ મને જે કઠોર દુર્વચનો કહ્યાં છે એનાથી મોટી દુઃખની વાત બીજી કોઇ ના હોઇ શકે.વાણી દ્વારા જે ભયાનક કડવાં વચન નીકળે છે તેનાથી ઘાયલ થયેલાના હ્રદયના ઘા ક્યારેય રૂઝાતા નથી.
દેવયાનીની વાતો સાંભળીને શુક્રાચાર્યજી ઘણા જ ક્રોધથી વૃષપર્વાની રાજસભામાં જાય છે અને કહે છે કે જે અધર્મ કરવામાં આવે છે તેનું ફળ તરત મળતું નથી.અંગિરાના પૌત્ર કચ વિશુદ્ધ બ્રાહ્મણ છે, સ્વાધ્યાય પરાયણ,હિતૈષી,ક્ષમાવાન,સ્વભાવથી નિષ્પાપ,ધર્મજ્ઞ અને જીતેન્દ્રિય છે તે મારા આશ્રમમાં રહી નિરંતર મારી સેવા કરી વિદ્યા પ્રાપ્ત કરી રહ્યા હતા તેને તમે વારંવાર મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો અને હવે મારી પૂત્રી દેવયાનીને મારી નાખવા કૂવામાં નાખી દીધી હતી,આ બે કારણોસર હું તમારો તથા તમારા ભાઇ-બંધુઓનો ત્યાગ કરૂં છું.ત્યારે રાજા વૃષપર્વ કહે છે કે હે ભૃગુનંદન ! મેં આપની ઉપર ક્યારેય અધર્મ કે મિથ્યાભાષણનો દોષ લગાવ્યો નથી.આપ સદાય ધર્મ અને સત્યમાં પ્રતિષ્ઠિત છો એટલે આપ અમારી ઉપર કૃપા કરીને પ્રસન્ન થાઓ.જો આપ અમોને છોડીને જતા રહેશો તો અમે સમુદ્રમાં સમાઇ જઇશું. આપ અમોને છોડીને દેવતાઓના પક્ષમાં જતા રહેશો તો અમે સળગતી આગમાં કૂદી પડીશું.ત્યારે શુક્રાચાર્યજીએ કહ્યું કે મારી પૂત્રી દેવયાની સાથે કરેલ અપ્રિય વ્યવહારને હું સહન નહી કરી શકું.તમે દેવયાનીને પ્રસન્ન કરો.
રાજા વૃષપર્વા દેવયાની પાસે જઇને શુક્રાચાર્યજીએ કહેલ વાતો કહે છે અને વિનંતી કરે છે કે આપ જે વસ્તુ પ્રાપ્ત કરવા ઇચ્છો તે દુર્લભ હશે તો પણ તમોને આપીશ.ત્યારે દેવયાનીએ કહ્યું કે હે રાજા તમારી પૂત્રી શર્મિષ્ઠા એક હજાર કન્યાઓ સાથે મારા પિતાજી મારૂં જ્યાં લગ્ન કરે ત્યાં મારી દાસી બનીને રહે.આ સાંભળીને રાજાએ પોતાની પૂત્રી શર્મિષ્ઠાને રાજસભામાં હાજર થવા અને દેવયાનીની કામના પુરી કરવા હુકમ કર્યો. કૂળના હિત માટે એક મનુષ્યનો ત્યાગ કરો,રાજ્યના માટે એક ગામની ઉપેક્ષા કરો અને આત્મ- કલ્યાણના માટે સમગ્ર પૃથ્વીનો ત્યાગ કરી દો.શર્મિષ્ઠાએ કહ્યું કે દેવયાની જે ઇચ્છે છે તે હું કરીશ,મારા અપરાધના લીધે દેવયાની અને ગુરૂ શુક્રાચાર્ય નગર છોડીને ના જવા જોઇએ.હું મારા પિતાજી અને નગર જનોને દુઃખ પહોચાડવા માંગતી નથી.
જ્યારે શર્મિષ્ઠા દેવયાનીની દાસી બનવા તૈયાર થઇ ત્યારે દેવયાની વૃષપર્વાના નગરમાં પ્રવેશ કરવા તૈયાર થઇ.શર્મિષ્ઠા એક હજાર દાસીઓ સાથે દેવયાનીની સેવામાં હાજર થયા બાદ તમામ સખીઓ સાથે વિચરણ કરવા લાગી.એકવાર નહૂષપૂત્ર રાજા યયાતિ દૈવઇચ્છાથી એ વનમાં આવી પહોંચે છે અને દેવયાની સાથે પરસ્પર વિવાહ પ્રસ્તાવ રાખે છે.ત્યારે યયાતિ કહે છે કે જ્યારે આપના પિતા શુક્રાચાર્યજી આપને મારે હવાલે કરશે ત્યારે હું આપની સાથે લગ્ન કરીશ.તે સમયે શુક્રાચાર્યજી આવીને કહે છે કે હે નહૂષનંદન ! મારી પૂત્રીએ આપને પતિરૂપમાં પસંદ કરેલ છે એટલે મારી પૂત્રીને આપ પટરાણીના રૂપમાં ગ્રહણ કરો,સાથે સાથે એ પણ કહ્યું કે રાજા વૃષપર્વાની પૂત્રી શર્મિષ્ટા એક હજાર દાસીઓ સાથે તમોને સમર્પિત છે તેમનો સદા આદર કરજો પણ ક્યારેય તેને પોતાની સેજ ઉપર ના બોલાવશો,એકાંતમાં તેની સાથે વાત ના કરશો કે ક્યારેય તેના શરીરનો સ્પર્શ ના કરશો.ત્યારબાદ દેવયાની અને યયાતિના શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ધામધૂમથી લગ્ન થાય છે.
યયાતિની રાજધાની મહેન્દ્રપુરી(અમરાવતી) સમાન હતી તેના અંતઃપુરમાં દેવયાનીને સ્થાન આપ્યું તથા શર્મિષ્ઠા અને એક હજાર દાસીઓને રહેવા માટે નજીકમાં મહેલ બનાવી રહેવાની વ્યવસ્થા કરી. દેવયાની અને યયાતિએ ઘણા વર્ષો સુધી વિહાર કર્યો અને દેવયાનીના ગર્ભથી એક રાજકુમારનો જન્મ થયો અને આમ એક હજાર વર્ષ વિતી ગયા.શર્મિષ્ઠાએ વિચાર્યુ કે દેવયાની તો પૂત્રવતી થઇ પણ મારી યુવાની તો વ્યર્થ જઇ રહી છે અને તેને યયાતિથી એક પૂત્રની કામના કરી ત્યારે યયાતિએ કહ્યુ કે અમારા લગ્ન સમયે શુક્રાચાર્યે શર્મિષ્ઠાને પોતાની સેજ ઉપર ના બોલાવવાનું વચન લીધેલ છે.
શર્મિષ્ઠાએ કહ્યું કે ર્હંસી-મજાકમાં બોલેલ અસત્ય હાનીકારક હોતું નથી,પોતાની સ્ત્રી સાથે,વિવાહ સમયે,પ્રાણ સંકટમાં હોય ત્યારે,સર્વસ્વનું અપહરણ થઇ જાય તેવા સમયે અને કોઇ નિર્દોષના પ્રાણ બચાવવા વિવશ થઇને અસત્ય બોલવું પડે તેનાથી દોષ લાગતો નથી.શુક્રાચાર્યે વિદાય વખતે આપને શર્મિષ્ઠા અને હજાર દાસીઓનું પાલન-પોષણ અને આદર કરવાનું કહેલ છે,આપ તેમના વચનને મિથ્યા ન કરો.હું ઇચ્છું છું કે આપ મને સંતાનવતી બનાવો.રાજાને શર્મિષ્ઠાની વાત યોગ્ય લાગતાં તેને ભાર્યાનું સ્થાન આપ્યું અને શર્મિષ્ઠા સાથે સમાગમ કર્યો.યયાતિ સાથે કામભોગ કરવાથી શર્મિષ્ઠા ગર્ભવતી બને છે અને એક બાળકને જન્મ આપે છે.
દેવયાનીએ જ્યારે જાણ્યું કે શર્મિષ્ઠાએ પૂત્રનો જન્મ આપ્યો છે ત્યારે તેની પાસે જઇને કહે છે કે તે કામલોલુપ થઇને પાપ કરેલ છે.ત્યારે શર્મિષ્ઠા જુઠુ બોલે છે કે એક ધર્માત્મા ઋષિ આવ્યા હતા જે વેદોના પારંગત વિદ્વાન હતા તેમની પાસે મેં ધર્માનુસાર કામસુખની કામના કરી હતી અને તેમનાથી મને પૂત્ર પ્રાપ્તિ થઇ છે.દેવયાનીએ તે ઋષિનું નામ-ગોત્ર અને કૂળનો પરીચય પુછ્યો તેનો શર્મિષ્ઠા જવાબ ના આપી શકી.દેવયાનીને રાજા યયાતિથી બે પૂત્ર થયા યદુ અને તુર્વસુ અને શર્મિષ્ઠાથી ત્રણ પૂત્રો થયા દ્રહ્યું-અનુ અને પુરૂ. એકવાર દેવયાની રાજા યયાતિ સાથે વિહાર કરતી હતી ત્યારે પુછ્યું કે આ ત્રણ પૂત્રો કોના છે? તેજ અને રૂપમાં તો તમારા જેવા લાગે છે.રાજા જવાબ ના આપતાં દેવયાનીએ રાજકુમારોને પુછ્યું કે બેટા તમે કયા કૂળના છો? તમારા પિતા કોન છે? ત્યારે રાજકુમારોએ યયાતિ સામે આંગળી કરીને કહ્યું કે આ અમારા પિતા અને શર્મિષ્ઠા અમારી માતા છે.
દેવયાની શર્મિષ્ઠા પાસે જઇને કહે છે કે તૂં તો કહેતી હતી કે એક ઋષિથી બાળકો થયા છે.તૂં મારે આધિન હોવા છતાં મને અપ્રિય થાય તેવું કામ કેમ કરેલ છે? તે સમયે શર્મિષ્ઠા સત્ય કહી દે છે ત્યારે દેવયાની રાજા યયાતિને કહે છે કે હવે હું તમારી સાથે રહી શકું તેમ નથી તેમ કહીને શુક્રાચાર્ય પાસે જતી રહે છે,યયાતિ પણ તેની પાછળ પાછળ જાય છે.બંન્ને શુક્રાચાર્યને પ્રણામ કરે છે.દેવયાની પિતાને સર્વ હકીકતથી વાકેફ કરે છે ત્યારે શુક્રાચાર્ય યયાતિને શ્રાપ આપ્યો કે તમે ધર્મજ્ઞ થઇને અધર્મનું આચરણ કરેલ છે તેથી તમે વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત કરશો.યયાતિ કહે છે કે દાનવરાજની પૂત્રીએ મારી પાસે ઋતુદાન માંગ્યું તેને ધર્મસંમત માનીને આ કાર્ય કરેલ છે.મારૂં વ્રત છે કે કોઇ મારી પાસે કંઇક માંગે તો હું ના કહી શકતો નથી. શર્મિષ્ઠાને આપે મને સોપ્યા પછી તે અન્ય કોઇ પુરૂષને પતિ બનાવવા ઇચ્છતી નહોતી તેથી તેની ઇચ્છા પુરી કરવી તેને ધર્મ સમજીને આ કાર્ય કરેલ છે.આપ તેના માટે મને ક્ષમા કરો.
શુક્રાચાર્યજી કહે છે કે હું અસત્ય બોલતો નથી,તમે વૃદ્ધ તો થઇ ગયા છો પરંતુ એટલી છુટ આપું છું કે તમે બીજાની યુવાની લઇ શકશો.યયાતિએ પોતાના પૂત્રોને કહ્યું કે મને હજું ભોગોથી તૃપ્તિ થઇ નથી માટે તમારી યુવાની મને આપો તો યદુ,તુર્વસુ,દ્રુહ્યું અને અનુએ યુવાની ના આપી તો તેમને શ્રાપ આપ્યો અને પુરૂએ પોતાની યુવાની આપી જેનાથી એક હજાર વર્ષ સુધી ભોગો ભોગવ્યા અને પુરૂને વરદાન આપ્યું.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)