(૮) શમિક ઋષિના પૂત્ર શ્રૃંગીએ રાજા પરીક્ષિતને શ્રાપ આપ્યો હતો..
હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં અનેક વરદાન અને શ્રાપોનું વર્ણન જોવા મળે છે.આ શ્રાપ અને વરદાનોની પાછળ કોઇને કોઇ વાર્તા અને કારણ હોય છે.આ શ્રાપ અને વરદાનોની પાછળ ભવિષ્યમાં ઘટનાર ઘટના કારણભૂત હોય છે.નિરાકાર પ્રભુ પરમાત્માને સંતપ્રેમ આકાર આપે છે.નિર્ગુણ-નિરાકાર પરમાત્મા સંતો-ભક્તો માટે સગુણ-સાકાર બને છે,પરમાત્મા ધરતી ઉપર નિરાકારમાંથી સાકાર થાય છે.
પાંડવોના સ્વર્ગારોહણ પછી અભિમન્યુના પૂત્રે હસ્તિનાપુરમાં શાસન કર્યું હતું.તેમના રાજ્યમાં તમામ પ્રજા સુખી-સંપન્ન હતી.એકવાર રાજા પરીક્ષિત શિકાર ખેલતાં ખેલતાં ઘણા દૂર નીકળી જાય છે ત્યારે તેમને એક આશ્રમ જોયો ત્યાં શમિક નામના ઋષિ મૌન અવસ્થામાં ધ્યાનમાં બેઠા હતા.તરસથી વ્યાકુળ રાજાએ તેમની સાથે વાત કરવા પ્રયત્ન કર્યો પરંતુ ઋષિ ધ્યાનમાં હોવાથી કોઇ જવાબના આપ્યો. આ જોઇને પરીક્ષિતને ઘણો જ ક્રોધ આવે છે અને તેમને નજીકમાં પડેલ મરેલ સાપ તેમના ગળામાં નાખ્યો.આ વાતની જાણ શમિક ઋષિના પૂત્ર શ્રૃંગીને થાય છે તો તેમને રાજાને શ્રાપ આપ્યો કે આજથી સાતમા દિવસે તક્ષક નાગ રાજા પશીક્ષિતને કરડશે અને તેમનું મૃત્યુ થશે.
આવો શ્રીમદ્ ભાગવતમાં વર્ણવેલ કથા જોઇએ.એકવાર રાજા પરીક્ષિત ધનુષ્ય લઇને વનમાં મૃગયા માટે વિચરતા હતા.હરણોની પાછળ દોડતાં દોડતાં તેઓ થાકી ગયા અને તેમને ઘણી ભૂખ અને તરસ લાગ્યાં.જ્યારે ક્યાંય તેમને જળાશય ન મળ્યું ત્યારે નજીકમાં આવેલ શમિક ઋષિના આશ્રમમાં પ્રવેશ્યા.તેમને જોયું કે ત્યાં શમિક મુનિ આંખો બંધ કરીને શાંતભાવે આસન ઉપર બેઠા હતા.તેઓ ઇન્દ્રિયો, પ્રાણ,મન અને બુદ્ધિનો નિરોધ થઇ જવાથી સંસારથી પર થઇ ગયા હતા.તેઓ જાગ્રત,સ્વપ્ન અને સુષુપ્તિ-આ ત્રણ અવસ્થાઓથી રહિત નિર્વિકાર બ્રહ્મરૂપ તુરીય અવસ્થામાં સ્થિર હતા.રાજાએ તેમની પાસે પાણી માંગ્યું.પાણી તો બાજુએ રહ્યું બેસવાનું આસન કે આદર-સત્કાર ન મળ્યો તેથી પોતાનું અપમાન થયું છે તેમ માની રાજાને ક્રોધ આવ્યો.ક્રોધવશ તેમને મરેલો સાપ ધનુષ્યની અણીથી ઉપાડી ઋષિના ગળામાં નાખ્યો અને પોતાના નગરમાં આવી ગયા.
શમિક ઋષિનો પૂત્ર શ્રૃંગી બીજા ઋષિકુમારો સાથે રમી રહ્યા હતા તેમને પોતાના પિતાનું આવું અપમાન જોઇને બહુ દુઃખ થયું અને નજીકમાંથી પસાર થતી કૌશિકી નદીનું જળ લઇ શ્રાપ આપ્યો કે કુલાંગાર પરીક્ષિતે ધર્મની પ્રસ્થાપિત મર્યાદાનો ભંગ કરીને મારા પિતાનું અપમાન કર્યું છે માટે આજથી સાતમા દિવસે તક્ષકનાગ કરડવાથી એમનું મૃત્યુ થશે.બ્રહ્મર્ષિ શમિકે રાજાને અપાયેલા શ્રાપની વાત સાંભળીને શ્રૃંગીને કહ્યું કે હે મૂર્ખ બાળક ! તે મોટું પાપ કર્યું છે,તે નાની ભૂલનો મોટો દંડ આપ્યો છે. ભગવત્સ્વરૂપ રાજા સાધારણ મનુષ્યો જેવા હોતા નથી.સમ્રાટ પરીક્ષિત યશસ્વી અને ધર્મપાલક છે.તે ભગવાનના પરમ પ્રિય ભક્ત છે.ભગવદભક્તોમાં બદલો લેવાની શક્તિ હોય છે છતાં તેઓ બીજાઓએ કરેલા અપમાન,દગાબાજુ,ગાળાગાળી,આક્ષેપ અને મારપીટનો કોઇ બદલો લેતા નથી તેથી આપણે પણ કોઇ બદલો ના લેવો જોઇએ કારણ કે આપણે ભગવદભક્ત છીએ.
રાજધાનીમાં પહોચ્યા પછી પરીક્ષિતને ઘણો જ પસ્તાવો થાય છે,તે વિચારવા લાગ્યા કે મેં નિર્દોષ અને તેજયુક્ત ઋષિ સાથે નીચ વ્યવહાર કર્યો છે તે મહાત્માના અપમાનના ફળ સ્વરૂપે મારા ઉપર ભયંકર વિપત્તિ આવશે.તે આવું વિચારતા હતા તે જ સમયે શમિક ઋષિનો એક શિષ્ય આવીને તેમને તમામ હકીકતથી રાજાને વાકેફ કરે છે.ભગવાનના ચરણકમળોની સેવાને સર્વોપરી માનીને રાજ્ય કારભાર પોતાના પૂત્ર જનમેજયને સોંપીને રાજા આમરન અનશન વ્રત લઇ ગંગા કિનારે જઇને બેઠા છે.તે સમયે મોટા મોટા ઋષિમુનિઓ ત્યાં પધાર્યા છે.રાજાએ તમામનો યથાયોગ્ય સત્કાર કર્યો અને તમામની ચરણ વંદના કરી.તે સમયે પૃથ્વી ઉપર સ્વેચ્છાએ વિચરણ કરતા વ્યાસપૂત્ર શુકદેવજી પ્રગટ થયા,તેઓ અવધૂત દશામાં હતા.તેમને આવતા જોઇ તમામ ઋષિમુનિઓ પોતપોતાનું આસન છોડીને તેમના સન્માન માટે ઉભા થયા.રાજા પરીક્ષિતે માથુ નમાવી તેમને પ્રણામ કર્યા અને તેમની પૂજા કરી અને શ્રેષ્ઠ આસન ઉપર બેસાડ્યા અને રાજા પરીક્ષિતે મધુરવાણીથી કહ્યું કે હે બ્રહ્મસ્વરૂપ ભગવાન ! આજે હું ધન્ય થયો.આપ જેવા મહાત્માના પગલાં પડતાં ગૃહસ્થોના ઘર પવિત્ર થઇ જાય છે.
પરીક્ષિતે પ્રશ્ન કર્યો કે જે મનુષ્ય સર્વથા મરણાસન્ન હોય તેને શું કરવું જોઇએ? મનુષ્યે કોનું શ્રવણ, કોનો જાપ? કોનું સ્મરણ અને કોનું ભજન કરવું જોઇએ? તથા કોનો ત્યાગ કરવો જોઇએ? ત્યારે શુકદેવજીએ કહ્યું કે તમારો પ્રશ્ન ઘણો ઉત્તમ છે.હે રાજન ! જે ગૃહસ્થો ઘરના કામ-ધંધાઓમાં ગૂંચવાયેલા છે તે પોતાના સ્વરૂપને જાણતા નથી,રાત-દિવસ તેમને મૃત્યુનો કોળિયો થતાં જોઇને પણ તે ચેતતા નથી.જે મનુષ્ય અભયપદ પામવા ઇચ્છે છે તેમને સર્વાત્મા,સર્વશક્તિમાન ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓનું શ્રવણ-સ્મરણ અને કિર્તન કરવું જોઇએ.મનુષ્ય જન્મનો એટલો જ લાભ છે કે ગમે તે રીતે જ્ઞાનયોગ,ભક્તિયોગ કે પોતાના ધર્મ પ્રમાણે નિષ્કામભાવે શાસ્ત્રની આજ્ઞાનુસાર કર્તવ્યકર્મ કરવું.જેઓ નિર્ગુણ સ્વરૂપમાં સ્થિત છે તે મોટા-મોટા ઋષિમુનિઓ પણ ભગવાનના અનંત કલ્યાણમય ગુણોના કથન-વર્ણનમાં રમમાણ કરે છે.
શુકદેવજી કહે છે કે દ્વાપરયુગના અંતમાં વેદતુલ્ય શ્રીમદ ભાગવત મહાપુરાણનું મેં મારા પિતા શ્રી વ્યાસજી પાસેથી અધ્યયન કર્યું હતું.મારી પરમાત્માના નિર્ગુણ સ્વરૂપમાં પૂર્ણ નિષ્ઠા છે તો પણ ભગવાન શ્રીકૃષ્ણની મધુર લીલાઓએ મારા હ્રદયને બળપૂર્વક પોતાની તરફ આકર્ષી લીધું.તમે ભગવાનના પરમ ભક્ત છો એટલે હું તમોને તે ભાગવત મહાપુરાણ સંભળાવીશ.જેઓ શ્રદ્ધા રાખે છે તેમની શુદ્ધ ચિત્તવૃતિ અત્યંત પ્રેમ સાથે ભગવાનમાં પરોવાઇ જાય છે,સંસારથી વિરક્ત થઇ નિર્ભય મોક્ષપદને પ્રાપ્ત થાય છે. આસન,શ્વાસ,આસક્તિ અને ઇન્દ્રિયો પર વિજ્ય પ્રાપ્ત કરીને બુદ્ધિ વડે મનને ભગવાનના સ્થૂળરૂપમાં પરોવવું જોઇએ.અનંતકોટી બ્રહ્માંડ જ વિરાટપુરૂષનો સ્થૂળદેહ છે.વિરાટપુરૂષ પૃ્થ્વી પાણી અગ્નિ વાયુ આકાશ અહંકાર મહત્તત્વ અને પ્રકૃતિ-આ સાત આવરણોથી ઘેરાયેલો છે એને વિરાટપુરૂષ કહે છે.તે ભગવાન બધા પ્રાણીઓના આત્મા છે.તેનું ભજન કરવું જોઇએ,ક્યાંય પણ આસક્ત થવું ના જોઇએ, આસક્તિ જ પતનનું કારણ છે.
મૃત્યુનો સમય નજીક આવે ત્યારે શાંતિ રાખવી.ડરવું-ગભરાવવું કે બેચેન ના બનવું.વૈરાગ્યનો આશ્રય લઇ પરમાત્માના પરમપવિત્ર નામનો જપ કરવો.અંત સમયે મન પરમાત્મામાં મળી જાય અને વાસનારહિત થાય તો જીવન કૃતાર્થ બની જાય છે.શુકદેવજીએ રાજા પરીક્ષિતને શ્રીમદ ભાગવત મહા પુરાણની કથા સંભળાવી તેથી તેમની બુદ્ધિ વિશુદ્ધ બની પરમાત્માભાવમાં પ્રતિષ્ઠિત થઇ અને પરમાત્માનો સાક્ષાત્કાર થયો કે હું શરીર નથી હું બ્રહ્મ છું એવું મનન કરતાં કરતાં રાજાએ વાણીને બંધ કરીને પરમાત્મામાં મનને વિલિન કરી પોતાના એકરસ અનંત અખંડ સનાતન સ્વરૂપમાં લીન થઇ ગયા,શરીર છોડી દીધું.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)