પાંચ કર્મેન્દ્રિય-પાંચ જ્ઞાનેન્દ્રિય અને અગિયારમું મન..આ અગિયાર ઈન્દ્રિયોને પ્રભુમાં પરોવી રાખવી એ એકાદશી છે.
આજે દેવશયની એકાદશીથી ચાર્તુમાસની શરૂઆત થાય છે.દેવશયની એકાદશીથી દેવપ્રબોધિની એકાદશી સુધી ભગવાન વિષ્ણુ બલિરાજા પાસે પાતાળમાં ચાલ્યા જાય છે તેથી આ સમયગાળા દરમ્યાન લગ્ન ગૃહ પ્રવેશ નામકરણ વિધિ મુંડન વિધિ જેવા શુભ કાર્યો થતા નથી.આ ચાર મહિના માટે પૃથ્વીનો ભાર ભગવાન વિષ્ણુ શિવજીને સોંપીને જાય છે.
જ્યારે જ્યારે પૃથ્વી ઉપર ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે ભક્તોની રક્ષા કરવા માટે પાપકર્મ કરનારાઓનો વિનાશ કરવા માટે અને ધર્મની સમ્યક રીતે સ્થાપના કરવા માટે અને પોતાના ભક્તોને નિજ સ્વરૂપનું સુખ આપવા ભગવાન નારાયણ સ્વંય અવતાર ધારણ કરે છે.વામન અવતાર ભગવાન નારાયણનો પાંચમો અવતાર હતો.જેમાં પ્રભુએ વામનરૂપમાં દેવરાજ ઇન્દ્રની રક્ષા માટે પૃથ્વી પર અવતાર લીધો હતો.આ અવતારની વાર્તા અસુર રાજા બલિથી શરૂ થાય છે.બલિ વિરોચનનો પૂત્ર હતો.પ્રહ્લાદનો પૂત્ર વિરોચન નાસ્તિક નીકળ્યો.તેની અસર તેના દિકરા વાલિ ઉપર પડી.પિતા કરતાં દાદાના સંસ્કાર પૌત્રમાં વધુ આવતા હોય છે.
પૌરાણિક કથા અનુસાર અદિતી અને ઋષિ કશ્યપના ત્યાં ભગવાન વામનનો જન્મ થયો.વામન બાળપણથી સર્જનાત્મક શક્તિ ધરાવનાર અને સાહસિક પ્રભાવશાળી અતિ બુદ્ધિશાળી હતા.તેમને લોકજાગૃતિ નિર્માણ કરી.સંસ્કૃતિના વિચારોને લઇને ઘેર ઘેર ગયા,વ્યાપક થયા એટલે વામનમાં વિરાટ બન્યા.પ્રત્યેકમાં રહેલા ભગવાનને જાગૃત કર્યા.લોકોમાં ભગવાન ઉપર પ્રેમ વધવા લાગ્યો.લોકો તેજસ્વી અને દિવ્ય જીવન જીવવા લાગ્યા.રાજા બલિ એક મહાન દાનવીર,ધાર્મિક અને સાત્વિક શાસક હતા અને પ્રજા તેમને ખુબ પ્રેમ કરતી હતી છતાં તે એક અભિમાની રાક્ષસ હતો.તેમનું રાજ્ય ખુબ જ સમૃદ્ધ હતુ અને પિતામહ પ્રહલાદ અને ગુરૂ શુક્રચાર્યે તેમને વેદોનું જ્ઞાન આપ્યુ હતું પણ તેણે લોકોમાં રહેલી ઇશ્વરનિષ્ઠા અને વેદનિષ્ઠા શિથિલ કરી નાખી.બ્રાહ્મણોને સાંસ્કૃતિક કાર્યોમાંથી દૂર કરીને ફક્ત કર્મકાંડમાં જ રોકી રાખ્યા.આસુરીવૃત્તિના જડવાદી ક્ષત્રિયોને રાજ્યમાં મહત્વના સ્થાનો આપ્યા.વ્યાપાર ભોગવાદી વૈશ્યોના હાથમાં ગયો.આ રીતે બલિએ ત્રણે વર્ણવ્યવસ્થા ખલાસ કરી નાખી.શિક્ષણ બ્રાહ્મણોના હાથમાંથી લઇને રાજસત્તાને સોપ્યું તેથી શિક્ષણ ક્ષુદ્ર હલકું અને દુર્બળ થયું.સમાજમાંથી ભગવદનિષ્ઠા અને પ્રભુ ઉપરનો પ્રેમ ચાલ્યો ગયો અને પૈસો જ મુખ્ય બન્યો.
આ સમય દરમિયાન બલિએ નવ્વાણું અશ્વમેઘ યજ્ઞો પુરા કરી દીધા હતા.માત્ર એક યજ્ઞ કર્યા બાદ તેને દેવોના ઇન્દ્રનો મુકુટ પહેરાવી દેવાનો હતો ત્યાં જ દરબારમાં બાળક સ્વરૂપે નારાયણ વામન સ્વરૂપે પહોંચી ગયા.બલિએ વિનમ્ર થઇને તે બાળકને સિંહાસન પર બેસવા કહ્યું.બાદમાં બલિએ કહ્યું કે મુનિવર આજના દિવસે હું કોઇપણ વ્યક્તિને કોઇપણ દક્ષિણા આપી શકુ છું. આપ ચાહો તે મારી પાસે માંગી શકો છો ત્યારે દાનવાચાર્ય શુક્રાચાર્ય વામન અવતારધારી વિષ્ણુને ઓળખી ગયા.બલિરાજા તેમની છલનાનો ભોગ બનશે એવી આશંકાને લીધે બલિરાજાને ત્રણ ડગલાં ભૂમિનું દાન કરતો અટકાવવાનો તેમનો પ્રયત્ન નિષ્ફળ જતાં દાન આપતા બલિરાજા ઝારીમાંથી દાનસંકલ્પ માટે પાણી લેવાનો પ્રયત્ન કરે તે પહેલાં તેના નાળચામાં પ્રવેશી જળ આવતું અટકાવવાનો પ્રયત્ન શુક્રાચાર્યે કર્યો પણ વામને દર્ભ-શલાકાથી એ અંતરાય દૂર કરવા જતાં શુક્રાચાર્યનું એક નેત્ર ફૂટી ગયું અને બહાર આવી ગયા.શુક્રાચાર્યના પ્રયત્નો બલિરાજાની દાનવીરતા અને વામનની પ્રયુક્તિ સામે નિષ્ફળ નીવડ્યા.
ભગવાન વામને કહ્યું કે મહારાજ મને ત્રણ પગલા જમીન જોઇએ છે ત્યારે બલિએ કહ્યું કે હાં તમે ત્રણ પગલા જમીન માપીને લઇ લો.આટલુ કહેતાની સાથે બટુકનું કદ એટલુ તો વધ્યું કે બલિને તેમના પગ જ દેખાતા હતા.પહેલા પગલામાં તો સમગ્ર પૃથ્વી આવી ગઇ, બીજા પગલામાં આખું આકાશ માપી લીધુ. મહાબલિ આ જોઇને સ્તબ્ધ રહી ગયો.બટુકે કહ્યું કે તમે મને ત્રણ પગલા જમીન આપવાની કહી હતી અને બીજા પગલામાં તો આકાશ અને ધરતી મપાઇ ગઇ છે હવે તમે કહો હું ત્રીજો પગ ક્યાં મુકું? બલિએ બાળકને કહ્યું કે પ્રભુ હું વચનભંગ કરનારા લોકોમાંથી નથી.તમે ત્રીજો પગ મારા માથા પર મુકો.ભગવાને હસીને ત્રીજો પગ બલિના માથા પર મુક્યો અને તેનાથી બલિ રાજા હંમેશા માટે પાતાળ લોકમાં જતા રહ્યાં. મહાબલિનો વૈભવ ત્રણેય લોકમાંથી સમાપ્ત થયો.પાતાળમાં જતા બલિને વામને કહ્યું કે હું તારૂં ત્યાં પોષણ કરીશ.તારા પૂત્ર પૌત્રોનું રક્ષણ કરીશ,તૂં ત્યાં સુખેથી રહેજે.બલિરાજાએ ત્રણેય લોકનું આધિપત્ય ગુમાવ્યું પણ દેવશયની એકાદશીથી દેવપ્રબોધિની એકાદશી પર્યંત બલિરાજા પાસે રહેવાનું ભગવાન વિષ્ણુએ તેની ભક્તિ અને દાનવીરતાથી પ્રસન્ન થઈને સ્વીકાર્યું હતું આ પૌરાણિક કથા છે.
હિંદુ ધર્મની માન્યતાઓ પ્રમાણે ભગવાન વિષ્ણુનો શયનકાળ દેવશયની એકાદશીના દિવસથી શરૂ થાય છે તેથી જ તેને દેવશયની એકાદશી કહેવામાં આવે છે.દેવશયની એકાદશીના ચાર મહિના પછી દેવઉઠની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ જાગે છે.એકાદશીનું વ્રત સર્વ વ્રતોમાં શ્રેષ્ઠ છે.ભગવાનની આરાધના માટે મનુષ્ય વ્રત કરે તો તે સુખી થાય છે.વૈજ્ઞાનિક કારણોસર પણ પેટને(જઠરને) મહિનામાં એક-બે દિવસ રજા આપવાથી શરીરનું સ્વાસ્થ્ય સારૂં રહે છે અને આવા જ કારણોસર આવા વ્રત બનાવવામાં આવ્યા હશે !
એકાદશીનું વ્રત ત્રણ દિવસનું બતાવ્યું છે.દશમીના દિવસે અજીર્ણ થાય તેવું ખાવું નહિ, ફક્ત એકવાર દૂધ-ભાત જેવો સાત્વિક આહાર લેવો.વ્રત કરવાનો મક્કમ નિર્ણય હશે તો ભગવાન શક્તિ આપશે. અગિયારસ કરવાનો સંકલ્પ કરશો તો ભગવાન મદદ કરશે.એકાદશીના દિવસે,ઘરમાં અન્ન રંધાય નહિ,અન્નના દર્શન પણ ના થાય.એકાદશીના દિવસે અન્નમાં સર્વ પ્રકારના પાપ આવી વસે છે અને અન્ન ખાનારને માથે તે જાય છે.દિવસે સુવાય નહિ અને રાત્રે એક-બે કલાક કિર્તન કરવાનું.
પાંચ કર્મેન્દ્રિય,પાંચ જ્ઞાનેન્દ્રિય અને અગિયારમું મન..આ અગિયાર ઈન્દ્રિયોને પ્રભુમાં પરોવી રાખવી એ એકાદશી છે.આખો દિવસ સતત ભક્તિ કરવાનો દિવસ તે એકાદશી. ઉપ એટલે નજીક અને વાસ એટલે રહેવું. પ્રભુની સમીપ રહેવું તેનું નામ ઉપવાસ.ઈશ્વરના ચરણમાં વાસ તેનું નામ ઉપવાસ.બારસના દિવસે એક વાર આહાર કરવો. બ્રાહ્મણનું સન્માન કરી પછી પ્રસાદ ગ્રહણ કરો. બારસના દિવસે બે વખત ભોજન કરો તો એકાદશીનો ભંગ થાય છે.સમજીને બુધ્ધિપૂર્વક ઉપવાસ કરવાથી પાપ બળે છે.તન અને મન શુદ્ધ થાય છે.મહિનામાં એક બે દિવસે ઉપવાસ કરવાથી શરીર સારું રહે છે.આરોગ્ય માટે પણ આ વ્રત આવશ્યક છે.આજકાલ લોકો ડોક્ટરો ઉપર વિશ્વાસ કરે છે પણ ભગવાન વ્યાસજી જેવા ઋષિમુનિના વચન ઉપર વિશ્વાસ કરતા નથી.ડોક્ટર કહે કે ટાઈફોઈડ થયો છે,એકવીસ દિવસ અનાજ લેવાનું નથી તો લોકો માનશે. કદાચ એકાદશી ના કરનારને આવી સામટી એકાદશીઓ કરવી પડતી હશે !
આલેખનઃ
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)