ભાદરવા સુદ-૧૨ એ વામન જયંતી તરીકે ઉજવવામાં આવે છે.જ્યારે જ્યારે પૃથ્વી ઉપર ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે ભક્તોની રક્ષા કરવા માટે પાપકર્મ કરનારાઓનો વિનાશ કરવા માટે અને ધર્મની સમ્યક રીતે સ્થાપના કરવા માટે અને પોતાના ભક્તોને નિજ સ્વરૂપનું સુખ આપવા ભગવાન નારાયણ સ્વંય અવતાર ધારણ કરે છે.વામન અવતાર ભગવાન નારાયણનો પાંચમો અવતાર હતો.જેમાં પ્રભુએ વામનરૂપમાં દેવરાજ ઇન્દ્રની રક્ષા માટે પૃથ્વી પર અવતાર લીધો હતો.આ અવતારની વાર્તા અસુર રાજા બલિથી શરૂ થાય છે.બલિ વિરોચનનો પૂત્ર હતો.પ્રહ્લાદનો પૂત્ર વિરોચન નાસ્તિક નીકળ્યો.તેની અસર તેના દિકરા વાલિ ઉપર પડી.પિતા કરતાં દાદાના સંસ્કાર પૌત્રમાં વધુ આવતા હોય છે.
જે મુશ્કેલીમાં હોય તેને મદદ કરી પોતાની તરફ ખેંચી લેવાનો તેમજ જે લોકોમાં કંઇ ગુણો હોય તેમને માન-સન્માન આપી તેમની પ્રસંશા કરી,પૂજા કરી તેમને પોતાના કરી લેવાની બલિ પાસે મોટામાં મોટી કળા હતી.
રાજા બલિ એક મહાન દાનવીર,ધાર્મિક અને સાત્વિક શાસક હતા અને પ્રજા તેમને ખુબ પ્રેમ કરતી હતી છતાં તે એક અભિમાની રાક્ષસ હતો.તેમનું રાજ્ય ખુબ જ સમૃદ્ધ હતુ અને પિતામહ પ્રહલાદ અને ગુરૂ શુક્રચાર્યે તેમને વેદોનું જ્ઞાન આપ્યુ હતું પણ તેણે લોકોમાં રહેલી ઇશ્વરનિષ્ઠા અને વેદનિષ્ઠા શિથિલ કરી નાખી.બ્રાહ્મણોને સાંસ્કૃતિક કાર્યોમાંથી દૂર કરીને ફક્ત કર્મકાંડમાં જ રોકી રાખ્યા.આસુરીવૃત્તિના જડવાદી ક્ષત્રિયોને રાજ્યમાં મહત્વના સ્થાનો આપ્યા.વ્યાપાર ભોગવાદી વૈશ્યોના હાથમાં ગયો.આ રીતે બલિએ ત્રણે વર્ણવ્યવસ્થા ખલાસ કરી નાખી.શિક્ષણ બ્રાહ્મણોના હાથમાંથી લઇને રાજસત્તાને સોપ્યું તેથી શિક્ષણ ક્ષુદ્ર હલકું અને દુર્બળ થયું.સમાજમાંથી ભગવદનિષ્ઠા અને પ્રભુ ઉપરનો પ્રેમ ચાલ્યો ગયો અને પૈસો જ મુખ્ય બન્યો.
સમુદ્ર મંથનમાં દેવતાઓએ અમૃત પીધુ ત્યારે તેમણે બલિ રાજાને મારી નાંખ્યા હતા.બાદમાં શુક્રચાર્યે સંજીવની વિદ્યાથી બલિને પુન:જીવીત કર્યા હતા.મહાબલિએ બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે કઠોર તપસ્યા કરી અને કહ્યું કે પ્રભુ લોકો અસુરોથી બીતા જ હોય છે પરંતુ હું સાબિત કરી આપવા માંગુ છુ કે અસુરો પણ સારા હોય છે.મને ઇન્દ્રદેવની બરાબર શક્તિ જોઇએ જેથી મને કોઇ પરાજીત ન કરી શકે.ભગવાને પણ આ વાતને યોગ્ય માનીને વરદાન આપી દીધું.
શુક્રચાર્ય એક સારા ગુરૂ હતા અને રાજનીતિજ્ઞ હતા તેમની મદદથી રાજા બલિએ ત્રણેય લોક જીતી લીધા.ઇન્દ્રદેવને પરાજીત કરીને ઇન્દ્રલોક ઉપર પણ કબજો જમાવ્યો હતો.બાદમાં શુક્રચાર્યએ કહ્યું કે જો તારે આ ત્રણેય લોકનું સ્વામી બનીને રહેવું હોય તો અશ્વમેઘ યજ્ઞ કરવો પડશે.જેથી તું કાયમને માટે ત્રણેય લોકનો રાજા બનીને રહી શકે.
આ વાતથી ઇન્દ્રદેવ ઘણા જ હેરાન થઇ ગયા હતા અને ઇર્ષા પણ થઇ હતી કે જો બલિ રાજા આવી રીતે જ રાજ કરતા રહેશે તો થોડા જ સમયમાં બધા દેવતા તેમની તરફ થઇ જશે અને પોતાને કોઇ ગણશે નહી.
સમાજમાં ચાલતી આવી ભોગઉપાસના અને જડત્વની પૂજાથી ચિડાયેલી દેવમાતા અદિતિએ પોતાના પતિ કશ્યપને પ્રાર્થના કરી કે દેવો પુનઃ પદ અને પ્રતિષ્ઠા મેળવે તેવો ઉપાય બતાવો ત્યારે ઋષિ કશ્યપે કહ્યું કે ભગવાનનું શરણ સર્વદુઃખ હરણ છે.ત્યારે માતા અદિતિએ બાર દિવસનું પયોવ્રત કર્યું. વિષ્ણુ ભગવાનની આરાધના કરી અને ભગવાન જ્યારે પ્રગટ થયા ત્યારે તેમણે વરદાન માંગ્યુ કે તમે મારા પુત્રના રૂપમાં અવતાર લો અને ધરતી પર જઇને બલિ રાજાનો વધ કરો ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું કે બલિ રાજા તો ખુબ ઉદાર છે.શા કારણે તમે તેનો નાશ ઇચ્છો છો? ત્યારે દેવમાતાએ કહ્યું કે બલિ સજ્જન છે પરંતુ મારા પુત્ર ઇન્દ્રનું સિંહાસન સદાય માટે છીનવાઇ જશે, એક માતા તરીકે હું પુત્રની ભલાઇ ઇચ્છુ છું ત્યારે ભગવાને તેમને આશીર્વાદ આપ્યા.
અદિતી અને ઋષિ કશ્યપના ત્યાં ભગવાન વામનનો જન્મ થયો.વામન બાળપણથી સર્જનાત્મક શક્તિ ધરાવનાર અને સાહસિક પ્રભાવશાળી અતિ બુદ્ધિશાળી હતા.તેમને લોકજાગૃતિ નિર્માણ કરી. સંસ્કૃતિના વિચારોને લઇને ઘેર ઘેર ગયા,વ્યાપક થયા એટલે વામનમાં વિરાટ બન્યા.પ્રત્યેકમાં રહેલા ભગવાનને જાગૃત કર્યા.લોકોમાં ભગવાન ઉપર પ્રેમ વધવા લાગ્યો.લોકો તેજસ્વી અને દિવ્ય જીવન જીવવા લાગ્યા.
આ સમય દરમિયાન મહાબલિએ ૯૯ અશ્વમેઘ યજ્ઞો પુરા કરી દીધા હતા.માત્ર એક યજ્ઞ કર્યા બાદ તેને દેવોના ઇન્દ્રનો મુકુટ પહેરાવી દેવાનો હતો ત્યાં જ દરબારમાં બાળક સ્વરૂપે નારાયણ વામન સ્વરૂપે પહોંચી ગયા.બલિએ વિનમ્ર થઇને તે બાળકને સિંહાસન પર બેસવા કહ્યું.
બાદમાં મહાબલિએ કહ્યું કે મુનિવર આજના દિવસે હું કોઇ પણ વ્યક્તિને કોઇ પણ દક્ષિણા આપી શકુ છું.આપ ચાહો તે મારી પાસે માંગી શકો છો ત્યારે દાનવાચાર્ય શુક્રાચાર્ય વામન અવતારધારી વિષ્ણુને ઓળખી ગયા.બલિરાજા તેમની છલનાનો ભોગ બનશે એવી આશંકાને લીધે બલિરાજાને ત્રણ ડગલાં ભૂમિનું દાન કરતો અટકાવવાનો તેમનો પ્રયત્ન નિષ્ફળ જતાં દાન આપતા બલિરાજા ઝારીમાંથી દાનસંકલ્પ માટે પાણી લેવાનો પ્રયત્ન કરે તે પહેલાં તેના નાળચામાં પ્રવેશી જળ આવતું અટકાવવાનો પ્રયત્ન શુક્રાચાર્યે કર્યો પણ વામને દર્ભ-શલાકાથી એ અંતરાય દૂર કરવા જતાં શુક્રાચાર્યનું એક નેત્ર ફૂટી ગયું અને બહાર આવી ગયા.શુક્રાચાર્યના પ્રયત્નો બલિરાજાની દાનવીરતા અને વામનની પ્રયુક્તિ સામે નિષ્ફળ નીવડ્યા.
ભગવાન વામને કહ્યું કે મહારાજ મને ત્રણ પગલા જમીન જોઇએ છે ત્યારે બલિએ કહ્યું કે હાં તમે ત્રણ પગલા જમીન માપીને લઇ લો.આટલુ કહેતાની સાથે બટુકનું કદ એટલુ તો વધ્યું કે બલિને તેમના પગ જ દેખાતા હતા.પહેલા પગલામાં તો સમગ્ર પૃથ્વી આવી ગઇ, બીજા પગલામાં આખું આકાશ માપી લીધુ. મહાબલિ આ જોઇને સ્તબ્ધ રહી ગયો.બટુકે કહ્યું કે તમે મને ત્રણ પગલા જમીન આપવાની કહી હતી અને ૦૨ પગલામાં તો આકાશ અને ધરતી મપાઇ ગઇ છે હવે તમે કહો હું ત્રીજો પગ ક્યાં મુકું? મહાબલિએ બાળકને કહ્યું કે પ્રભુ હું વચનભંગ કરનારા લોકોમાંથી નથી.તમે ત્રીજો પગ મારા માથા પર મુકો.ભગવાને હસીને ત્રીજો પગ બલિના માથા પર મુક્યો અને તેનાથી બલિ રાજા હંમેશા માટે પાતાળ લોકમાં જતા રહ્યાં.મહાબલિનો વૈભવ ત્રણેય લોકમાંથી સમાપ્ત થયો.પાતાળમાં જતા બલિને વામને કહ્યું કે હું તારૂં ત્યાં પોષણ કરીશ.તારા પૂત્ર પૌત્રોનું રક્ષણ કરીશ,તૂં ત્યાં સુખેથી રહેજે.બલિરાજાએ ત્રણેય લોકનું આધિપત્ય ગુમાવ્યું પણ દેવશયની એકાદશીથી દેવપ્રબોધિની એકાદશી પર્યંત બલિરાજા પાસે રહેવાનું ભગવાન વિષ્ણુએ તેની ભક્તિ અને દાનવીરતાથી પ્રસન્ન થઈને સ્વીકાર્યું હતું આ પૌરાણિક કથા છે..
બલિરાજાએ વામન સાથે સમાધાન કરવું પડ્યું.વામને ત્રણ શરતો મુકી..શિક્ષણ બ્રાહ્મણોના હાથમાં સોંપવું..રાજ્યનો વહીવટ ઇશ્વરવાદી ક્ષત્રિયોના હાથમાં સોંપવો અને ધંધો રોજગાર ઇશ્વરને માનનારા સાત્વિક વૈશ્યોના હાથમાં સોંપવો..આ જ ત્રણ ડગલા ભૂમિ.આ માંગણીથી બલિ ખલાસ થયો.તેને પોતાના અસ્તિત્વ વિશે શંકા પ્રગટ કરતાં ભગવાન વામને તેને પુષ્કળ ધન-સંપત્તિ આપીને દક્ષિણમાં સુતલમાં મોકલી આપ્યો અને પોતે તેના દ્વારપાળ થઇને રહ્યા એટલે કે બલિને રાજકૈદી તરીકે નજરકૈદમાં રાખ્યો.
ભગવાન વામને સંદેશ આપ્યો કે કનક(સોનુ) અને કાંતા(સ્ત્રી)ના લીધે માણસ અસુર થાય છે.સુંદર સ્ત્રીને જોતાં જ ધર્મનાં બંધનો તોડીને તેનો હાથ પકડવા દોડવું એ માનવ સ્વભાવ છે.બ્રહ્માજીએ કનક અને કાંતામાં ભ્રમ રાખ્યો છે તે ભોગદાસી નથી પણ આપણી બા છે.આ બા ના ખોળામાં માથું મુકીને સૂઇ જાઓ તે બા નું પૂજન કરો તે પૂજન એટલે લક્ષ્મીપૂજન.સ્ત્રી તરફ બહેનની દ્રષ્ટિએ જુવો,સ્ત્રી જાત એ બહેન છે.બહેન સુંદર હોય તો તેનો હાથ પકડવાનું મન થાય છે? આમ સમજીને આગળ ચાલીશું તો આસુરી સંસ્કૃતિ ચાલી જશે.આમ એક દિવસ બા ની પૂજા માટે રાખ્યો તે લક્ષ્મીપૂજન અને બીજો એક દિવસ રાખી દીધો સ્ત્રી જાતને બહેન સમજવા..એનું સતત ભાન રહે તે માટે અને તે દિવસ એટલે ભાઇબીજ..બલિ બહુ સારો હતો તેનામાં ઘણી સારી વાતો હતી એટલે તેના સારા ગુણો લેવા જ જોઇએ એટલે એના નામે એક દિવસ રાખી દીધો તે બલિપ્રતિપદાનો એટલે બેસતું વર્ષ.
બલિરાજાએ તેમની ભક્તિના બળે ભગવાન પાસે રાત દિવસ તેમની સામે રહેવાનું વચન માંગી લીધું.ભગવાન પણ વચન આપીને બંધાઇ ગયા અને બલિરાજા પાસે જ રહી ગયા.વિષ્ણુ ભગવાન પરત ના આવતાં માતા લક્ષ્મીજી પરેશાન થઇ ગયા ત્યારે નાદરજીએ ભગવાનને પાછા લાવવાનો રસ્તો બતાવ્યો.નારદજીએ બતાવ્યા અનુસાર માતા લક્ષ્મીજીએ બલિને રાખડી બાંધી અને ઉપહાર અને આર્શિવાદના બદલામાં ભગવાન વિષ્ણુને માંગી લીધા.
આખા જગતને નૈતિક અને સાત્વિક બનાવી જગતનું સાંસ્કૃતિક અને નૈતિક પુનરૂત્થાન કરી વામન ભગવાને અવતાર કાર્ય પુર્ણ કર્યું.બલિએ કરેલા દાન ઉપરથી આજે પણ જ્યારે કોઇ મોટો ત્યાગ કરે ત્યારે તેને બલિદાન કહેવામાં આવે છે.ઉત્તમ રાજાની વ્યાખ્યામાં આવતા બલિરાજા અને તેમની પ્રભુભક્તિને શત શત નમન..
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)