Surendranagar,તા.11
મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસને વેગ આપવા એક વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ટાઉન પ્લાનિંગ એન્ડ એસ્ટેટ વિભાગ તથા દબાણ શાખા દ્વારા પોલીસ વિભાગ સાથે સંપૂર્ણ સંકલનમાં રહીને શહેરના મુખ્ય વિસ્તારોમાં અનધિકૃત બાંધકામો અને દબાણોને દૂર કરવાની કાર્યવાહી કરી હતી આ અભિયાન શહેરની સુંદરતા, સુરક્ષા અને નાગરિકોના હિતને ધ્યાનમાં રાખીને હાથ ધરવામાં આવ્યું છે.
જેમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેની સંપૂર્ણ કાળજી લેવામાં આવી હતી જે અન્વયે સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના સંતોષ પાર્ક અને સુગમ સોસાયટી, જી.આઈ.ડી.સી.રોડ વિસ્તારમાં સોસાયટીના કોમન પ્લોટમાં ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલી કમ્પાઉન્ડ વોલ તથા અન્ય દબાણોને તોડી પાડવામાં આવ્યા છે આ કાર્યવાહીથી કોમન પ્લોટ ખુલ્લા થતા સોસાયટીના રહીશોને તેમના હક્કની જગ્યા પરત મળી છે.
જે શહેરમાં ગ્રીન સ્પેસ વધારવામાં મદદરૂપ બનશે આ ઉપરાંત શાંતિ સદન સોસાયટી, લો-કોલેજ સામે 60 ફુટ રોડ વિસ્તારમાં પણ અનધિકૃત બાંધકામ કરી રહેલા કોમ્પ્લેક્સની દુકાનોને સીલ કરવામાં આવી છે આ પગલાંથી અનિયમિત વિકાસને અટકાવીને શહેરના ટાઉન પ્લાનિંગને મજબૂત બનાવવામાં આવ્યું છે જેનાથી ટ્રાફિક અને સુરક્ષા જેવા મુદ્દાઓ પર સુધારો આવશે.
મહાનગરપાલિકાના કમિશ્નરના માર્ગદર્શન હેઠળ આ અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે આ ઉપરાંત મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ નાગરિકોને કાયદાનું પાલન કરીને અનધિકૃત બાંધકામો કરવાનું ટાળી અને શહેરના વિકાસમાં સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે આમ સુરેન્દ્રનગર મહાનગર પાલિકા શહેરને વધુ સ્વચ્છ, સુરક્ષિત અને વિકસિત બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે.