Surat,તા.૪
સુરત શહેરમાં ડમી શિક્ષકોની જેમ ડમી શાળાઓનો પણ રાફડો ફાટી નીકળ્યો છે. વિદ્યાર્થીઓના શિક્ષણનું જાણે કોઈ મોલ ન હોય તેમ એક પછી એક શાળાઓ ખુલી રહી છે, બાળકોને એડમિશન અપાઈ રહ્યાં છે. ત્યારે શિક્ષણ વિભાગ ડમી શાળાઓ સામે કાર્યવાહી કરવા સખ્ત બન્યું છે. ડમી શાળાઓ શોધવા ડીઈઓની ટીમ હવે સક્રિય થઈ છે.
ડમી શાળાઓ પણ કથળતા શિક્ષણ માટે જવાબદાર ગણાતી હોય છે ત્યારે આવા દૂષણને અટકાવવા શિક્ષણ વિભાગ વધુ સજાગ બન્યું છે. સુરતમાં જીલ્લા શિક્ષણાધિકારીઓની ટીમ ડમી શાળા શોધવા સક્રિય થઈ છે. માહિતી મુજબ, તપાસ દરમિયાન જો કોઈ ડમી શાળાઓ મળી આવે તો આવી શાળાઓ સામે જરૂરી કાર્યવાહી કરવાનો પણ આદેશ કરાયો છે.
એવા અહેવાલો પણ મળ્યા છે કે, સુરતમાં જેઇઇ નીટની તૈયારી માટે બંધાણિયા બજારમાં ડમી શાળાઓનો મોટા પ્રમાણમાં જોવા મળી છે. સુરતમાં જ સીબીએસઇ બોર્ડની અંદાજે ૧૬, ગુજરાત બોર્ડની ૨૫ જેટલી શાળાઓ ડમી હોવાની શિક્ષણ વિભાગને ફરિયાદ મળી છે. વિદ્યાર્થીની સ્કૂલનાં રજિસ્ટરને બદલે કોચિંગનાં રજિસ્ટરમાં હાજરી હોય છે. જે ફરિયાદનાં પગલે તપાસનાં આદેશ કરાયા છે. ખાનગી ટ્યુશન સંચાલકો પણ ડમી શાળાઓ ખોલી રહ્યાં હોવાનું જાણવા મળ્યું છે.