Surendranagar,તા.18
સુરેન્દ્રનગરના આંબાવાડી વિસ્તારમાં ૩૦ વર્ષીય ગર્ભવતી મહિલાનું અચાનક બેભાન થઈ ગયા બાદ મોત નીપજ્યું છે. જેને પગલે સાચું કારણ જાણવા માટે મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરાવવાની તજવીજ હાથ ધરાઈ છે. બનાવને લઈ પરિવારમાં ગમગીની છવાઇ છે. પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ સુરેન્દ્રનગરના આંબાવાડી વિસ્તારમાં રહીને છૂટક મજૂરી કરતા મયારામ પાસવાનના પત્ની બિંદુકુમારી (ઉં.વ. ૩૦) સાત મહિનાના સગર્ભા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, તેમના ગર્ભમાં બાળક ઊંધું હતું. આ દરમિયાન અચાનક જ બિંદુકુમારી બેભાન થઈ ઢળી પડ્યા હતા. પરિવાર કંઈ સમજે તે પહેલાં જ ગર્ભસ્થ શિશુ અને માતા બંનેના શ્વાસ થંભી ગયા હતા. આ ઘટનાને પગલે શ્રમિક પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયું છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક બિંદુકુમારીને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે, જેમણે માતાની છત્રછાયા ગુમાવી દીધી છે. મહિલાનું મોત કયા સંજોગોમાં અને કયા તબીબી કારણોસર થયું તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. પોલીસ અને તબીબી સૂત્રોના જણાવ્યા અનુસાર, હાલ મોતના ચોક્કસ કારણની વિગત મેળવવા માટે પેનલ ડૉક્ટરો દ્વારા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવામાં આવી રહ્યું છે. રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ જાણી શકાશે. પોલીસે આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

