Porbandar , તા.7
પોરબંદર માં એક તો કોઈ ખાસ ઉધ્યોગ નથી જબરી બેરોજગારી છે તો બીજી તરફ તત્કાલિન પાલિકા ના સત્તાધિશો લોકોને પાયા ની સુવિધા આપવામાં પણ નિષ્ફળ રહ્યા છે ત્યારે મહાપાલિકા બન્યા બાદ જબરો વેરો વધારો જાહેર કરાયો હતો.
જેને લઈને ભારે લોકરોષ વ્યાપી ગયો હતો અને અનેક સંસ્થા ઓ તથા આગેવાનો દ્વારા આ વેરા વધારો પાછો ખેંચવા રજૂઆત કરવામાં આવી હતી એટલું જ નહીં પરંતુ ખુદ પાલિકાના તે વખતના સત્તાપક્ષ ભાજપ કે જેના સત્તાધીશો એ જ વેરા વધારા ના ઠરાવો પાસ કર્યા હતા.
તે જિલ્લા ભાજપ ના આગેવાનો દ્વારા પણ મહા પાલિકાના કમિશનર ને આવેદન આપી વેરા વધારો પાછો ખેંચવા રજૂઆત થઈ હતી ત્યારે લોક રોષ જોતા ગઈ કાલે રવિવારે રાજા ના દિવસે અચાનક મોડી સાંજે આઠ વાગ્યે મહા પાલિકા કચેરી ખાતે ભાજપ એ પત્રકાર પરિષદ બોલાવી પ્રોપર્ટી ટેક્સ અને બિલ માં આવતો વેરા વધારો સ્થગિત કરાયો હોવાની જાહેરાત કરવી પડી હતી.
મહા નગર પાલિકા ના પ્રવર્તમાન વેરા ના દરો નો અભ્યાસ કરી ફરી વિચારણા કર્યા બાદ વેરા ઓ ની અમલવારી થશે તેવું જાહેર કરાયું છે એટલું જ નહીં પરંતુ જે નગરજનો એ વધેલા વેરા ઓ ની ભરપાઈ કરી દીધી છે તે ઓ ને ભરપાઈ થયેલી વધારા ની રકમ પરત જમા મળશે તેવી પણ જાહેરાત થઈ છે.
જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતના બેન તિવારી મહામંત્રી અશોકભાઈ મોઢા અને શહેર પ્રમુખ સાગર ભાઈ મોદી ની ઉપસ્થિતિ માં પત્રકાર પરિષદ દરમિયાન ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા એ આ જાહેરાત કરી છે.
ઘી ના ઠામમાં ઘી
પોરબંદર માં વેરા વધારા ને લઈ ને લોકો રોષ વ્યાપી ગયો હતો અને તેમાં પણ મહા પાલિકા બન્યા બાદ નહીં પરંતુ તત્કાલિન પાલિકા ના ભાજપ ના સત્તાધિશો એ જ વેરા વધારા ના ઠરાવો કર્યા હોવાનું જાહેર થતા અને એ જ ભાજપ ના આગેવાનો એ મગર ના આંસુ સારવા વેરો ઘટાડવા મ્યુનિસિપલ કમિશનર ને આવેદન આપતા તો વિવાદ વકર્યો હતો અને સમગ્ર શહેર માં જબરો રોષ જોવા મળતો હતો.
ત્યારે આવનારી મહાનગર પાલિકાની ચૂંટણી માં ભાજપ લોકો રોષ નો ભોગ ન બને તે માટે તાત્કાલિક લોક લાડલા નેતા ની છાપ ધરાવતા ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા નો સહારો લઈ પત્રકાર પરિષદ યોજી વેરો સ્થગિત કરાયો હોવાની જાહેરાત ભાજપ એ કરવી પડી હોવાની ચર્ચા આગેવાનો માં જોવા મળી રહી છે.
ચેમ્બર પ્રમુખ
પોરબંદરમાં કમરતોડ વેરા વધારો અગાઉના પાલિકા પ્રમુખ સરજુ કારીયા એ કર્યો હોવાની વાત વહેતી થઇ હતી ત્યારે તેના ભાઈ ચેમ્બર પ્રમુખ મેદાને આવ્યા છે અને આ વેરા વધારો ડો ચેતનાબેન તિવારી એ કર્યો હોવાનું પુરાવા સાથે જાહેર કરતા શહેર ના રાજકારણ માં ભારે ગરમાવો આવી ગયો છે.
– પોરબંદર નગરપાલિકા દ્વારા હાઉસ ટેક્સ વેરો વધારો કરવામાં આવ્યો ત્યારે તે બાબતે ચેમ્બર પ્રમુખ જીજ્ઞેશ કારિયા દ્વારા વેપારીના હિતમાં વિરોધ કરી ન્યાય આપવામાં આવતો નથી અને નગરપાલિકામાં શું કામ રજૂઆત કરી અને વેપારીઓ નું ભલું થાય તેવું કાર્ય નથી કરતા અને નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ સરજુભાઈ કારિયા તેના મોટા ભાઈ હોવાથી એમના દ્વારા આ હાઉસ ટેક્સ વધારાનો ઠરાવ કરવામાં આવેલ હોય માટે ભાઈ ભાઈ ના કોઈ ઝગડા ન થાય અને ભાઈ ની આબરૂ ન જાય માટે મૌન રાખ્યું છે.
તેવી શહેરભર માં વાતો વહેતી થઇ હતી ત્યારે આ બાબતે ચેમ્બર પ્રમુખે ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું છે કે સરજુભાઈ કારિયા નગરપાલિકાના પ્રમુખ હતા ત્યારે 15/03/2023 ના રોજ દૈનિક માં આ બાબતે પ્રસિદ્ધ કરવામાં આવેલ હોય અને સરજુભાઈ કારિયા દ્વારા 2023 માં જનરલ બોર્ડ માં આ હાઉસ ટેક્સ વધારા ને બહાલી આપવામાં આવી હતી અને 30 દિવસ માં આ બહાલી માં કોઈ વાંધો હોય તો રજૂઆત કરવી તેવું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું
આ ઠરાવ થયાના 30 દિવસ અંદર વાંધા-વચકા આવતા પ્રમુખ સરજુભાઈ કારિયા દ્વારા આ ઠરાવ ને કોઈ માન્યતા આપેલ ન હતી અને આ ઠરાવ સાઈડમાં કરી દેવામાં આવ્યો હતો ત્યાર બાદ સરજુભાઈ કારિયા ની પ્રમુખ પદ ની મુદ્દત પૂરી થતા નવા પ્રમુખ તરીકે ડો.ચેતના બેન તિવારી એ ચાર્જ સંભાળ્યો હતો.
ત્યારે ચેતનાબેન દ્વારા નગરપાલિકાની જનરલ બોર્ડમાં તા. 25/10/2024 ના રોજ હાઉસ ટેક્સ વધારાનો જે સરજુભાઈ કારિયા દ્વારા સાઈડ કરવામાં આવેલ હતો તે ઠરાવ ને સુધારા વધારા કરી અને ચેતનાબેન તિવારી ના પ્રમુખસ્થાને થી તા. 25/10/2024 ના રોજ હાઉસ ટેક્સ માં હાલ જે વધારો થયેલ હોય તે વધારા ને પાસ કરી અને મંજુરી અપાઈ હતી.
અને ત્યારબાદ પ્રમુખ ચેતના બેન તિવારી દ્વારા રાજકોટ પ્રાદેશિક કમિશનર કચેરીમાં પ્રમુખ હાઉસ ટેક્સ વધારવાનો ઠરાવ કરેલ હોય તેને મંજુરી આપવા મોકલેલ હતો કચેરીમાંથી હાલ જે હાઉસ ટેક્સ વધારો થઈ ને આવેલ છે.
જેનો વિરોધ થતો હોય તે ઠરાવ ને રાજકોટ પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશનર દ્વારા તા. 21/12/2024 ના રોજ પ્રાદેશિક કમિશનર દ્વારા મંજુરી આપી અને માન્યતા આપવામાં આવેલી હતી અને ત્યારબાદ તા. 01/01/2025 થી પોરબંદર નગરપાલિકા ને પોરબંદર મહાનગરપાલિકા તરીકે જાહેર કરવામાં આવેલ હતી.
આમ સરજુભાઈ કારિયા દ્વારા આ હાઉસ ટેક્સ વધારા નો કોઈ ઠરાવ જ કરવામાં આવેલ નથી જે ઠરાવ કરવામાં આવેલ હોય તેને માન્યતા પણ આપવામાં આવેલ ન હોય ત્યારે આ હાઉસ ટેક્સ વધારા નો જે હાલ વિરોધ થઈ રહ્યો હોય તે હાઉસ ટેક્સ નો વધારો પૂર્વ પ્રમુખ ચેતના બેન તિવારી ના ઠરાવ થી જ થયેલ હોય તેવું જણાવ્યું છે અને ફક્ત અને ફક્ત જીગ્નેશ અને સરજુભાઈ કારિયા ને બદનામ કરવા માટે જ આ બાબતની ચર્ચા થઈ રહી હોય તેવું પણ જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે હાલ પોરબંદર મહાનગર પાલિકા દ્વારા વેરા વધારા ને લઈ નગરજનો માં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આ વેરો પાલિકા ના સમય માં ઠરાવ કરી પાસ કરાયો હોવાની મહાનગર પાલિકા ના કમિશનર એ જાહેર કર્યા બાદ પાલિકા ના ક્યાં પ્રમુખે વેરો વધાર્યો હતો તેને લઈ ને વિવાદ છેડાયો છે.